ગીતા જયંતી પર શ્રી સોમનાથ ટ્રસ્ટે શ્રી કૃષ્ણના દેહોત્સર્ગ તીર્થમાં સમુહ પાઠ અને શંખ અને દુંદભીનાદ સાથે ગીતા પ્રબોધનની ક્ષણ જીવંત કરી
ગીતા જયંતી પર શ્રી સોમનાથ ટ્રસ્ટે શ્રી કૃષ્ણના દેહોત્સર્ગ તીર્થમાં સમુહ પાઠ અને શંખ અને દુંદભીનાદ સાથે ગીતા પ્રબોધનની ક્ષણ જીવંત કરી
-----
ગીતાજીના ગ્રંથ અને કૃષ્ણ ચરણપાદુકાનું પૂજન કરી, શોભાયાત્રા કાઢવામાં આવી, શંખ અને નગારાના નાદ સાથે ધર્મભક્તિનું વાતાવરણ રચાયું
-----
ઋષિકુમારો અને ભક્તોને મહાપ્રસાદ
સોમનાથ તા.11/12/2024, માર્ગશીર્ષ શુક્લ એકાદશી, બુધવાર
શ્રી કૃષ્ણની ગૌલોકધામ ભૂમિ એટલે પ્રભાસ જ્યાં ભગવાને પોતાના પાર્થિવ દેહનો ત્યાગ કરીને સ્વધામ પ્રસ્થાન કર્યું હતું. પ્રભાસમાં પોતાના જીવનની અંતિમ લીલા પ્રદર્શિત કરી ભગવાન કૃષ્ણે હિરણ્યા નદીના કિનારે પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. ત્યારથી આ સ્થાનને દેહોત્સર્ગ તીર્થ અથવા ગોલોકધામ નામથી ઓળખવામાં આવે છે. અહી શ્રી કૃષ્ણના સર્વોચ્ચ સંદેશ એટલે ગીતાજીના 18 અધ્યાયો ને સ્થંભ પર અંકિત કરીને ગીતા મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.
ત્યારે આજરોજ ગીતા જયંતીના પર્વ પર શ્રી ગીતામંદિર ખાતે ભક્તિપૂર્વક ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા હતા. સૌ પ્રથમ ટ્રસ્ટના માન.ટ્રસ્ટીશ્રી જે ડી પરમાર, ઇન્ચાર્જ જનરલ મેનેજર શ્રી અજયકુમાર દુબે સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા શ્રીગીતાજી ગ્રંથની શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ બાલિકાઓના મસ્તક પર ગીતાજીના ગ્રંથની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
આ વિશેષ અવસરે કુરુક્ષેત્ર ભૂમિ પર જે રીતે દુંદુભિ નાદ અને શંખનાદ થઈ રહ્યા હતા તેવું જ દ્રશ્ય પ્રભાસ ક્ષેત્રમાં રચવામાં આવ્યું હતું. જ્યાં ચારેય તરફ શંખનાદ અને નગાળા નો નાદ થઈ રહ્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટની સંસ્કૃત પાઠશાળાના અઘ્યેતાઓ જ શ્રી કૃષ્ણ અને અર્જુન બન્યા હતા. યુદ્ધ ભૂમિ ની મધ્યમાં પોતાના લક્ષ્ય બાબતે વ્યાકુળ થયેલ અર્જુનને જીવન, નિષ્કામ કર્મ, ફળ પ્રત્યેનો ઔદાર્ય જન્મ મરણનો ક્રમ આ તમામ વિષય પર સર્વોચ્ચ જ્ઞાન શ્રી કૃષ્ણએ આપ્યું હતું તેવું જ ભાવ ચિત્ર પ્રભાસમાં ઊભું કરીને શ્રી ગીતાજીના 18 અધ્યાયના પાઠ કરવામાં આવ્યા હતા. શ્રી ગીતાજીના પઠનમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થી ભાઈઓ બહેનો સહિત મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાયા હતા.
આ પુનિત પ્રસંગે શ્રીપ્રભાસતીર્થમાં બિરાજમાન ભગવાન શ્રીકૃષ્ણની અંતિમ ચરણ પાદુકાનું મહાનુભાવો અને ભક્તો દ્વારા વિધિ વિધાન સાથે પૂજન કરવામાં આવ્યું હતું.
આ વિશેષ અવસર પર શ્રી ગીતાના પવિત્ર જ્ઞાનની ગોષ્ઠિ યોજવામાં આવી હતી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો, શ્રી સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી સુકાંત કુમાર સેનાપતિ દ્વારા શ્રી ગીતાગ્રંથનો ભક્તિસાર સૌ કોઈને સમજાવવામાં આવ્યો હતો.
અંતે ભગવાન કૃષ્ણની ચરણ પાદુકાની મહાનુભાવો અને પુજારિશ્રી અને ભક્તો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી.
આ ભક્તિમય અવસર પર પધારનાર સૌ ભક્તોને અને ઋષિ કુમારોને ભગવાનને ભોગ લગાવેલ ફરાળી ખીર નો પ્રસાદ આપવામાં આવ્યો હતો. તેમજ ગીતાજી પાઠ કરનાર ઋષિકુમારોને ભોજન પ્રસાદ અર્પણ કરાયેલ. આમ ધર્મજ્ઞાન, ગોષ્ઠિ, હરિનામ સ્મરણ અને પ્રસાદ સાથે ગીતા જયંતીની સોમનાથમાં પવિત્ર ઉજવણી કરાઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.