રાજકોટમાં IT નું મેગા ઓપરેશન: લાડાણી-ઓરબીટ ગ્રુપ પર દરોડા - At This Time

રાજકોટમાં IT નું મેગા ઓપરેશન: લાડાણી-ઓરબીટ ગ્રુપ પર દરોડા


ઈન્કમટેકસ દ્વારા રાજકોટમાં મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. લાડાણી-ઓરબીટ-ટવિનટાવર જેવા મોટા ગજાના- ટોચના બિલ્ડરગ્રુપોને નિશાન બનાવીને સવારથી મોટાપાયે દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 30 જેટલા સ્થળોએ અધિકારીઓનો કાફલો ત્રાટકયો હતો. કરોડો રૂપિયાની કરચોરી પકડાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજકોટ આવકવેરા ઈન્કમટેકસ વિંગ દ્વારા આજે સવારથી ટોચના બિલ્ડરગ્રુપોને નિશાન બનાવીને દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બિલ્ડરો તેના ભાગીદારો તથા નાણાકીય કનેકશન ધરાવનારા પર પણ અધિકારીઓનો કાફલો ત્રાટકયો હતો. રાજકોટ-સૌરાષ્ટ્રનો સૌપ્રથમ 40 માળનો બિલ્ડીંગ પ્રોજેકટ જાહેર કરનારા અને ટુંકાગાળામાં ત્રણ મોટા પ્રોજેકટ બનાવનારા લાડાણી એસોસીએટસના દિલીપ લાડાણી ઝપટે ચડી ગયા હતા.
કાલાવડ રોડ પર વોકહાર્ટ હોસ્પીટલ પાસેની શેરીમાં આવેલા તેમના નિવાસસ્થાન તથા મવડીમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેની ઓફિસ પર દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સિવાય તેમના કનેકશનમાં પણ અર્ધોડઝન સ્થળોએ કાફલો ત્રાટકયો હતો. મવડીમાં નિવાસ ધરાવતા તેમના એકાઉન્ટન્ટના નિવાસસ્થાનને પણ દરોડા કાર્યવાહીને કવર કરી લેવામાં આવ્યું હતું. એકાઉન્ટન્ટ વિરાજના નિવાસે પણ સવારથી દરોડા પાડવામાં આવ્યા હતા.
આ સિવાય દિલીપ લાડાણી સાથે ભાગીદારી-કનેકશન ધરાવતા ઓરબેટ ગ્રુપને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. મોટામવામાં આલીશાન-વૈભવી ઈમારતોમાં રહેતા વિનસ પટેલ તથા તેમના ભાઈઓના નિવાસસ્થાન તથા ઓફિસો પર દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત કોટેચા ચોક પાસે સૌરાષ્ટ્ર હાઈસ્કુલની બાજુમાં આકાર પામી રહેલા ટવીન ટાવર ગ્રુપને પણ નિશાને લેવામાં આવ્યું હતું. આ પ્રોજેકટમાં લાડાણી ગ્રુપ ઉપરાંત દાનુભા, તેમના પુત્ર અર્જુન, મયુર રાદડીયા, મહીપતસિંહ ચુડાસમાના સ્થળોએ પણ સવારથી દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આવકવેરા વિભાગના સૂત્રોએ એમ કહ્યું હતું કે સવારથી બિલ્ડરો તથા તેના ભાગીદારો અને કનેકશન ધરાવતા 30 જેટલા સ્થળોએ દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વ્હેલીસવારમાં જ દરોડાની વાત વાઈરલ થઈ જતા બિલ્ડર સહિતના ગ્રુપોમાં ફફડાટ સર્જાયો હતો. સામાન્ય રીતે લોકસભાની ચુંટણી કે નાણાકીય વર્ષની સમાપ્તિના અંતિમ દિવસોમાં દરોડા ઓપરેશન હાથ ધરાતુ નથી છતાં રાજકોટમાં પડેલા દરોડાથી ફફડાટ ઉભો થયો હતો.
આવકવેરા વિભાગની પ્રારંભીક-પ્રાથમીક તપાસમાં જ કરોડો રૂપિયાના રીયલ એસ્ટેટ વ્યવહારો દર્શાવતા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. ઉપરાંત પેનડ્રાઈવ-હાર્ડડિસ્ક સહિતના ઈલેકટ્રોનિકસ ગેઝેટ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. તેમના એકાઉન્ટન્ટના નિવાસેથી મોટો દલ્લો મળવાના નિર્દેશ છે. કરોડો રૂપિયાની કરચોરી ખુલવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે.
રાજકોટમાં આર.કે.ગ્રુપ પછી બિલ્ડર જુથ પરનુ આ સૌથી મોટુ દરોડા ઓપરેશન ગણવામાં આવી રહ્યું છે. આ સિવાય ટોચના જવેલર્સો પર ગત વર્ષે દરોડા પાડવામાં આવ્યા ત્યારે પણ કરોડો રૂપિયાના રીયલ એસ્ટેટ વ્યવહારો ખુલ્યા હતા.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.