લોકસભા ચૂંટણી-2024 - કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા પોલીસવડાની ચૂંટણીલક્ષી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ - At This Time

લોકસભા ચૂંટણી-2024 ——- કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા પોલીસવડાની ચૂંટણીલક્ષી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ


લોકસભા ચૂંટણી-2024
-------
કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા પોલીસવડાની ચૂંટણીલક્ષી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ
-------
*જિલ્લા ચૂંટણી તંત્ર મુક્ત, ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં આવતીકાલે મતદાન યોજવા સજ્જ- જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી દિગ્વિજયસિંહ જાડેજા*
-------
આવતીકાલે સમગ્ર રાજ્ય સાથે ગીર સોમનાથ જિલ્લામાં ચાર વિધાનસભા મતવિસ્તારને આવરી લેતી જૂનાગઢ લોકસભા મતવિસ્તારની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ચૂંટણીલક્ષી સમગ્રતયા તૈયારીઓ અંગે કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા પોલીસવડાની ચૂંટણીલક્ષી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ ગીર સોમનાથ જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક વ્યવસ્થાઓ, આરોગ્યલક્ષી વ્યવસ્થાઓ, પોલીસ સુરક્ષા, સર્વેલન્સ, વિશિષ્ટ મતદાન મથકો સહિતની વિગતો પત્રકારશ્રીઓને પૂરી પાડી હતી.

કલેક્ટરશ્રીએ ચૂંટણીલક્ષી વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં ચાર વિધાનસભા મતવિસ્તાર 90-સોમનાથ, 91-તાલાલા, 92-કોડિનાર, 93-ઉનાના મળી 10 લાખથી વધુ મતદારો છે. આવતીકાલે 1040 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે. જેમાંથી 361 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવેલા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ચૂંટણી માટે જિલ્લામાં નોંધાયેલા 10,08,863 મતદારો પૈકી ગેરહાજર, સ્થળાંતર, અવસાન અને વિતરણ નહીં થયેલ કુલ બાકીને બાદ કરતાં 9,82,877 મતદાર કાપલીનું વિતરણ કરવામાં આવ્યું છે. 1040 મતદાન મથકો માટે 125% લેખે 1299 બેલેટ યુનિટ, 1299 કંટ્રોલ યુનિટ અને 135% લેખે 1402 વીવીપેટની આજે ફાળવણી કરવામાં આવી છે. મતદાન માટે જિલ્લામાં કુલ 4,572 કર્મચારીઓ મતદાન પ્રક્રિયા અંગે ફરજ બજાવશે.

કલેક્ટરશ્રીએ મતદાનના દિવસે હિટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી, છાંયડો, શુદ્ધ પાણી, બેઠક વ્યવસ્થાની સહિતની તૈયારીઓ ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે, તેની વિગતો આપીને જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તેને ધ્યાનમાં રાખીને ઉદ્યોગગૃહો તેમના કર્મચારીઓને અને ગુમાસ્તા ધારા હેઠળ નોંધાયેલા દુકાનદારો તેમને ત્યાં રાખેલ ગુમાસ્તાઓને સવેતન રજા આપે તે માટે અપીલ કરી હતી. જિલ્લામાં સવેતન રજા મળે તે માટે તંત્ર દ્વારા સ્ક્વોડ બનાવીને પણ તેની ખાતરી કરવામાં આવનાર છે.

કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું કે, દિવ કલેક્ટર સાથે તડ સહિતની ચેકપોસ્ટ સાથેના તમામ રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યાં છે. જેથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવી શકાય. ગુજરાતની બોર્ડરથી દિવમાં જતા મતદારો મત આપવા પ્રેરાય તે માટેના પોસ્ટર લગાવીને મત આપીને જ તેઓ બોર્ડર ક્રોસ કરે તેવો સંદેશો પણ આપવામાં આવ્યો છે. જિલ્લામાં ફ્લેગમાર્ચ યોજીને જિલ્લામાં સુરક્ષાને સુનિશ્ચિત કરવામાં આવી છે.

તે ઉપરાંત, જાહેર સુલેહ શાંતિ માટે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 12 લોકોને પાસા હેઠળ વિવિધ જેલમાં ધકેલવામાં આવ્યા હતાં.

હિટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને મતદાન મથકોએ પૂરતાં પ્રમાણમાં ઓ.આર.એસ અને મેડિકલ કિટ ઉપલબ્ધ રાખવામાં આવી છે. મેડિકલ ઈમરજન્સી માટે 53 એમ્બુલન્સ તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત, આશાબહેનો મતદાન મથકો પર જરૂરી ફર્સ્ટ એઈડ કિટ સાથે ઉપસ્થિત રહેશે. સી.એચ.સી, પી.એચ.સી.ને પણ જરૂરી ઈમરજન્સી માટે તૈયાર રાખવામાં આવ્યાં છે.

