રાજકોટ મહાપાલિકાનું રૂ.2586.82 કરોડનું બજેટ: રૂ.101 કરોડનો કરબોજ - At This Time

રાજકોટ મહાપાલિકાનું રૂ.2586.82 કરોડનું બજેટ: રૂ.101 કરોડનો કરબોજ


રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ-2023-2024નું ડ્રાફ્ટ બજેટ આજે સવારે મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત સ્વરૂપે રજૂ કરી દેવામાં આવ્યું છે. કદની દ્રષ્ટિએ ઐતિહાસિક એવા રૂ.2586.82 કરોડના બજેટમાં રાજકોટવાસીઓ પર 101 કરોડનો તોતીંગ કરબોજ ઝીંકવામાં આવ્યો છે. પાણી વેરાના હયાત દરમાં અંદાજે ત્રણ ગણો વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. જ્યારે મિલકત વેરામાં, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જમાં, ઓપન પ્લોટ ધારક પાસે વસૂલવામાં આવતા હયાત દરમાં ઉપરાંત થિયેટર ટેક્સમાં પણ બે થી લઇ 10 ગણા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

એન્વાયરમેન્ટ ચાર્જના નામે નવો કરબોજ લાદવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એક સપ્તાહ સુધી બજેટ પર વિસ્તૃત અભ્યાસ કર્યા બાદ આવતા સપ્તાહે બજેટને બહાલી આપી અંતિમ મંજૂરી માટે જનરલ બોર્ડ સમક્ષ રજૂ કરી દેવામાં આવશે. શહેરીજનોના દિલ જીતવા માટે ભાજપના કોર્પોરેશનના શાસકો દ્વારા મ્યુનિ.કમિશનર દ્વારા જે અલગ-અલગ વેરામાં વધારો સૂચવવામાં આવ્યો છે. તે તમામ બહાલ રાખવામાં આવશે નહિં તેવું જણાઇ રહ્યું છે.

સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ વર્ષ-2023-2024નું બજેટ દરખાસ્ત સ્વરૂપે રજૂ કર્યા બાદ પત્રકાર પરિષદને સંબોધતા મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે આગામી નાણાકીય વર્ષના બજેટનો કેન્દ્રવર્તી વિચાર નિર્મલ રાજકોટ અનુસાર જળ, વાયુ, થલ એમ ત્રિ-ક્ષેત્રિય શુધ્ધતા, સ્વચ્છતા પર વિશેષ ધ્યાન કરે છે. સુદ્રઢ વોટર વર્ક્સ નેટવર્ક થકી લોકોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે, જાહેર માર્ગોને ડસ્ટ ફ્રી બનાવવા માટે, શહેરની એર ક્વોલીટીમાં નોંધપાત્ર સુધારો થાય અને શહેરની સ્વચ્છતા અને સુંદરતા માટે આવશ્યક એવા તમામ પગલા પર અંદાજપત્રમાં ભાર મૂકવામાં આવ્યો છે. આમ આ ત્રિવિધ, રણનીતી, આયોજન અને અમલીકરણ સાથે રાજકોટ રહેવા લાયક શહેર તરીકેની પોતાની ઓળખને વધુ મજબૂત બનાવે તે દિશામાં મહાપાલિકા દ્વારા કાર્ય પધ્ધતિમાં આગળ વધારવામાં આવશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે વર્ષ-2018થી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્પેટ એરિયા આધારિત વેરા પધ્ધતિની અમલવારી કરવામાં આવી છે. જેમાં વેરાના દર ખૂબ જ નજીવા છે. અમદાવદ અને સુરત કરતા રાજકોટમાં વેરો ખૂબ જ ઓછો વસૂલવામાં આવે છે. રોજબરોજના ખર્ચમાં સતત વધારો થઇ રહ્યો છે. આવામાં વેરાના દરમાં વધારો કરવો ખૂબ જ જરૂરી છે. 2018 થી ક્ધઝર્વન્સી ટેક્સ, ફાયર ટેક્સ, ડ્રેનેજ ટેક્સ અને દિવાબતી કર રદ્ કરવામાં આવ્યો છે. હાલ સામાન્ય કર રહેણાંક હેતુની મિલકત માટે પ્રતિ ચોરસ મીટર રૂ.11 વસૂલવામાં આવે છે. જે વધારી પ્રતિ ચોરસ મીટર રૂ.13 કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.
આજ રીતે બિનરહેણાંક મિલકતોમાં કાર્પેટ એરિયા મુજબ પ્રતિ ચોરસ મીટર રૂ.22ની વસૂલાત હાલ કરવામાં આવે છે. જે વધારી રૂ.25 કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ રજૂ કરવામાં આવી છે. હાલ કોર્પોરેશન દ્વારા સિનેમા ઘરોના સંચાલકો પાસેથી પ્રતિ-શો દીઠ થિયેટર ટેક્સ પેટે માત્ર રૂ.100 વસૂલ કરવામાં આવે છે. જે 1000 કરવા સૂચવવામાં આવ્યું છે. જેનાથી વાર્ષિક રૂપિયા 1.50 કરોડની આવક થવાનો અંદાજ છે. આ ઉપરાંત મહાપાલિકા દ્વારા ઓપન પ્લોટના ચાર્જીંસ પેટે રહેણાંક હેતુ માટેના 500 ચો.મી.થી નાના પ્લોટના 14 રૂપિયા વસૂલવામાં આવે છે તે બમણાં કરી રૂ.28 કરવા, 500 મીટરથી મોટા ક્ષેત્રફળના પ્લોટના રૂ.21 થી વધારી રૂ.42 કરવા અને નોન રેસીડેન્સ ખૂલ્લા પ્લોટના હાલ પ્રતિ ચો.મી.રૂ.28 વસૂલ કરવામાં આવે છે. જે 56 કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.
ખૂલ્લા પ્લોટમાં હાલ વસૂલાતા ચાર્જમાં વધારો કરવાથી વાર્ષિક 10 કરોડ રૂપિયાની વધારાની આવક થશે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જ રહેણાંક હેતુની મિલકત માટે પ્રતિ દિવસ રૂ.1 મુજબ વાર્ષિક રૂ.365 વસૂલ કરવામાં આવે છે. જે બમણા કરી વાર્ષિક રૂ.730 કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. જ્યારે બિનરહેણાંક હેતુની મિલકત ધારકો પાસેથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જ પેટે પ્રતિદિન રૂ.2 લેખે વાર્ષિક રૂ.730 વસૂલ કરવામાં આવે છે. જે નવા નાણાકીય વર્ષથી બમણા કરી પ્રતિ દિન રૂ.4 લેખે વાર્ષિક રૂ.1460 કરવા દરખાસ્ત કરવામાં આવી છે.
નવા અંદાજપત્રમાં રાજકોટવાસીઓ પર એન્વાયરમેન્ટ ચાર્જના નામે નવો બોજ ઝીંકવામાં આવ્યો છે. જો કે, તે રહેણાંક હેતુની મિલકત ધરાવતા લોકો પર લાગૂ પડશે નહિં. માત્ર 500 ફૂટ કે તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતી કોમર્શિયલ મિલકતોને જનરલ ટેક્સના 13 ટકા મુજબ આ ટેક્સ ભરપાઇ કરવાનો રહેશે.
કદની દ્રષ્ટિએ ઐતિહાસિક એવા રૂ.2586.82 કરોડના બજેટમાં રાજકોટવાસીઓ પર 101 કરોડનો તોતીંગ કરબોજ ઝીંકવામાં આવ્યો છે. ટેક્સની આવકનો લક્ષ્યાંક 471 કરોડ રખાયો છે. જ્યારે એફ.એસ.આઇ.ના વેંચાણથી 143 કરોડની આવક થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષથી જમીન વેંચાણ માટે મંજૂરી આપવામાં આવતી નથી. છતાં નવા બજેટમાં જમીન વેંચાણનો લક્ષ્યાંક 400 કરોડ રાખવામાં આવ્યો છે.
મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ રજૂ કરેલા વર્ષ-2023-2024ના રૂ.2586.82 કરોડના બજેટમાં પાણી વેરો, મિલકત વેરો, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જ, થિયેટર ટેક્સ, ઓપન પ્લોટ ટેક્સ અને નવા કર તરીકે એન્વાયરમેન્ટ ટેક્સ ઝીંકવામાં આવ્યો છે. શહેરીજનો પર 101 કરોડનો કર બોજ લાદવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે ‘અબતક’ સાથેની વાતચિત દરમિયાન જણાવ્યું હતું કે મ્યુનિ.કમિશનરે આજે રજૂ કરેલા અંદાજપત્ર પર સ્ટેન્ડિંગ કમિટી એક સપ્તાહ સુધી ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરશે. ત્યારબાદ રાજકોટના હિતને ધ્યાનમાં રાખી તમામ નિર્ણયો લેવામાં આવશે. કમિશનરે ભલે પાણી વેરામાં ત્રણ ગણો વધારાનું સૂચન કર્યું હોય પરંતુ સ્ટેન્ડિંગ કમિટી પણ પાણી વેરો વધારવામાં હોય તેવું લાગી રહ્યું છે. હાલના પાણી વેરાના દરમાં સામાન્ય વધારો કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે. જ્યારે મિલકત વેરો અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જમાં વધારો કરવાની દરખાસ્તને ફગાવી દેવામાં આવે તેવું હાલ જણાઇ રહ્યું છે.
આગામી નવા નાણાકીય વર્ષથી રાજકોટવાસીઓના પાણી વેરા અને મિલકત વેરાના બીલમાં સરેરાશ રૂ.2500 થી 5000 સુધીનો વધારો થઇ જશે. કોર્પોરેશનની પોતીકી કહી શકાય તેવી એકમાત્ર ટેક્સની આવક રહી છે. આવામાં ખર્ચ અને આવકના સાંધામેળ કરવા માટે નવા બજેટમાં 101 કરોડનો તોતીંગ વધારો કરવામાં આવ્યો છે. મિલકત વેરો, પાણી વેરો અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. હાલ પાણી વેરા પેટે માસિક રૂ.70 વસૂલવામાં આવે છે. જે એપ્રિલથી 200 રૂપિયા કરવા સૂચન કરાયું છે. જ્યારે ગાર્બેજ કલેક્શન ચાર્જ બમણો કરવામાં આવ્યો છે. મિલકત વેરામાં પણ વધારો કરવામાં આવ્યો હોવાના કારણે રાજકોટવાસીઓના ખિસ્સા પર વાર્ષિક રૂ.2500 થી 5000 સુધીનો બોજ પડે તેવું દેખાઇ રહ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકાની હદમાં જો કોઇ વ્યક્તિ કે સંસ્થા પોતાની માલિકીની મિલકતનો ઉપયોગ ચાર્જીંગ સ્ટેશન બનાવવા કે તેનું સંચાલન કરવા માટે કરશે તો તેને પાંચ વર્ષ સુધી મિલકત વેરામાંથી મુક્તિ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ યોજનામાં આસામી કે સંસ્થા દ્વારા જેટલી જગ્યા પર ચાર્જીંગ સ્ટેશન બનાવવામાં આવ્યું હશે તેટલી જ જગ્યાને મિલકત વેરામાંથી મુક્તિ મળશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.