સામે આવ્યો તો પતાવી દઈશ: ચેક રિટર્નના કેસ બાબતે માથાકૂટ થતા ફરિયાદીના એડવોકેટ પર બે શખ્સનો હુમલો - At This Time

સામે આવ્યો તો પતાવી દઈશ: ચેક રિટર્નના કેસ બાબતે માથાકૂટ થતા ફરિયાદીના એડવોકેટ પર બે શખ્સનો હુમલો


ચેક રિટર્નના કેસ બાબતે માથાકૂટ થતા ફરિયાદીના એડવોકેટ પર બે શખ્સએ હુંમલો કરતા રાજકોટના વકીલ આલમમાં રોષ છવાયો છે. આરોપી લાલા સાટીયા અને તેની સાથેના અજાણ્યા વ્યક્તિએ એડવોકેટ ચિત્રાંક વ્યાસને ફડાકા ઝીંકી ઢીકા પાટુનો માર માર્યો હતો અને સામે આવીશ તો પતાવી દઈશ તેવી ધમકી આપી હતી. એડવોકેટ વ્યાસે યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરવા તજવીજ કરી હતી.
ફરિયાદી એડવોકેટ ચિત્રાંક શૈલેશભાઇ વ્યાસ (ઉ.વ.30, રહે.અમૃત પાર્ક - 5, રૈયા રોડ)એ જણાવ્યું કે, હું અત્રે રાજકોટમાં વકિલાતની પ્રેક્ટિસ કરું છું. અમારા એક અસીલ નવઘણભાઇ કિહલા (ભરવાડ) છે. તેમનો એક નેગોશીયેબલનો ચેક રિટર્નનો કેસ અમે જુલાઇ મહીનાથી લડીએ છીએ. કોર્ટના નેગોશીયેબલ કેસમાં તેઓ ફરિયાદી છે. ગઈકાલ તા.5/10/2023ના રાત્રીના સાડા અગીયારથી પોણા બારની વચ્ચે કેસ સંબંધિત વાતચીત કરવા હું તથા મારા અસીલ નવઘણ ભરવાડ રૈયા રોડ ન્યારા પેટ્રોલ પમ્પ સામે ખોડીયાર હોટેલએ ચા પીવા માટે ઉભા હતા.
સાથે મારા મિત્ર અભિષેકભાઈ કામલીયા પણ હતા. અમે ત્યાં ઉભા રહી વાતચીત કરતા હતા તે સમયે જ આરોપી લાલા રામા સાટીયા અમારી પાસે આવ્યો હતો. આ લાલા સાટીયાના મિત્ર વિરુદ્ધ નવઘણભાઈએ નેગોશીએબલ કેસ કર્યો છે. જેથી લાલા સાટીયા નવઘણ ભરવાડના કેસ બાબતે જ અમારી પાસે આવેલ અને અમે લોકો કાંઈ સમજીએ તે પહેલાં જ સીધો મને અપશબ્દો આપવા લાગ્યો હતો. અચાનક ઉશ્કેરાઈ મને એક જોરથી ઝાપટ મારી દીધી હતી. ઢીકા પાટુનો માર માર્યો હતો. હું ત્યાથી ભાગવા જતા આ લાલા સાથે અન્ય એક વ્યક્તિ જેનુ નામ મને ખ્યાલ નથી તે અજાણ્યા વ્યક્તિએ મને પકડી લીધો અને ઢીકા પાટુનો માર માર્યો હતો. મારા મિત્ર અભિષેક તથા નવઘણભાઇએ વચ્ચે પડી મને છોડાવેલ હતો.
બાદમાં આ લાલાએ મને કહેલ કે, મારી સામે હવે આવીશ તો તને પતાવી જ દઇશ. ધમકી આપી હતી. મેં 100 નંબરમાં પોલીસને ફોન કરતા આ લાલા સાટીયા તથા તેની સાથેનો અન્ય વ્યક્તિ ત્યાંથી જતા રહ્યા હતા. જેથી અમે પોલીસ સ્ટેશન ખાતે મારા અસિ લે નવઘણભાઈ કિહલા તથા અભિષેકભાઈ કામલીયા તથા મિત્ર જયસુર્યા ગઢવી સાથે પોલીસ સ્ટેશન ફરીયાદ કરવા ગયા હતા. લાલા રામાએ મને મોઢા પર ઝાપટ મારતા, જમણી બાજુના કાનમાં દુ:ખાવો થવાથી પોલીસ ફરીયાદ બાદ મેં સારવાર લીધી હતી.
વધુમાં એડવોકેટ ચિત્રાંક એસ. વ્યાસે કહ્યું કે, આ બનાવનું કારણ એવું છે કે, અમારા અસીલ નવઘણ ભરવાડનો નેગોશીએબલનો કેસ હું વકીલ તરીકે લડતો હોવાથી, આ વાતનો ખાર રાખી લાલા રામા સાટીયા તથા અજાણ્યા અપશબ્દો આપી ઢીકા પાટુનો માર મારી લાલા રામાએ મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આઇપીસી 323, 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી બંન્ને આરોપીને સકંજામાં લીધા હતા.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.