રેવડી કલ્ચર અને કલ્યાણકારી યોજનાઓ બંને અલગ અલગ બાબત : સુપ્રીમ કોર્ટ - At This Time

રેવડી કલ્ચર અને કલ્યાણકારી યોજનાઓ બંને અલગ અલગ બાબત : સુપ્રીમ કોર્ટ


નવી દિલ્હી, તા.૧૧ચૂંટણી વખતે રાજકીય પક્ષો દ્વારા જાહેર કરાતી તર્કહીન મફત યોજનાઓ અને સામાજિક કલ્યાણકારી યોજનાઓ વચ્ચે તફાવત છે તેવું નિરીક્ષણ કરતાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું હતું કે ગરીબ અને બગડતા જતા અર્થતંત્ર વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. મફત વસ્તુઓ આપવાના વચનો આપતા રાજકીય પક્ષોની માન્યતા રદ કરવાની અરજી પર વિચારણા કરવાની શક્યતા સુપ્રીમે નકારી કાઢી હતી. આ સુનાવણીમાં કેન્દ્રે સુપ્રીમને આગ્રહ કર્યો કે આ મુદ્દે સંસદ કોઈ કાયદો ન બનાવે ત્યાં સુધી કોર્ટ ચૂંટણી સમયે રાજકીય પક્ષો દ્વારા જાહેર થતી મફત યોજનાઓની જાહેરાતો પર લગામ લગાવવા કોઈ પગલાં લે. આ અંગે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી.મુખ્ય ન્યાયાધીશ એનવી રમણ અને ન્યાયાધીશ કૃષ્ણ મુરારીને સમાવતી બેન્ચે આ કેસમાં હિસ્સેદારોને ૧૭મી ઑગસ્ટ સુધીમાં સૂચનો આપવા જણાવ્યું છે. આ સાથે સુપ્રીમે આ કેસની વધુ સુનાવણી ૧૭મીએ ટ્રાન્સફર કરી છે. ચૂંટણી દરમિયાન તર્કહીન મફત યોજનાઓના વચનો આપતા રાજકીય પક્ષોની માન્યતા રદ કરવાનો વિચાર બિનલોકતાંત્રીક હોવાનું સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું. મુખ્ય ન્યાયાધીશ એનવી રમણે કહ્યું કે, હું રાજકીય પક્ષોની માન્યતા રદ કરવાની બાબતમાં પડવા માગતો નથી. આ પ્રકારનું પગલું બિન લોકતાંત્રીક છે.જોકે, એનવી રમણે જણાવ્યું કે, ભારત જેવા દેશમાં જ્યાં ગરીબી એક ગંભીર સમસ્યા છે, ત્યાં ગરીબીની અવગણના કરી શકાય નહીં. ચૂંટણી વખતે તર્કહીન મફત યોજનાઓ આપવાના રાજકીય પક્ષોના વચનો એક ગંભીર મુદ્દો છે, પરંતુ તેઓ સંસદ કે વિધાનસભાની કામગીરીમાં માથં  નહીં મારે. તમે મને રૂઢીવાદી કહી શકો છો, પરંતુ હું સંસદ અને વિધાનસભાની કામગીરીમાં ઘૂસણખોરી કરવા માગતો નથી. મુખ્ય ન્યાયાધીશ એનવી રમણે મફત યોજનાઓથી અર્થતંત્રને થઈ રહેલા નુકસાન પર ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે તેમણે રાજકીય પક્ષોને પોતે ૨૬મી ઑગસ્ટે નિવૃત્ત થાય તે પહેલાં આ બાબતનો ઉકેલ લાવવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, લોકોના કલ્યાણ અને અર્થતંત્રના નુકસાન વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીનજરૂરી મફત યોજનાઓ મુદ્દે નાણાકીય શિસ્ત જાળવવાની જરૂર છે.મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, જ્યાં સુધી સંસદ મારફત કોઈ ઉપાય સામે ન આવે ત્યાં સુધી અદાલત કોઈ નિર્ણય લઈ શકે નહીં. એક વકીલે તર્ક આપ્યો કે મોટાભાગની મફત યોજનાઓ અને ભેટો કોઈ ચૂંટણી ઢંઢેરાનો ભાગ નથી હોતી, પરંતુ રેલીઓ અને ભાષણો વખતે મફત યોજનાઓની જાહેરાત કરાય છે. આ એક ગંભીર મુદ્દો છે અને જે લોકો મફત ભેટનો વિરોધ કરી રહ્યા હોય તેમને ખરેખર વિરોધ કરવાનો અધિકાર છે, કારણ કે મફત યોજનાઓની ચૂકવણી ટેક્સના પૈસાથી થાય છે. આ બાબતમાં સવાલ એ છે કે અદાલત કઈ હદ સુધી દરમિયાનગીરી કરી શકે છે અથવા આ મુદ્દે વિચાર કરી શકે છે? અરજદાર અશ્વિની ઉપાધ્યાયે દાવો કર્યો કે, આરબીઆઈના આંકડાથી જાણવા મળે છે કે ૩૧મી માર્ચ, ૨૦૨૧ સુધીમાં રાજ્યોનું કુલ ઋણ ૫૯,૮૯,૩૬૦ કરોડ રૂપિયા છે. રાજકીય પક્ષોએ સોનાના ઘરેણાં અને ટીવી જેવી ભેટ-સોગાદોનું વિતરણ કર્યું હોવાનું ટાંકતા વકીલ અરવિંદ દાતારે કહ્યું કે, આ કોર્ટનો જ એક નિર્ણય છે જેમાં કહેવાયું છે કે મફત આપવું બંધારણ હેઠળ રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતોનું પાલન કરે છે, જેના પર ધ્યાન આપવાની જરૂર છે.આમ આદમી પાર્ટી તરફથી અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે મફત અને કલ્યાણકારી યોજનાઓ વચ્ચે ભ્રમ છે, મફત શબ્દનો ઉપયોગ ખૂબ જ ખોટી રીતે કરાઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટે દલીલો સાંભળ્યા પછી કેસની આગામી સુનાવણી ૧૭મી ઑગસ્ટે નિશ્ચિત કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.