વરાછાનો કરિયાણા-ફરસાણનો વેપારી લૂંટેરી દુલ્હન ગેંગનો શિકાર બન્યો - At This Time

વરાછાનો કરિયાણા-ફરસાણનો વેપારી લૂંટેરી દુલ્હન ગેંગનો શિકાર બન્યો


- મૂળ જૂનાગઢના 30 વર્ષના વેપારી પાસેથી વેલંજા અને વલસાડના બે દલાલની મદદથી ભીવંડીની યુવતી અને માતાપિતાએ રૂ.2.54 લાખ પડાવ્યા - પગફેરો કરવા ગયેલી પત્નીને તેડવા ભીવંડી ગયેલા વેપારીને કોઈ તેડવા નહીં આવતા ઘરે તપાસ કરી તો તાળું હતું અને પડોશીઓને પૂછ્યું તો હકીકત જાણવા મળી સુરત, : સુરતના વરાછા વિસ્તારમાં રહેતો મૂળ જૂનાગઢનો 30 વર્ષનો કરિયાણા-ફરસાણનો વેપારી લૂંટેરી દુલ્હન ગેંગનો શિકાર બનતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. વેપારી પાસેથી વેલંજા અને વલસાડના બે દલાલની મદદથી ભીવંડીની યુવતી, તેના માતાપિતાએ લગ્ન માટે રોકડા રૂ.2.34 લાખ, સોના-ચાંદીના દાગીના મળી રૂ.2.54 લાખ પડાવ્યા હતા. બાદમાં પગફેરો કરવાના બહાને તેની પત્ની ભીવંડી ગઈ હતી અને તેને તેડવા વેપારી પરિવાર સાથે ત્યાં પહોંચ્યો ત્યારે કોઈ તેડવા નહીં આવતા તેમજ ઘરે તપાસ કરતા તાળું હોય પડોશીઓને પૂછતાં હકીકત જાણવા મળી હતી.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ જૂનાગઢના માળીયા હાઠીનાના જુથળ ગામનો વતની અને સુરતમાં વરાછા ત્રિકમનગર 2 પરમહંસ સોસાયટી ઘર નં.એ/30 માં રહેતો 30 વર્ષીય ગૌતમ કિશોરભાઇ ધનેશા વરાછા માતાવાડી કમલપાર્ક સોસાયટી સરકારી સ્કુલની બાજુમાં ખોડીયાર ફરસાણના નામે કરિયાણા અને ફરસાણનો વેપાર કરે છે. લોહાણા જ્ઞાતિના ગૌતમના સમાજમાં સરળતાથી લગ્ન થતા નહોતા આથી છેલ્લા એક વર્ષથી તેની દુકાને આવતા દિનેશ આહિર ( રહે.રંગોલી ચોકડી, વેલંજા, સુરત ) ને ગત એપ્રિલ માસમાં વાત કરતા અને તેણે મિત્ર રસિક ભિમલેશભાઇ રામાણી ( રહે. ડુંગરી ગામ, વલસાડ ) લગ્ન કરાવવાનું કામ કરે છે તેવું કહેતા રસિકને મળવા બોલાવ્યો હતો.રસિકે સોની ઉર્ફે રોહિણી ઉર્ફે નયના ગુરૂરાજ શિંદેનો ફોટો બતાવી મારી સગા માસીજીની છોકરી છે, તમને પસંદ આવે તો આગળ વાત ચલાવું પૂછતાં ગૌતમે હા પાડી હતી.ત્યાર બાદ ગૌતમ મોટી બહેન હેતલ, દિનેશ અને રસિક સાથે ભીવંડી પદમાનગર ગયો હતો. ત્યાં સોની, તેની માતા સંગીતા, પિતા ગુરુરાજ અને ભાઈ રાજુ હતા.