દાણીલીમડામાં ગેરકાયદેસર બાંધકામ સામે AMC લાચાર? અધિકારીઓની ઈચ્છાશક્તિ પર ઉઠતા સવાલ! - At This Time

દાણીલીમડામાં ગેરકાયદેસર બાંધકામ સામે AMC લાચાર? અધિકારીઓની ઈચ્છાશક્તિ પર ઉઠતા સવાલ!


અમદાવાદ, તા. ૧૦: દાણીલીમડાની છિપા સોસાયટી સામે ઊભી કરાયેલી ગેરકાયદેસર છ માળની બિલ્ડિંગનો મુદ્દો હવે સ્થાનિકો માટે સહન બહાર થઈ ગયો છે. બે વખત અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. શું AMC ના એસ્ટેટ વિભાગના અધિકારીઓ પાસે આ ગેરકાયદેસર બાંધકામને સીલ કરવાની પણ સત્તા નથી?

જ્યારે શહેરના અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો તાત્કાલિક તોડી પાડવામાં આવે છે, ત્યારે દાણીલીમડામાં માત્ર "પોલીસ બંદોબસ્ત ઉપલબ્ધ નથી" એવું કારણ આપીને કાર્યવાહી ટાળવી કેટલું યોગ્ય છે? ખુદ ફરિયાદીએ ૩૦ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ રૂબરૂમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી, ત્યારે અધિકારીઓએ આ જ કારણ આગળ ધર્યું હતું. સ્થાનિકો હવે પૂછી રહ્યા છે કે શું ખરેખર અધિકારીઓ ઈચ્છે તો કોર્ટ પાસે પોલીસ બંદોબસ્તની માંગણી પણ ન કરી શકે?

વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે બિલ્ડર બેફિકર બનીને આ ગેરકાયદેસર બિલ્ડિંગમાં દુકાનો અને ફ્લેટો ભાડે આપીને સતત કમાણી કરી રહ્યો છે, જ્યારે AMC ના જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. આ બાબત સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષનું કારણ બની છે.

સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે શું અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર આ સમગ્ર પરિસ્થિતિથી અજાણ છે? જો તેઓ આ બાબતથી માહિતગાર હોય તો પણ હજુ સુધી કોઈ નક્કર પગલાં કેમ લેવામાં આવ્યા નથી? હવે સમય આવી ગયો છે કે તેઓ તાત્કાલિક આ મામલે સીધો હસ્તક્ષેપ કરે અને આ ગેરકાયદેસર બાંધકામ સામે તાત્કાલિક કડક કાર્યવાહીનો આદેશ આપે.

સ્થાનિકો સ્પષ્ટપણે માની રહ્યા છે કે જો AMC ના અધિકારીઓમાં ખરેખર ફરજ બજાવવાની નિષ્ઠા હોય તો પોલીસ બંદોબસ્ત મેળવવો કોઈ મુશ્કેલ કાર્ય નથી. તેમ છતાં, કાર્યવાહીમાં થઈ રહેલો વિલંબ અને પોલીસ બંદોબસ્તનું બહાનું તેમની ઈચ્છાશક્તિ પર ગંભીર પ્રશ્નાર્થ ચિન્હ મૂકે છે. જો આ જ રીતે નિષ્ક્રિયતા ચાલુ રહેશે તો ભવિષ્યમાં આવા ગેરકાયદેસર બાંધકામોને ખુલ્લું પ્રોત્સાહન મળશે તે નક્કી છે. હવે જોવાનું એ છે કે AMC ક્યારે આ મુદ્દાની ગંભીરતા સમજીને કાર્યવાહી કરે છે.

સૌરાંગ ઠકકર
અમદાવાદ જીલ્લા બ્યુરો ચીફ


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image