બોટાદ જિલ્લામાં 'અવસર રથ' આવી પહોંચતા કરાયું ઉષ્માભેર સ્વાગત - At This Time

બોટાદ જિલ્લામાં ‘અવસર રથ’ આવી પહોંચતા કરાયું ઉષ્માભેર સ્વાગત


બોટાદ અને ગઢડા સહિતના વિસ્તારોમાં “અવસર રથ” ના માધ્યમ થકી લોકોને મતદાનના મહત્વને સમજાવી મતાધિકારનો ઉપયોગ કરવા પ્રેરિત કરવામાં આવ્યા

બોટાદમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોની મતદાન પ્રત્યેની નિરસતા દૂર કરીને વિવિધ રચનાત્મક કાર્યક્રમો દ્વારા મતદાન પ્રત્યેની જાગૃતિ વધારવા માટે સવિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યાં છે ત્યારે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માં નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા 'અવસર લોકશાહીનો' અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં આજે પાળીયાદ રોડ વિસ્તાર બોટાદ ખાતે 'અવસર રથ' આવી પહોંચતા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અવસર રથ દ્વાર બોટાદકર કોલેજના વિદ્યાર્થીઓને મતદાન અંગે જાગૃત કરાયાં હતાં ત્યારબાદ આ અવસર રથ બોટાદ જિલ્લાના સજેલી-વજેલી, સમઢીયાળા-૨, ઝમરાળા, રતનવાવ, રોહીશાળા, નાના ઝીંઝાવદર, ઈશ્વરીયા, લાખણકા, પીપળ-તતાણા અને ઉગામેડી સહિતના વિસ્તારોમાં ભ્રમણ કરી ગ્રામજનોને મતનું મહત્વ સમજાવી મતદાન અંગે પ્રેરિત કરતી વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ઓછુ મતદાન ધરાવતા વિસ્તારોમાં વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી, ચિત્રો સહિતનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત વિધાનસભા-૨૦૨૨ ચૂંટણી સંદર્ભે “અવસર લોકશાહી” નો કેમ્પેઈન અંતર્ગત વિવિધ વર્ગના લોકો, સ્થળાંતરિત મતદારો તથા વંચિત મતદારોની ભાગીદારીથી વધુ ને વધુ મતદાન થાય તે હેતુસર અવસર રથ દ્વારા લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત બોટાદ જિલ્લાની બંન્ને વિધાનસભા મત વિસ્તારમાં અવસર રથ દ્વારા મતદારોને મતદાન કરવા માટે પ્રેરિત કરાયાં હતાં.

આ પ્રસંગે બોટાદના મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.એન.માંજરીયા, ગઢડા તાલુકાના મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી ખેર સહિત સંબંધિત ગામના તલાટી કમ મંત્રીશ્રીઓ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો/મતદારોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવામાં સક્રિય ભાગીદારી નોંધાવી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.