કૂતરાઓ ખાતાં નથી એવું અમને મળે છેઃ કોન્સ્ટેબલે રડીને આપવીતી કહી - At This Time

કૂતરાઓ ખાતાં નથી એવું અમને મળે છેઃ કોન્સ્ટેબલે રડીને આપવીતી કહી


ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં પોલીસ કેન્ટિનમાં ખાવાલાયક ભોજન મળતું નથી એવી ફરિયાદ એક પોલીસ કોન્સ્ટેબલે રડતાં રડતાં લોકો સામે કરી હતી. એ ઘટનાનો વીડિયો ભારે વાયરલ થયો હતો.ફિરોઝાબાદમાં કાર્યરત મનોજ કુમાર નામના પોલીસ કોન્સ્ટેબલે ફિરોઝાબાદ મેસમાં મળતું ખાવાનું કેટલું ખરાબ હોય છે તેનો પર્દાફાશ રડતાં રડતાં લોકો સામે કર્યો હતો. પોલીસ કોન્સ્ટેબલે રડતાં રડતાં કહ્યું હતુંઃ કાચી રોટલી, દાળના નામે માત્ર પાણી, ૧૨-૧૨ કલાક ડયૂટી કર્યા પછી આવું ખાવાનું મળે છે. સવારથી ભૂખ્યા હોવા છતાં મારે આવું ખાવાનું ખાવું પડે છે. સાંભળનારું કોઈ નથી. કેપ્ટન સાહેબે પહેલાં મારી રજૂઆત સાંભળી લીધી હોત તો તમારા સુધી આવવું ન પડયું હોત. કપ્તાન સાહેબ અહીંથી નીકળ્યા તો મેં તેમને કહ્યું હતું, તમે મારી થાળીમાંથી પાંચ રોટલી ખાઈ લો. કમ સે કમ તમને ખબર પડશે કે મેસમાં કેવું ભોજન મળે છે? તમારા સિપાહીઓ ૧૨-૧૨ કલાકની ડયૂટી પછી કેવું ભોજન જમે છે તેની જાણકારી મળશે. શું તમારા દીકરા-દીકરી આ રોટલીઓ ખાઈ શકશે? કૂતરાઓને નાખી જૂઓ, કૂતરાઓ પણ આ રોટલીઓ ખાતા નથી, એવી અમને આપવામાં આવે છે.રડતાં રડતાં કોન્સ્ટેબલે તેની આપવીતી લોકોને જણાવી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. યુપીમાં વિપક્ષના નેતા અખિલેશ યાદવે આ કોન્સ્ટેબલનો વીડિયો શેર કરીને સરકાર સામે સવાલો ખડા કર્યા હતા. આખાય મામલે હવે તપાસનો આદેશ અપાયો છે અને ફરિયાદ કરનારા કોન્સ્ટેબલને પાંચ દિવસની ફરજિયાત રજા પર ઉતારી દેવાયો છે. જ્યારે આ પોલીસ કર્મચારી મીડિયા સાથે વાત કરતો હતો ત્યારે જ પોલીસની જીપ આવીને તેને ધરાર જીપમાં બેસાડીને લઈ ગઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon