જિલ્લાની ત્રણ ગ્રાન્ટેડ અને 6 ખાનગી સ્કૂલમાં કોઇએ પ્રવેશ ન લીધો, બંધ કરાશે - At This Time

જિલ્લાની ત્રણ ગ્રાન્ટેડ અને 6 ખાનગી સ્કૂલમાં કોઇએ પ્રવેશ ન લીધો, બંધ કરાશે


રાજસમઢિયાળામાં અનુદાનિત શાળામાં બાળકો ન મળ્યા

16 ખાનગી શાળામાં ધોરણ 1નો વર્ગ રદ કરવા કાર્યવાહી

રાજકોટ જિલ્લાની 3 ગ્રાન્ટેડ માધ્યમિક શાળા અને 6 ખાનગી પ્રાથમિક શાળાને બંધ કરવા માટે શિક્ષણ વિભાગે કાર્યવાહી કરી છે જ્યારે ધો. 1માં આ વર્ષે એકપણ એડમિશન ન થયું હોય તેવી 16 શાળામાં ધો.1ના વર્ગ બંધ કરવા કાર્યવાહી શરૂ કરાઈ છે.

શાળાઓ બંધ કરવા માટે સમગ્ર રાજ્યમાં આદેશ અપાયા છે. આ મામલે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, જે ખાનગી શાળાઓમાં ધો. 1થી 8માં એકપણ એડમિશન નથી થયા તેવી જિલ્લાની 6 શાળા બંધ કરવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે આ માટે નોટિસ સહિતની પ્રક્રિયા થશે. આ ઉપરાંત એવી 16 શાળા છે જેમાં ધો.1માં એકપણ પ્રવેશ નથી તેથી તેમને 15 ઓગસ્ટ સુધીનો સમય અપાયો છે જો ત્યાં સુધીમાં એડમિશન નહિ થાય તો ધો.1ના વર્ગને રદ કરાશે. જ્યારે જિલ્લાના રાજસમઢિયાળા અને કોલકીમાં આવેલી સહિતની 3 ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં શૂન્ય પ્રવેશ રહેતા તે પણ બંધ કરવાનો નિર્ણય આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.