આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરાઇઃ રોજના ૩,૦૦,૦૦૦ લાખ પેકેટ બનાવવામાં આવશે - At This Time

આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરાઇઃ રોજના ૩,૦૦,૦૦૦ લાખ પેકેટ બનાવવામાં આવશે


કુલ અગિયારથી બાર કેન્દ્રો પરથી માઇભક્તોને માતાજીનો મોહનથાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કરાઇ

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સમાન આદ્યશક્તિ માં અંબાના ધામ અંબાજી ખાતે આગામી તા. ૨૩ થી ૨૯ સપ્ટેમ્બર-૨૦૨૩ દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે. ભાદરવી મહાકુંભ આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલના નેતૃત્વ અને અને માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર મેળો યોજવા સજ્જ બન્યું છે. આજે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વોટર પ્રુફ ડોમમાં મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

અંબાજી ખાતે દર્શન કરવા આવતા માઈભક્તો માતાજીના દર્શન કર્યા બાદ પોતાના ઘરે મોહનથાળનો પ્રસાદ અચૂક લઈ જતા હોય છે. મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરની આગવી ઓળખ છે. પ્રસાદ વ્યવસ્થા સમિતિના અધ્યક્ષ અને જિલ્લા પુવરઠા અધિકારીશ્રી એચ. કે. ગઢવીએ જણાવ્યું કે, ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા માઇભક્તોને પ્રસાદ મેળવવામાં કોઇપણ પ્રકારની અગવડ ન પડે તથા માઇભક્તોને પુરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહે તે માટે આજે અંબાજી ખાતે ગણેશ ચુતર્થીના પવિત્ર દિવસથી પ્રસાદ બનાવવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. મેળામાં આવતા યાત્રિકોની સંખ્યાને ધ્યાનમાં રાખી સમગ્ર મેળા દરમિયાન ૪૦ લાખ જેટલાં પ્રસાદના બોક્ષ બનાવવાનું આયોજન છે. અંબાજી મંદિર ટ્રસ્ટ અને કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ પ્રસાદ સમિતિ દ્વારા અહીં મેળા દરમિયાન જરૂરીયાત મુજબ રોજે રોજ પ્રસાદ બનાવવામા આવશે. આ માટે એજન્સીને અગાઉના દિવસે પ્રસાદ બનાવવાની જાણ કરવામાં આવશે. પ્રસાદ વ્યવસ્થા વિશે માહિતી આપતા તેમણે કહ્યું કે, મેળા દરમિયાન રાઉન્ડ ધ ક્લોક પ્રસાદ બનાવવાની કામગીરી ચાલુ રહેશે. જેના માટે પુરવઠા વિભાગનો સ્ટાફ પણ પુરતા પ્રમાણમાં ગોઠવવામાં આવ્યો છે. પુરતા પ્રમાણમાં સીધુ-સામાન, પ્રસાદની ગુણવત્તાનું ખાસ ધ્યાન રખાશે. ફાયર બ્રિગેડની ટીમ પણ હાજર રહેશે. અંબાજી મંદિરમાં રેગ્યુલર પ્રસાદ કેન્દ્રો ચાલુ છે તે તો ચાલુ જ રહેશે પણ તે સિવાય મંદિરમાં યજ્ઞ શાળાની બાજુમાં ૨ પ્રસાદ કેન્દ્ર, ગણપતિ મંદિર પાસે પ્રસાદ કેન્દ્ર, સાત નંબર ગેટ પાસે પ્રસાદ કેન્દ્ર, શક્તિ દ્વાર પાસે પ્રસાદ કેન્દ્ર સહિત વિવિધ જગ્યા ઉપર કુલ અગિયારથી બાર કેન્દ્રો પરથી માઇભક્તોને માતાજીનો મોહનથાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તેવા પ્રયાસો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

મોહનથાળ પ્રસાદ બનાવવામાં આટલું સીધું- સામાન વપરાશે

 એચ.કે.ગઢવીએ અંબાજી માતાજીના મોહનથાળ પ્રસાદ બનાવવામાં વપરાનાર સીધા-સામાન અંગે માહિતી આપતા કહ્યું કે, ગયા વર્ષે મેળામાં આવેલા યાત્રાળુઓ અને આ વર્ષે મેળામાં આવનાર યાત્રિકોના અંદાજને ધ્યાનમાં રાખી ૪૦ લાખ જેટલાં પ્રસાદના બોક્ષ બનાવવા છે. જેમાં ૧૦૫૦ ઘાણ માટે કુલ- ૩,૫૯,૮૩૫ કિ.લો. બેસન, ઘી, ખાંડ અને ઇલાયચીનો વપરાશ કરવામાં આવશે. જે પૈકી બેસન- ૧,૦૫,૦૦૦ કિ.લો., ઘી- ૭૮,૭૫૦ કિ.લો., (૫૨૫૦ ડબ્બા), ખાંડ- ૧,૫૭,૫૦૦ કિ.લો. અને ૨૧૦ કિ.લો. ઇલાયચી વપરાશે. એજન્સીની દૈનિક ૮૦ ઘાણ બનાવવાની ક્ષમતા છે. ૮૦ ઘાણમાં ૩૦,૦૦૦ કિ.લો. પ્રસાદ બનતો હોય છે એટલે કે રોજના ૩,૦૦,૦૦૦ લાખ પેકેટ બનાવવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.