જંગલ સફારીની સફરે રાજ્ય સરકારના સનદી અધિકારીઓ - At This Time

જંગલ સફારીની સફરે રાજ્ય સરકારના સનદી અધિકારીઓ


રાજપીપલા, રવિવાર :- વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટી- એકતાનગર ખાતે સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી વિરાટકાય પ્રતિમાના સાંનિધ્યમાં રાજ્ય સરકારના મંત્રીગણ, સચિવશ્રીઓ, સનદી અધિકારીશ્રીઓએ પ્રકૃતિના ખોળે વિવિધ પ્રકલ્પોનો નજારો માણ્યો હતો.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના પ્રેરક માર્ગદર્શન અને વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત ત્રિ-દિવસીય ચિંતન શિબિરના તૃતીય દિવસે પ્રભાત ટાણે આરોગ્યવનમાં પ્રકૃતિ મધ્યે મંત્રીશ્રીઓ કુંવરજી બાવળિયા, કુંવરજી હળપતિ, બચુભાઈ ખાબડ, વિવિધ વિભાગોના સચિવશ્રીઓ, સનદી અધિકારીશ્રીઓએ રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકશ્રીના યોગાભ્યાસમાં જોડાઈને સ્વાસ્થ્ય જાળવણી, માનસિક અને શારીરિક ઉર્જા અને ધ્યાનમાં યોગનું મહત્વ જાણ્યું હતું. સૌએ વિવિધ પ્રકારના યોગા-પ્રાણાયામ કરીને માનસિક શાંતિનો અનુભવ કર્યો હતો.

સરદાર સરોવર 'નૌકા વિહાર' ખાતે બોટિંગની મજા માણ્યા બાદ વ્યૂ પોઈન્ટ-૩ ખાતેથી સરદાર સરોવર ડેમ સહિત ખાતે બોટિંગ સાથે પ્રાકૃતિક સૌંદર્યને નિહાળીને પરમ આનંદનો અનુભવ કર્યો હતો. સાયકલિંગ તેમજ રિવર રાફટિંગનો રોમાંચ પણ 'ટીમ ગુજરાત' માટે વધુ ખાસ રહ્યો હતો.

એકતાનગરના આંગણે પ્રખ્યાત પર્યટન સ્થળ સરદાર વલ્લભભાઈ પટેલ ઝૂલોજીકલ પાર્ક-જંગલ સફારીનો સુપ્રભાત વેળાએ અદ્દભૂત નજારો માણતા અતિથિઓ ખુશનુમા અને શાંત વાતાવરણમાં પક્ષીઓના સુમધુર કલરવ સાંભળીને આનંદવિભોર થયા હતા. સૌએ પ્રાણી-પક્ષીઓની લેવામાં આવતી કાળજી, આરોગ્ય અને સુરક્ષા અંગે ટુરિસ્ટ ગાઈડમિત્ર પાસેથી ઝીણવટપૂર્ણ માહિતી મેળવી હતી, સૌએ કેટલાક રચનાત્મક સૂચનો આપ્યા હતા.

વાતાવરણમાં પોઝિટિવ એનર્જી- હકારાત્મક ઊર્જાનો સંચાર કરતા ‘શ્રીયંત્ર’ ના આકારના યુનિક કોન્સેપ્ટ સાથે ડિઝાઈન કરવામાં આવેલ મેઝ (ભૂલભૂલૈયા) ગાર્ડન તેમજ પ્રાકૃતિક સૌંદર્યની એક નાનકડી ઝલક એવા સુંદર પર્યટન સ્થળ “વેલી ઓફ ફ્લાવર”ની પણ મુલાકાત લઈને સૌએ રંગબેરંગી દેશી-વિદેશી ફૂલોની સુગંધ સાથે સુંદરતા માણી હતી અને સેલ્ફી લઈને પ્રકૃતિની તસવીરોને મોબાઈલમાં કેદ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.