ખોખળ નદીના પુલ પર ટ્રકની હડફેટે બાઇક સવાર યુવકનું ઘટના સ્થળે મોત - At This Time

ખોખળ નદીના પુલ પર ટ્રકની હડફેટે બાઇક સવાર યુવકનું ઘટના સ્થળે મોત


શહેર નજીક આવેલા ખોખળ નદીના પુલ પર પુરપાટ ઝડપે આવતા ટ્રકના ચાલકે બાઇકને હડફેટે લેતા બાઇક સવાર ધોરાજી સુપેડીના નિરવ કુબાવત નામના યુવકનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. જયારે બાઇક ચાલક નવાગામના અજય કોળીને ગંભીર ઇજા પહોંચતા સારવારમાં રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા આજી ડેમ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
બનાવની વિગત અનુસાર, ધોરાજીના સુપેડી ગામે રહેતા નિરવભાઇ રાજેશભાઇ કુબાવત (ઉ.વ.31) આજે વહેલી સવારે સુપેડીથી કુવાડવા આવેલી પ્રેસ્ટી સાઇડ કંપનીમાં કામે જવા માટે નીકળ્યો હતો. બાદમાં તેની ગોંડલ ચોકડીએ રાહ જોઇ ઉભેલા તેનો મિત્ર અજય વિનોદ સરવૈયા (કોળી) (ઉ.વ.3ર) સાથે બાઇકમાં બેસી બંને કંપનીએ જવા કુવાડવા તરફ નીકળ્યા હતા.
જેઓ ખોખળ નદીના પુલ પર પહોંચતા પાછળથી પુરપાટ ઝડપે આવતા અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટે લેતા બંને ફુટબોલના દડાની માફક ફંગોળાઇને પટકાયા હતા. જેમાં બાઇક સવાર નિરવ કુબાવતને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. જયારે બાઇક ચાલક અજય સરવૈયાને ગંભીર ઇજા પહોંચતા સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
બનાવ અંગે જાણ થતા આજી ડેમ પોલીસનો સ્ટાફ સીવીલ હોસ્પિટલે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.માં ખસેડી અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.
વધુમાં મૃતક કુવાડવાની પ્રેસ્ટીસાઇડ કંપનીમાં નોકરી કરતો તેમજ તેમના પિતા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવે છે. તથા તે બે ભાઇમાં મોટો અને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે. જેમના મોતથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.