વિહળધામ - પાળિયાદ દ્વારા ઇન્ટર નેશનલ વિદ્યાપીઠ દ્વારા શિક્ષણ ક્ષેત્રે પદાર્પણ* - At This Time

વિહળધામ – પાળિયાદ દ્વારા ઇન્ટર નેશનલ વિદ્યાપીઠ દ્વારા શિક્ષણ ક્ષેત્રે પદાર્પણ*


*વિહળધામ - પાળિયાદ દ્વારા ઇન્ટર નેશનલ વિદ્યાપીઠ દ્વારા શિક્ષણ ક્ષેત્રે પદાર્પણ*

સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ તીર્થધામ પાળિયાદ પીરાણા તરીકે લોકહ્રદયમાં વિશેષ પ્રતિષ્ઠિત છે. જ્યાં ભજન અને ભોજનનો રૂડો મહિમા છે, એવા આ સ્થાનમાં ધર્મ, સેવા અને ભક્તિની ઉજળી પરંપરા તો પરમ પૂજ્ય વિસામણબાપુના સમયથી પ્રસ્થાપિત થઇ છે. પરંતુ પાળિયાદના વર્તમાન ગાદીપતિ મહંત પૂજ્ય નિર્મળાબાના સમયગાળામાં, સંસ્થાનું સુકાન સંભાળી રહેલા પૂજ્ય ભઇલુબાપુના સંચાલનમાં સંસ્થા સેવાધર્મના નીતનવા શિખરો સર કરી રહી છે.
જગ્યાના સાતમા ગાદીપતિ પરમ પૂજ્ય અમરાબાપુનો એવો મનોરથ હતો કે પાળિયાદની જગ્યા ધર્મ - સેવાની સાથોસાથ સેવા - ધર્મને પણ પ્રાધાન્ય આપીને સમાજલક્ષી વિવિધ સેવા કાર્યોની સુવાસ ફેલાવે. અન્ય પ્રવૃત્તિઓની સાથે એવી એક શૈક્ષણિક સંસ્થા શરૂ કરવી, કે જેમાં જરૂરતમંદ વિદ્યાર્થીઓને વર્તમાન યુગને અનુરૂપ ઉત્તમ શિક્ષણ વ્યવસ્થા ઉભી થાય. ચાલુ વર્ષે જૂન ૨૦૨૨થી પૂજ્ય અમરાબાપુનો આ સંકલ્પ સિદ્ધ થયો. તરઘરા ગામે શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠની નેજા નીચે શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાલયનું સંચાલન હાથ ધરવામાં આવ્યું.
પરમ પૂજ્ય નિર્મળાબાના આશિર્વાદ સાથે આરંભાએલ આ વિદ્યાલયનું સુચારૂ સંચાલન પૂજ્ય ભઇલુભાઇનાં સીધાં માર્ગદર્શન નીચે થઇ રહ્યું છે. વિદ્યાર્થી ભાઈ- બહેનોને શ્રેષ્ઠ શિક્ષણ સાથે સનાતન ધર્મ પરંપરાના સંસ્કાર પણ મળે એ માટે સંચાલક મંડળ અને શિક્ષક સ્ટાફ સદા જાગૃત રહે છે. અત્યારે અષાઢ માસમાં કન્યાઓનાં વ્રત ચાલી રહ્યાં છે. આ દિવસોમાં ગૌરીવ્રત અને જયા પાર્વતી વૃત રાખનાર વિદ્યાર્થિનીઓ માટે વ્રતના દિવસો દરમિયાન દરરોજ શુદ્ધ અને સાત્ત્વિક ફળાહારની વ્યવસ્થા સ્કૂલમાં કરવામાં આવી હતી. ઉપરાંત, કન્યાઓને મનોરંજન મળી રહે સાથે એમના સર્વાંગીણ વિકાસમાં મદદ મળી રહે એ માટે કન્યાઓ માટે શાળાના પરિસરમાં જ વિવિધ સ્પર્ધાઓનું આયોજન હાથ ધરાયું હતું.
આ પ્રસંગે પૂજ્ય ભઇલુભાઇ સાથે શાળાના ટ્રસ્ટી અને સંચાલક શ્રી અરવિંદભાઈ ચાંદપરા,
સહ સંચાલક શ્રી સંજયભાઈ પટેલ તેમ જ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય શ્રી કેતનભાઈ ત્રિવેદી, નિલેશભાઇ મેર અને સમગ્ર શિક્ષક સ્ટાફ ઉપસ્થિત રહેલ. વ્રતના અંતિમ દિવસે રાસ ગરબાનું આયોજન થયું હતું. અંતે પૂજ્ય નિર્મળાબાના આશિર્વાદ સાથે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં પણ વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે શિક્ષણની સાથોસાથ સહ શિક્ષણ પ્રવૃત્તિઓ આગળ વધે એ માટે શાળા સંચાલકો વાર્ષિક કેલેન્ડર તૈયાર કરી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.