રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં સુરત ખાતે ઈન્ડિયન જર્નાલિસ્ટ યુનિયનની નેશનલ કાઉન્સિલ બેઠક યોજાઈ - At This Time

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં સુરત ખાતે ઈન્ડિયન જર્નાલિસ્ટ યુનિયનની નેશનલ કાઉન્સિલ બેઠક યોજાઈ


રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં સુરત ખાતે ઈન્ડિયન જર્નાલિસ્ટ યુનિયનની નેશનલ કાઉન્સિલ બેઠક યોજાઈ

ભારતીય લોકશાહીની સ્થાપના અને તેને ધબકતી રાખવામાં પત્રકારોનું મોટું યોગદાન

પ્રાકૃતિક ખેતીના અભિયાનના પરિણામે ગુજરાતમાં ૪ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી

તંદુરસ્ત ધરતી અને તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણમાં પ્રાકૃતિક ખેતી રામબાણ ઈલાજ છે
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

પ્રચાર માધ્યમો દ્વારા પ્રાકૃતિક ખેતીનો પ્રસાર પ્રચાર કરી સમાજ અને પ્રકૃતિના ભલા માટે યોગદાન આપવાનું મીડિયાકર્મીઓને આહ્વાન કરતા રાજ્યપાલ
------
સુરત: મંગળવાર: સુરત ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પ્રેરક ઉપસ્થિતિમાં પ્રકાશકુમાર વેકરીયાના વૈદિક પદ્ધતીથી શંખનાદે મહામહીમ રાજ્યપાલશ્રીના સ્વહસ્તે દિપપ્રાગટ્યથી પ્રોગ્રામ ની શરુઆત કરી ઈન્ડિયન જર્નાલિસ્ટ યુનિયનની નેશનલ કાઉન્સિલ મિટીંગ યોજાઈ હતી. રાજ્યપાલશ્રીએ કર્ણાટક, ઓરિસ્સા, ઉત્તરપ્રદેશ, હરિયાણા સહિતના રાજ્યોમાંથી બેઠકમાં ભાગ લેવા આવેલા મીડિયા પ્રતિનિધિઓને સ્મૃત્તિચિહ્ન આપી સન્માનિત કર્યા હતા.
સુરતી મોઢવણિક સમાજની વાડી, લાલદરવાજા ખાતે આયોજિત બેઠકમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ભારતીય લોકશાહીની સ્થાપના અને તેને ધબકતી રાખવામાં પત્રકારોનું મોટું યોગદાન રહ્યું છે. પત્રકારત્વ જેટલું સકારાત્મક એટલું જ લોકતંત્ર. અને તો જ સમાજમાં પરસ્પર ભાઈચારાનું મજબૂત વાતાવરણ બની રહેશે.
સામાજિક વ્યવસ્થાને સુદ્રઢ બનાવવામાં પત્રકારોનું બહુમૂલ્ય પ્રદાન છે, ત્યારે પ્રચાર માધ્યમો દ્વારા પ્રાકૃતિક ખેતીનો પ્રસાર કરી સમાજ અને પ્રકૃતિના ભલા માટે યોગદાન આપવાનું મીડિયાકર્મીઓને આહ્વાન કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, ગૌઆધારિત પ્રાકૃતિક ખેતી થકી દેશવાસીઓની રોગપ્રતિકારક શકિત વધારવાની સાથે કલાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. તંદુરસ્ત ધરતી અને તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણમાં પ્રાકૃતિક ખેતી રામબાણ ઈલાજ છે. ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી મુક્તિ મેળવવા માટે પ્રેરાય એ માટે સાથસહકાર આપવા દેશભરમાંથી ઉપસ્થિત સૌ પત્રકારોને અનુરોધ કર્યો હતો. આ સંદર્ભે તેમણે કહ્યું કે, પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ, વાયુ- આ પંચમહાભૂતને શુદ્ધ રાખવા માટે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીને અપનાવવી અનિવાર્ય છે. પ્રાકૃતિક ખેતીના અભિયાનના પરિણામે ગુજરાતમાં ૪ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે, અને આવનારા દિવસોમાં ૧૦ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં જોડવાનો લક્ષ્યાંક હોવાનું તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું.
પ્રાકૃતિક ખેતીના જનઆંદોલનને ભારતભરમાં ફેલાવી જનજન સુધી તેનો વ્યાપ વધારવામાં આવશે એવો નિર્ધાર રાજ્યપાલશ્રીએ વ્યક્ત કર્યો હતો.
પરાપૂર્વથી ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવના ભારત સાથે વણાયેલી છે. એટલે જ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજનથી કોરોનાકાળનો મક્કમપણે મુકાબલો કરી ભારતે વેક્સિનને જરૂર ધરાવતા દેશો સુધી પહોંચાડી છે. સ્વનું ભલું નહિ, પણ સૃષ્ટિની ભલાઈ માટે વિચારવું એ ભારતનો સ્વભાવ છે, ત્યારે માધ્યમકર્મીઓને પણ દીનદુઃખીયા, પીડિત શોષિત વર્ગને ન્યાય અપાવવાનું પણ ઈશ્વરીય કાર્ય કરી માનવતાની જ્યોત પ્રગટાવવામાં નિમિત્ત બનવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું.
સ્વાગત પ્રવચન કરતાં ઈન્ડિયન જર્નાલિસ્ટ યુનિયનના પ્રમુખશ્રી કે.બી.પંડિતે યુનિયનની કામગીરીની રૂપરેખા આપી હતી, અને સરળ, સૌમ્ય, સાલસ સ્વભાવથી આચાર્ય દેવવ્રતજી ‘જનતાના રાજ્યપાલ’ બન્યા હોવાનું કહ્યું હતું.
આ વેળાએ રાજ્યપાલશ્રીએ યુનિયનની ‘સ્મરણિકા’નું વિમોચન કર્યું હતું.
આ પ્રસંગે જનરલ સેક્રેટરી મુર્ગેશ શિવપુજી, ગુજરાત પ્રેસિડેન્ટ ગણપત પંડ્યા, ઉપાધ્યક્ષ કલ્યાણસિંહ ચૌહાણ, યુનિયનના સુરત શહેર અધ્યક્ષ શૌકત મિર્ઝા, દેવાસ લામાજી, ગોપીનાથ, નિવૃત્ત IAS શ્રી આર.જે. પટેલ, વિવિધ રાજ્યોના સ્ટેટ પ્રેસિડેન્ટસ સહિત ડેલિગેટસ, ભારતભરથી બેઠકમાં ભાગ લેવા આવેલા પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, અને રાષ્ટ્રગાન સાથે પ્રોગ્રામને વિરામ આપવામા આવ્યો.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.