જસદણમાં યોજાયેલ સનદ વિતરણ કાર્યક્રમમાં લાભાર્થીઓએ હોબાળો મચાવ્યો, 15 વર્ષ પહેલા 100 ચો.વારનો પ્લોટ મંજુર કરાયો છે, છતાં હજી સુધી પ્લોટ ફાળવાયો નથી!. - At This Time

જસદણમાં યોજાયેલ સનદ વિતરણ કાર્યક્રમમાં લાભાર્થીઓએ હોબાળો મચાવ્યો, 15 વર્ષ પહેલા 100 ચો.વારનો પ્લોટ મંજુર કરાયો છે, છતાં હજી સુધી પ્લોટ ફાળવાયો નથી!.


જસદણમાં યોજાયેલ સનદ વિતરણ કાર્યક્રમમાં લાભાર્થીઓએ હોબાળો મચાવ્યો, 15 વર્ષ પહેલા 100 ચો.વારનો પ્લોટ મંજુર કરાયો છે, છતાં હજી સુધી પ્લોટ ફાળવાયો નથી!.
- ધારાસભ્ય બાવળીયાને લાભાર્થીઓએ ઉગ્ર રજૂઆતો કરી છતાં માત્ર આશ્વાસન જ મળ્યું.
- જે કોઈ સરકાર અમને પ્લોટ અપાવશે તેની સાથે અમે ચૂંટણીમાં ઉભા રહેશું તેવું લાભાર્થીઓએ જણાવતા રાજકારણ ગરમાયું હતું.

જસદણમાં નવા માર્કેટિંગ યાર્ડ ખાતે જસદણ-વિંછીયા તાલુકા વિસ્તારના વિચરતી વિમુક્ત સમુદાયના લોકોને સરકાર દ્વારા 100 ચોરસ વાર પ્લોટ-જમીન ફાળવવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા, ડેપ્યુટી ડીડીઓ, જસદણ પ્રાંત અધિકારી, જસદણ-વિંછીયાના મામલતદાર અને ટીડીઓ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને જસદણ-વિંછીયાના લાભાર્થીઓને સનદ વિતરણ કરવામાં આવી હતી. પરંતુ આ કાર્યક્રમ દરમિયાન જસદણ-વિંછીયા વિસ્તારના સનાળી, કંધેવાળીયા અને રૂપાવટી સહિતના ગામોના 24 જેટલા લાભાર્થીઓને 15 વર્ષ પહેલા સનદ અપાઈ ગઈ હોવા છતાં આજદિન સુધી પ્લોટની ફાળવણી કરાઈ ન હોવાથી લાભાર્થી મહિલાઓ અને પુરૂષોએ અમને 100 ચોરસ વારનો પ્લોટ તાત્કાલિક ફાળવો તેવી માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. આ તકે લાભાર્થીઓએ ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાનો પણ ઉધડો લીધો હતો અને અમને 100 ચોરસ વારનો પ્લોટ માત્ર કાગળ ઉપર જ આપવામાં આવ્યો છે તેવી ઉગ્ર રજૂઆત કરતા વાતાવરણ ગરમાયું હતું. આ તકે ઉપસ્થિત લાભાર્થીઓએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, આ સરકાર વિકાસના નામે માત્ર વાતો જ કરે છે. જસદણ-વિંછીયા તાલુકાના દરેક ગામમાં અનેક લાભાર્થીઓને 100 ચોરસ વાર પ્લોટ માત્ર કાગળ પર જ અપાયો છે. જેતે જવાબદારોના પાપે અનેક લાભાર્થીઓ 100 ચોરસ વારના પ્લોટથી વંચિત રહી ગયા છે. જેથી જે કોઈ સરકાર અમને પ્લોટ અપાવશે તેની સાથે અમે ચૂંટણીમાં ઉભા રહેશું તેવું લાભાર્થીઓએ જણાવતા રાજકારણ ગરમાયું હતું.

15 વર્ષ થયા છતાં હજી સુધી અમને 19 લાભાર્થીઓને પ્લોટ ફાળવાયા નથી: પ્રકાશભાઈ ગોરાસવા–રૂપાવટી ગામના લાભાર્થી.

15 વર્ષ પહેલા અમારા પ્લોટ મંજુર કરવામાં આવ્યા છે. પરંતુ આજદિન સુધી અમને પ્લોટ ફાળવવામાં આવ્યા નથી. દર વખતે ચૂંટણી આવે ત્યારે પ્લોટ ફાળવવાની વાતો કરવામાં આવે છે પણ હજી સુધી એકપણ પ્લોટ ફાળવવામાં આવ્યા નથી. મારી જેવા 19 લાભાર્થીઓ પ્લોટથી વંચિત છે. આ લોકોએ માત્ર કાગળ ઉપર પ્લોટ જ ફાળવ્યા છે અને ચૂંટણી ટાણે પોતાનો પ્રચાર થાય તે માટે આશ્વાસનો જ અપાય છે કે આ વખતે તમને પ્લોટની જોગવાઈ કરી આપીશું. અમે આ અંગે ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાને પણ રજૂઆતો કરેલી છે છતાં અમને હજી સુધી પ્લોટ ફાળવાયા નથી. હવે અમે નક્કી કર્યું છે કે જે કોઈ સરકાર અમને પ્લોટ અપાવશે તેની સાથે અમે ચૂંટણીમાં ઉભા રહેશું. આજે પણ અમે આ કાર્યક્રમમાં રજૂઆતો કરી પણ અમારી વાતને સાંભળવામાં આવી નથી.

આ સરકાર વિકાસના નામે માત્ર વાતો જ કરે છે: કલ્પેશભાઈ ભીખાભાઈ-સનાળી ગામના લાભાર્થી.

અમે 100 વારના પ્લોટ પ્રશ્ને કલેકટર સાહેબને ગત તા.16 નાં રોજ પણ અગાઉ રજૂઆત કરી હતી. છતાં હજી સુધી તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નથી. જેથી અમે આજે ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા પાસે આ પ્રશ્ને આવ્યા હતા. પણ તેઓ વિકાસના નામે માત્ર વાતો જ કરે છે અને કોઈ અમને પ્લોટ ફાળવતા નથી. મારે આ છેલ્લા 10 વર્ષથી પ્રશ્ન છે અને મારી પાસે હુકમ પણ આવી ગયો છે છતાં અમને પ્લોટ ફાળવાતો નથી. અમે જ્યારે પણ રજૂઆતો કરીએ ત્યારે તમને પ્લોટ મળી જાશે તેવી જ વાતો કરવામાં આવે છે. આ સરકાર વિકાસના નામે માત્ર વાતો જ કરે છે. આજે પણ અમે કલેકટરને મળ્યા છીએ અને કહે છે કે થઈ જશે. હવે જોઈએ કેટલા દિવસમાં તેઓ અમને પ્લોટ અપાવે છે.
નરૅશ ચૉહલીયા જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.