૩૦ જાન્યુઆરી શહીદ દિન જિલ્લાભરમાં શહીદવીરોની શ્રધ્ધાંજલિ આપવા માટે મૌન પાળવામાં આવશે - At This Time

૩૦ જાન્યુઆરી શહીદ દિન જિલ્લાભરમાં શહીદવીરોની શ્રધ્ધાંજલિ આપવા માટે મૌન પાળવામાં આવશે


૩૦ જાન્યુઆરી શહીદ દિન જિલ્લાભરમાં શહીદવીરોની શ્રધ્ધાંજલિ આપવા માટે મૌન પાળવામાં આવશે

રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર અંતર્ગત આવેલી સૂચનાઓને અનુસરી અમરેલી જિલ્લાભરમાં શહીદ વીરોની શ્રધ્ધાંજલિ આપવા માટે મૌન પાળવામાં આવશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેવા શહીદ વીરોની સ્મૃતિમાં, શહીદ દિન નિમિત્તે તા.૩૦ જાન્યુઆરી ૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ વાગે બે મીનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનની ગતિ તે બે મિનિટ પૂરતી બંધ રાખી વીરોને શ્રધ્ધાંજલિ આપવામાં આવશે. જે સ્થળોએ સાયરન કે ઉપર મુજબના સંકેતની વ્યવસ્થા ઉપલબ્ધ હોય ત્યાં સાયરન સંભળાય એટલે સૌ પોત પોતાની જગ્યાએ શાંત ઉભા રહી, શક્ય હોય તો ભેગા મળી મૌન પાળવા અનુરોધ કરવામાં આવ્યો છે. શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાના આ અવસરને ગંભીરતાથી લેવામાં આવે અને નાગરિકોમાં શહીદો પ્રત્યે શ્રધ્ધા તેમજ સન્માનની ભાવના જાગૃત થાય તે હેતુ સાથે શહીદ દિન નિમિત્તે શહીદો પ્રત્યે દરેક વર્ગના લોકો સક્રિય થઇ તેમનો સહકાર આપે તે માટે શહીદ દિન તા.૩૦મી જાન્યુઆરીએ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, બોર્ડ-કોર્પોરેશન વગેરેમાં દેશની સ્વતંત્રતા અંગેના વકતવ્ય કે સંવાદનું આયોજન કરવામાં આવશે. અનેક સંઘર્ષ પછી રાષ્ટ્રને મળેલી સ્વતંત્રતાનું મહત્વ નાગરિકોને સમજાય તથા નાગરિકોમાં રાષ્ટ્રીય એકતાની ભાવના વિકસે તે હેતુ છે.

ભારતીય સ્વતંત્ર્યતા સંગ્રામમાં શહીદ વીરોની ભૂમિકા અને રાષ્ટ્રિય એકતા સહિતના વિષયો પર પ્રસારણ ક્ષેત્રે કાર્યરત યુનિટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, ફિલ્મ કે વૃત્ત ચિત્રોનું આયોજન કરવામાં આવશે. તે ઉપરાંત રાજયના વિવિધ વાણિજય અને ઉદ્યોગ સંઘો દ્વારા પણ આ દિવસે સૂચનાઓને યોગ્ય રીતે અનુસરી કાર્યક્રમ મનાવવામાં આવશે. રાજય સરકારના તમામ વિભાગોએ તથા વિભાગ હેઠળના ખાતાના વડાઓ, બોર્ડ, કોર્પોરેશન, શૈક્ષણિક સંસ્થાઓ પણ ભારત સરકારની આ અન્વયેની સૂચનાઓ અનુસરવામાં આવે તે માટે જરુરી કાર્યવાહી કરવા અમરેલી અધિક જિલ્લા મેજસ્ટ્રેટશ્રીએ એક અખબારી યાદીમાં અનુરોધ કરતા જણાવ્યું છે.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.