પોલીંગ સ્ટાફના વેલ્ફેર માટે બ્રશ-ટૂથપેસ્ટ, સાબુ-શેમ્પૂ, હેરઓઈલ, મોસ્કીટો, ફાસ્ટ કાર્ડ વગેરે પૂરા પાડવામાં આવ્યાં છે.

જિલ્લામાં આવેલા વિશિષ્ટ મતદાન મથક એવા બાણેજ વિશેની એક વિશેષ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ બનાવવામાં આવનાર છે. તે જ રીતે આદિમજાતી બહુલ માધુપુર-જાંબુર ગામે ‘વસુધૈવ કુટુમ્બકમ’ની થીમ પર મતદાન મથકો ઉભા કરવામાં આવ્યાં છે. આ મતદાન મથકોને રંગોળી, ભિંતચિત્રો અને જંગલ થીમને ધ્યાનમાં રાખીને આસોપાલવ, આંબાના પાનથી શણગારવામાં આવશે. ઢોલ-નગારા સાથે સીદી સમાજના પરંપરાગત ધમાલ નૃત્ય સાથે, પારંપરિક પોષાક સાથે સીદી સમાજના મતદારો મતદાન મથકો પર આવે તે માટે જાગૃતિ ફેલાવવામાં આવી છે.

જિલ્લામાં 4 વિધાનસભામાં 28 સખી મતદાન મથકો બનાવવામાં આવ્યાં છે. તેને પણ રંગોળી અને તોરણથી શણગારવામાં આવશે. તે જ રીતે દિવ્યાંગ મતદારો માટે સહાયક સાથે વ્હીલચેરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ચૂંટણીપંચની સૂચના મુજબ 519 મતદાન મથકો પર તેમજ કોડિનાર ખાતે ક્રાઉડ મેનેજમેન્ટ ખાતે 1 મળી કુલ 520 સ્થળ પર લાઈવ વેબકાસ્ટિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે. જિલ્લામાં 675 મતદારોએ પોસ્ટલ બેલેટથી ફેસિલિટેશન સેન્ટર ખાતે મતદાન કર્યું છે. તે જ રીતે જિલ્લાના 85 કરતાં વધુ ઉંમર ધરાવતા અને વિકલાંગ મળી કુલ 681 મતદારો માટે ઘરેથી મતદાન માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.

કલેક્ટરશ્રીએ આવતીકાલે જિલ્લાના મતદારો મતદાન કરવા જાય ત્યારે મોબાઈલ લઈને ન જાય તેમજ મતદાન માટે માન્ય પુરાવા સાથે મતદાન મથક પર જઈ પોતાનો પવિત્ર મત આપે અને ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી નોંધાવી લોકશાહીના અવસરમાં અચૂક મતદાન કરે તે માટેનો અનુરોધ કર્યો છે.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકરે ચૂંટણીતંત્ર દ્વારા જિલ્લામાં મતદાન વધે તે માટે સ્વીપ એક્ટિવિટીથી અનેક પ્રયત્નો કર્યા છે, ત્યારે જિલ્લાના મતદારો મોટા પ્રમાણમાં બહાર આવી મતદાન કરે તે માટેની અપીલ કરી હતી.

જિલ્લા પોલીસવડા શ્રી મનોહરસિંહ જાડેજાએ જિલ્લામાં સુરક્ષા અને સંવેદનશીલ મતવિસ્તારોને ધ્યાનમાં રાખીને 2500 પોલીસ તેમજ અર્ધલશ્કરી દળના જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. આદર્શ આચારસંહિતા અમલી બની તે પછી સુરક્ષાની દ્રષ્ટિએ પગલાં લઈને પાસા, તડીપાર સહિતના પગલાઓ દ્વારા 5300 લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યાં છે. કુલ રૂ.53,52,591નો દેશી તથા ઈંગ્લીશ દારૂ, વાહનો અને અન્ય મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. લાઈસન્સ ધરાવતા કુલ 443 વ્યક્તિઓ પાસેથી હથિયાર જમાં લેવામાં આવ્યા છે. તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા 4 હથિયાર અને 5 કાર્ટિઝ કબજે કરી હથિયારધારા હેઠળ કેસ કરવામાં આવ્યો છે. એનડીપીએસ એક્ટ હેઠળ 0.950 કિ.ગ્રાનો રૂ.9500ની કિંમતનો ગાંજો પકડવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, કુલ 11 ચેકપોસ્ટ તથાં 15 એસ.એસ.ટી અને 14 એફ.એસ.ટી ટીમ કાર્યરત છે. અને રાઉન્ડ ધ ક્લોક વાહનોનું ચેકિંગ કરી આદર્શ આચારસંહિતાનો અમલ કરાવવામાં આવી રહ્યો છે.

આ પ્રેસ કોન્ફરન્સમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પલ્લવીબહેન બારૈયા, જિલ્લા ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓ અને પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.