રાજકોટના ૧૦ કેડેટ્સ રાષ્ટ્રીય સ્પર્ધામાં ઝળક્યા, લાલ કિલ્લામાં વડાપ્રધાનશ્રી સાથે વાત કરવાનું બહુમાન મેળવ્યું. - At This Time

રાજકોટના ૧૦ કેડેટ્સ રાષ્ટ્રીય સ્પર્ધામાં ઝળક્યા, લાલ કિલ્લામાં વડાપ્રધાનશ્રી સાથે વાત કરવાનું બહુમાન મેળવ્યું.


રાજકોટ શહેર તા.૧૫/૯/૨૦૨૨ ના રોજ નેશનલ કેડેટ્સ કોર્પ્સ NCC વિદ્યાર્થીઓને લશ્કરી તાલીમ સાથે એકતા અને અનુશાસનના પાઠ તો શીખવે જ છે, ઉપરાંત તેમના વ્યક્તિત્વનું ઘડતર પણ કરે છે. ઉપરાંત તેમની પ્રતિભા ઉજાગર કરીને રાષ્ટ્રીય ફલક પર ચમકવાનો અવસર પણ આપે છે. હાલમાં જ રાજકોટ ગ્રૂપ હેડક્વાર્ટરના ૧૦ જેટલા કેડેટ્સ રાષ્ટ્રીય મંચ પર પોતાની પ્રતિભા રજૂ કરી આવ્યા છે. એમાંથી એક મહિલા કેડેટે તો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે વાતચીત કરવાનું બહુમાન પણ મેળવ્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે વાત કરવાનું બહુમાન પ્રાપ્ત કરી ચૂકેલી કેડેટ ડિમ્પલ ચૂડાસમા હાલ રાજકોટ ગ્રૂપ હેડ.ક્વાર્ટર ખાતે સિનિયર અન્ડર ઓફિસર છે. ડિમ્પલે જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્યપર્વ પર લાલ કિલ્લામાં સમગ્ર દેશના કેડેટ્સે માનવ આકૃતિથી ભારતનો નકશો બનાવ્યો હતો. જેમાં ગુજરાતના ૩૩ જીલ્લામાંથી એક-એક કેડેટ તથા અન્ય ત્રણ મળીને કુલ ૩૬ કેડેટ્સ જોડાયા હતા. દરેક રાજ્યને અલગ રંગ અપાયો હતો. અમારો રંગ કેસરી હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ત્યાંથી પસાર થયા ત્યારે ગુજરાતના નકશા તરફ આવ્યા હતા. તેમણે આવતાં જ કહ્યું કે, કેમ છો ગુજરાત? ગરબા રમ્યા કે નહીં? આ સમયે અમને તેમની સાથે વાત કરવાની તક મળી હતી. અમે ગરબા રમ્યા નથી એવું કહ્યું તો, તુરંત વડાપ્રધાનશ્રીએ ગરબા રમવા કહ્યું. એટલે અમે ત્યાં જ થોડી વાર ગરબા રમ્યા હતા. આમ લાલ કિલ્લામાં ગુજરાતની સંસ્કૃતિને રજૂ કરવામાં હું સહભાગી બની હતી, જે મારા માટે એક જીવનપર્યંતનો યાદગાર અનુભવ હતો. મને કલ્પના પણ નહોતી કે, હું રાષ્ટ્રીય સ્તરે આ રીતે ચમકીશ અને મને વડાપ્રધાનશ્રી સાથે વાત કરવાની તક મળશે. ડિમ્પલે કહ્યું હતું કે NCC માં જોડાવાથી જીવનમાં નિયમિતતા આવે છે. ઉપરાંત શિસ્ત કેળવાય છે અને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાય છે. ઉપરાંત અહીંના ૧૦ કેડેટ્સે રાષ્ટ્રીય સ્તરના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત કેમ્પ’માં સાંસ્કૃતિક નૃત્ય પ્રદર્શનમાં ત્રીજો કમાંક હાંસલ કરીને રાજકોટ યુનિટનું નામ રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કર્યું છે. આ ટીમના સભ્ય સાર્જન્ટ અભયસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે NCC માં જોડાયા બાદ તેમનો નેશનલ ડિફેન્સ એકેડમીમાં જોડાવાનો ધ્યેય વધુ સ્પષ્ટ થયો છે. પોતાની ટીમની સિદ્ધિ અંગે તેમણે કહ્યું હતું કે, રાજધાની દિલ્હી ખાતે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ કેમ્પમાં દેશના ૧૭ જેટલા રાજ્યોમાં કાર્યરત કેડેટ્સ ઉપરાંત અન્ય ૧૩ મહેમાન દેશોના કેડેટ્સએ ભાગ લીધો હતો. આ તમામ કેડેટ્સએ એક ફ્યુઝન ડાન્સ પણ રજૂ કર્યો હતો. જેમાં ગુજરાતમાંથી રાજકોટ હેડ ક્વાર્ટરના પાંચ બોય્ઝ અને પાંચ ગર્લ્સ કેડેટ્સએ ગુજરાતનું સાંસ્કૃતિક નૃત્ય ગરબા રજૂ કરીને સમગ્ર દેશના કેડેટ્સ તેમજ મહાનુભાવોનું ધ્યાન ખેંચ્યું હતું. આ સ્પર્ધામાં અમારી ટીમે ત્રીજો ક્રમાંક હાંસલ કર્યો છે. આ ટીમના અન્ય કેડેટ્સએ કહ્યું હતું કે NCC માં જોડાવાથી અમારા વ્યક્તિત્વ વિકાસ સાથે શિસ્ત, સેવા સાથે ધ્યેય પ્રત્યે સમર્પણ, ત્વરિત પ્રતિક્રિયા જેવા ગુણોનો વિકાસ થાય છે અને આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. માત્ર શારીરિક પ્રવૃત્તિઓ જ નહીં, પણ NCC ની તાલીમના લીધે ઈતર પ્રવૃત્તિઓમાં પણ અવ્વલ રહીએ છીએ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.