ડાલડા ઘી, સોયા-પામોલીન તેલમાં એસેન્સ ભેળવી ‘નકલી ઘી’ બનાવી વેંચવાનું કારસ્તાન ઝડપાયું
રાજકોટ તા. ૮: પોતાના અંગ ફાયદા માટે અમુક લોકો ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતાં હોય છે. નવાગામ રંગીલા સોસાયટીમાં એક શખ્સ ડાલડા ઘી, સોયાબીન તેલ, પામોલીન તેલમાં એસેન્સ ભેળવી ચોખ્ખા ઘીના નામે ડબ્બાઓ ભરી વેંચાણ કરતો હોવાની માહિતી પરથી કુવાડવા પોલીસે દરોડો પાડી આ શખ્સને ૬૦૦ કિલો ડુપ્લીકેટ ઘી સાથે પકડી લીધો હતો. એફએસએલની ટીમે નમુના લીધા હોઇ તેના રિપોર્ટ બાદ આ શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી થશે. નકલી ઘી અસલીના નામે માત્ર ૨૫૦૦ના ડબ્બા લેખે તે વેંચાણ કરતો હોવાનું અને આ ધંધો લોકડાઉન પછી ચાલુ કર્યાનું તેણે રટણ કર્યુ હતું.
પ્રાપ્ત માહિતી મુજબ કુવાડવા રોડ પોલીસની ટીમ ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવા અને આવી કોઇ પ્રવૃતિ ચાલતી હોય તો કાર્યવાહી કરવા પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણા અને કોન્સ. વિરદેવસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી કે નવાગામ આણંદપરમાં રઘુવીર ડેલા વાળા રોડ પર રંગીલા શેફર્ડ પાર્કમાં લીલાધરભાઇ મગનભાઇ મુલીયા (પ્રજાપતિ)ના ઘરમાં નકલી ઘી બનાવવામાં આવે છે.
આ બાતમીને આધારે દરોડો પાડવામાં આવતાં ઘરમાંથી ૬૦૦ કિલો નકલી શંકાસ્પદ ઘી મળી આવતાં એફએસએલ અધિકારીને જાણ કરતાં એફએસએલની ટીમે એક કિલો ઘી પરિક્ષણ માટે જપ્ત કર્યુ હતું. પોલીસે રૂા. ૮૩૮૬૦ના ૫૯૯ કિલો ઘીના ૪૦ ડબ્બા કબ્જે કર્યા હતાં અને પરેશ લીલાધરભાઇ મુલીયા (પ્રજાપતિ) (ઉ.૪૧-રહે. મોચી બજાર, ભીડભંજન સોસાયટી-૮, ગિરીરાજ ટ્રાન્સપોર્ટ સામે)ની અટકાયત કરી હતી. પ્રાથમિક પુછતાછમાં પરેશે એવું રટણ કર્યુ હતું કે પોતે અગાઉ છુટક તેલ-ઘીનો વેપાર કરતો હતો. લોકડાઉન પછી નવાગામમાં આવેલા પોતાના ઘરમાં નકલી ઘી બનાવીને વેંચવાનું ચાલુ કર્યુ હતું. ડાલડા, સોયાબીન તેલ, પામોલીન તેલ સહિતના પદાર્થનો ઉપયોગ કરી તેમાં અસલી ઘીની સુગંધ લાવવા એસેન્સ ભેળવી ડબ્બાઓ ભરી છુટક છુટક ધંધાર્થીઓને ૨૫૦૦ થી ૩૦૦૦ના ડબ્બા લેખે વેંચતો હતો. એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ પરેશ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.