રાજકોટની આત્મીય કોલેજમાં વિદ્યાર્થીને માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરાયો ભોગ બનનાર વિદ્યાર્થી જીઇબીના જુનિયર ઇજનેરનો પુત્ર - At This Time

રાજકોટની આત્મીય કોલેજમાં વિદ્યાર્થીને માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરાયો ભોગ બનનાર વિદ્યાર્થી જીઇબીના જુનિયર ઇજનેરનો પુત્ર


રાજકોટની અતિ પ્રતિષ્ઠિત ગણાતી આત્મીય કોલેજમાં એન્જીનિયરીંગના વિદ્યાર્થીને તેના જ સાથી વિદ્યાર્થીઓએ બેફામ માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

શહેરના કાલાવડ રોડ પર એમ.ટી.વી. સામે સહજાનંદ વાટીકા શેરી નં.5 માં રહેતા અને મૂળ જસદણ તાલુકાના ભાડલા ગામના વતની અને જીઇબીમાં જૂનિયર ઇજનેર તરીકે ફરજ બજાવતા ભાણજીભાઇ રાઠોડને સંતાનમાં ત્રણ પુત્રો છે, જેમાં વચેટ પુત્ર પાર્થ (ઉ.વ.18) રાજકોટના કાલાવડ રોડ પર આવેલ આત્મીય કોલેજમાં ઇલેક્ટ્રીક એન્જીનિયરીંગનો અભ્યાસ કરે છે અને સેમેસ્ટર-3 માં છે.

પાર્થને તેની જ કોલેજમાં સેમેસ્ટર-5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી માનવ ચોટલીયા અને ધાર્મિક ભટ્ટી અવાર નવાર હેરાન પરેશાન કરત હતા. પાર્થ અનુસૂચિત જાતિમાંથી આવતો હોવાથી આ વિદ્યાર્થીઓ જ્ઞાતિ સંબંધિત કોમેન્ટે પણ કરતા હતા. આરોપી વિદ્યાર્થીઓ નાની-મોટી બાબતોમાં કનગડત કરતા હતા જેથી કયારેક બોલાચાલી પણ થતી હતી.

ગઇકાલે પાર્થ જ્યારે કોલેજ હતો ત્યારે માનવ અને ધાર્મિકે તેનો મોબાઇલ ફોન ઝુટવી લીધો હતો અને કલાસ રૂમમાં જ ફડાકા ઝીંકી લીધા હતા. લગભગ બે કલાક સુધી આરોપી વિદ્યાર્થીઓએ મોબાઇલ ફોન પરત ન કરતા પાર્થ કોલેજના એચઓડીને ફરિયાદ કરવા જઇ રહ્યો હતો ત્યારે માનવ અને ધાર્મિકે તેને કોલેજના પાર્કિંગમાં મોબાઇલ પરત કરવાના બહાને બોલાવી કોલેજ બહારના અન્ય બે યુવાનોને સાથે રાખી ઢીકા પાટુનો માર માર્યો હતો અને માથાના ભાગે ચાંદીનું કડુ માર્યું હતું.

પાર્કિંગમાં બે યુવાનોએ પાર્થને પકડી રાખ્યો હતો અને અન્ય બે શખ્સે માર માર્યો હતો. બનાવ પછી તુરંત પાર્થે જાણ કરી હતી. જો કે, જીઇબીમાં ફરજ બજાવતા ભાણજીભાઇ ફરજમાં બહારગામ હતા તેમણે ફોન પર કોલેજના કલાસ રૂમના તેમના પ્રોફેસર અને એચઓડીને જાણ કરી હતી ઘટના લગભગ બપોરે બારેક વાગ્યા આસપાસ બની હતી. પાર્થે તેમના પિતાને પણ જવાબદારોને આરોપી વિદ્યાર્થીઓ સામે પગલાં લેવા માંગ કરેલી, જો કે, આજ સુધીમાં હજુ કોલેજે કોઇ એકશન લીધા નથી.

આ તરફ ઇજાગ્રસ્ત પાર્થને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાતા પોલીસે નિવેદન લીધા બાદ રાજકોટ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આઇપીસી કલમ 323, 504, 114 અને એટ્રોસિટી એકટ મુજબ ગુનો નોંધી પોલીસે આરોપી વિદ્યાથીર અને અજાણ્યા શખ્સોની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.