સેટેલાઈટમાં સરકારી ટેન્ડરનું કામ કરતા કોન્ટ્રાકટર પર હુમલો કરી 22 લાખનો ચેક લીધો - At This Time

સેટેલાઈટમાં સરકારી ટેન્ડરનું કામ કરતા કોન્ટ્રાકટર પર હુમલો કરી 22 લાખનો ચેક લીધો


અમદાવાદ, તા. 22 જુલાઈ 2022, શુક્રવાર સેટેલાઈટ ગોપાલ પેલેસમાં આવેલી શક્તિ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઓફિસમાં સરકારી ટેન્ડરનું કામ કરતા કોન્ટ્રાક્ટર પર હુમલાનો બનાવ બન્યો હતો. ગુરુવારે બનેલી હુમલાની ઘટનામાં આરોપીઓ ફરિયાદી પાસેથી જબરજસ્તી રૂ. 22 લાખનો ચેક લખાવી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે સેટેલાઈ પોલીસે ચાર જણા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. ન્યુ રાણીપમાં ખોડિયાર મંદિરની બાજુમાં સત્ય બંગલોમાં રહેતા દિલીપભાઈ ભગવનભાઈ પટેલ ઉં. 42નાઓ જુદા જુદા સરકારી વિભાગોના કન્સ્ટ્રક્શનના કામ કરે છે. દિલીપભાઈને 2019માં મોરબી ખાતે આરએમબી ડિપાર્ટમેન્ટનું બ્રિજ બનાવવાનું કામ મળ્યું હતું. આ કામ દિલીપભાઈએ જગતપુર ચેનપુર રોડ પર સેવી સ્વરાજ પાસે આકાંક્ષામાં રહેતા વિક્રમ મોતીભાઈ દેસાઈને આપ્યું હતું. આ કામના તમામ પૈસા ચૂકવી દેવાયા બાદ વિક્રમભાઈ ફરિયાદી પાસે વધુ રકમ માંગી તકરાર કરતો હોવાથી સોલા પોલીસ સ્ટેશનમાં તેઓએ જાન્યુઆરી, 2022માં ફરિયાદ પણ નોંધાવી હતી. 7 દિવસ અગાઉ ફરિયાદી દિલીપભાઈએ વિક્રમ દેસાઈ ઘરે અને ઓફિસે આવી ધમકી આપતો હોઈ સાબરમતી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. ગુરુવારે દિલીપભાઈ ગોપાલ પેલેસ ખાતેની ઓફિસે હાજર હતા. તે સમયે વિક્રમ સહિતના 4 જણાએ ત્યાં જઈ દિલીપભાઈને અપશબ્દો બોલી માર મારી માથામાં ટેબલનો ઘા કરી ઇજાઓ કરી હતી. આરોપીઓ રૂ. 22 લાખના ચેક પર દિલીપભાઈની બળજબરીથી સહી કરાવી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે સેટેલાઈટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.