સંગીતાએ વાતવાતમાં સોનીથી જ ઘર ચાલે છે, ભાઈ અલગ રહે છે. મને ડાયાબિટીસની અને પતિને ફેફસાની બીમારી છે.તમે દવાખાના અને દવાનો ખર્ચ રૂ.2.50 લાખ આપો તો અમે લગ્ન કરાવીશું કહેતા ચર્ચા બાદ ગૌતમ રૂ.2.11 લાખ આપે એટલે કોર્ટ મેરેજ કરવાનો નિર્ણય લેવાયો હતો. તે સમયે દિનેશ અને રસિકે દલાલી પેટે રૂ.8 હજારની પણ માંગણી કરી હતી. ગત 4 જુલાઈના રોજ ગૌતમે પોતાના અને સોનીના પરિવારના સભ્યોની હાજરીમાં વલસાડ કોર્ટમાં લગ્ન કર્યા હતા. ત્યાં સોનીની માતાને રૂ.1.50 લાખ રોકડા ગૌતમના પિતાએ આપ્યા હતા. લગ્ન કરી તેઓ સુરત આવ્યા હતા અને બીજા દિવસે રંગઅવધૂત વાડીમાં હિન્દૂ રીતિરિવાજ મુજબ લગ્ન કરી બાકીના રૂ.61 હજાર સોનીની માતાને આપ્યા હતા.લગ્ન બાદ સોનીના માતાપિતા ભીવંડી ચાલ્યા ગયા હતા. 18 જુલાઈએ સોનીની માતા અને તેની બહેન પૂનમ ગૌતમના ઘરે આવ્યા હતા અને પગફેરો કરવા સોનીને સાથે લઈ ગયા ત્યારે સોનીએ કપડાં લેવા માટે ગૌતમ પાસે રૂ.15 હજાર લીધા હતા અને 25 મી એ તેડવા આવવા કહ્યું હતું. 25 મી એ ગૌતમ માતાપિતા, માસી સાથે ભીવંડી ગયો ત્યારે બસ સ્ટેશન પર કોઈ તેડવા આવ્યું નહોતું અને તેમના મોબાઈલ ફોન પણ બંધ હતા. ગૌતમ અને પરિવારે ગેસ્ટ હાઉસમાં રોકાઈને રસિકને ફોન કરતા તેણે પણ આવું છું તેમ કહ્યું હતું. પણ આવ્યો નહોતો અને મોબાઈલ પણ બંધ થઈ ગયો હતો.આથી રીક્ષા કરી તેઓ સોનીના ઘરના સરનામે પહોંચ્યા તો ત્યાં તાળું હતું. આજુબાજુમાં પૂછતાં પડોશીઓએ જણાવ્યું હતું કે અહીં રહેતા તમામ લગ્નના નામે છોકરાઓને ખાસ કરીને ગુજરાતી છોકરાઓ પાસે પૈસા પડાવે છે.આથી ગૌતમ અને પરિવારના સભ્યો સુરત આવી ગયા હતા અને આ અંગે પોલીસમાં અરજી કરતા વરાછા પોલીસે ગતરોજ અરજીના આધારે સોની ઉર્ફે રોહિણી ઉર્ફે નયના ગુરૂરાજ શિંદે ( રહે.જરીમરી મંદિરની પાસે, કનેરી, ભીવંડી, મહારાષ્ટ્ર ), સંગીતા-ગુરૂરાજ શિંદે ( બંને રહે.લક્ષ્મી સોસાયટી, બાળા નગર, ભીંવડી, મહારાષ્ટ્ર ), પુનમ ( રહે.પુના, મહારાષ્ટ્ર ), રસિક ભિમલેશભાઇ રામાણી ( રહે. ડુંગરી ગામ, વલસાડ ) અને દિનેશ આહિર ( રહે.રંગોલી ચોકડી, વેલંજા, સુરત ) વિરુદ્ધ રોકડા રૂ.2.34 લાખ, સોનાચાંદીના અને ઇમીટેશનના દાગીના મળી કુલ રૂ.2,54,200 ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.