'સરકાર કાશ્મીરી પંડિતોની દુર્દશા સંતાડવા ઈચ્છે છે', મેહબૂબા મુફ્તી ફરી નજરકેદમાં - At This Time

‘સરકાર કાશ્મીરી પંડિતોની દુર્દશા સંતાડવા ઈચ્છે છે’, મેહબૂબા મુફ્તી ફરી નજરકેદમાં


- અમારી પોતાની સુરક્ષા માટે પૂર્યા હોવાનો દાવો કરે છે પણ તેઓ પોતે ઘાટીના દરેક ખૂણે ફરતા જોવા મળે છેઃ મુફ્તીજમ્મુ, તા. 21 ઓગષ્ટ 2022, રવિવારપૂર્વવર્તી રાજ્ય જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીને ફરી એક વખત નજરકેદ કરવામાં આવ્યા છે. મુફ્તીએ પોતે જ ટ્વિટરના માધ્યમથી આ અંગેની જાણકારી આપી હતી. આ સાથે જ તેમણે પોતાના ઘર બહાર તૈનાત CRPF અને મુખ્ય ગેટ પર મારવામાં આવેલા તાળાની તસવીર પણ શેર કરી છે. મેહબૂબાએ ટ્વિટમાં લખ્યું હતું કે, ભારત સરકાર કાશ્મીરી પંડિતોની દુર્દશાને સંતાડવા ઈચ્છે છે કારણ કે તેમની કઠોર નીતિઓના કારણે જેમણે ભાગવાનો વિકલ્પ પસંદ ન કર્યો તે લોકોની દુર્ભાગ્યપૂર્ણ લક્ષિત હત્યા (ટાર્ગેટ કિલિંગ) થઈ છે. મુખ્ય પ્રવાહોમાં, સૌના સામે સરકાર અમને પોતાના દુશ્મન તરીકે રજૂ કરી રહી છે. આ  કારણે આજે ફરી એક વખત મને મારા ઘરમાં નજરકેદ કરવામાં આવી છે.    પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ મેહબૂબા મુફ્તીએ અન્ય એક ટ્વિટમાં લખ્યું હતું કે, પ્રશાસને આજે ચોટીગામ ખાતે સુનીલ કુમારના પરિવારને મળવા માટેના મારા પ્રયત્નોને અસફળ બનાવી દીધા છે. પ્રશાસન દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે, અમને બંધ રાખવા તે અમારી પોતાની સુરક્ષા માટે છે પરંતુ તેઓ પોતે ઘાટીના દરેક ખૂણે ફરતા જોવા મળે છે. મૃત કાશ્મીરી પંડિતોના પરિવારને મળી રહ્યા છે મેહબૂબામેહબૂબા આજે મૃતક સુનીલ કુમાર ભટ્ટના પરિવારને મળવાના હતા. ગત 16 ઓગષ્ટના રોજ આતંકવાદીઓએ સુનીલ કુમારની હત્યા કરી હતી. દક્ષિણ કાશ્મીરના શોપિયા ખાતે આતંકવાદીઓએ સુનીલ અને તેમના ભાઈ પર હુમલો કર્યો હતો જેમાં સુનીલનું મોત થયું હતું. આતંકવાદી સંગઠન અલ બદ્ર દ્વારા તે હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી હતી. 3 મહિના પહેલા પણ નજરકેદ કરાયેલામેહબૂબાને 3 મહિના પહેલા, ગત 13 મેના રોજ પણ પ્રશાસન દ્વારા હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. તે સમયે તેઓ બડગામ જઈ રહ્યા હતા. તે સમયે તેઓ ટાર્ગેટ કિલિંગમાં માર્યા ગયેલા કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટના પરિવારજનોને મળવા જઈ રહ્યા હતા. વધુ વાંચોઃ રાહુલ ભટ્ટની હત્યા મામલે કાશ્મીરી પંડિતોનું વિરોધ પ્રદર્શન, પત્નીએ લગાવ્યા ગંભીર આરોપ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.