ગીર સોમનાથના તાલાલામાં આયુષ્માન ભવ: અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પ યોજાયો - At This Time

ગીર સોમનાથના તાલાલામાં આયુષ્માન ભવ: અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પ યોજાયો


ગીર સોમનાથના તાલાલામાં આયુષ્માન ભવ: અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પ યોજાયો
-----
PMJAY યોજના અંતર્ગત ૩૧ લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ,
૪૦ લાભાર્થીઓના આભા કાર્ડ સહિત પૂરી પાડવામાં આવી વિવિધ સેવાઓ
-----
ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડે લીધી સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત
-----
નાગરિકોને શ્રેષ્ઠ અને નિ:શુલ્ક સારવાર ઉપલબ્ધ કરાવવા સહિત જાગૃતી કેળવવા માટે આયુષ્માન ભવ: ઝુંબેશ
-----
ગીર સોમનાથ, તા.૨૨: પ્રત્યેક નાગરિકોને સ્વાસ્થ્ય સંબંધિત શ્રેષ્ઠ અને નિ:શુલ્ક સેવાઓ ઉપલબ્ધ કરાવવા સહિત લોકોમાં જાગૃતી લાવે એવા ઉચ્ચ ધ્યેય સાથે “આયુષ્માન ભવ:” ઝુંબેશ વેગવાન બની છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ નાગરિકોને આરોગ્યલક્ષી શ્રેષ્ઠ અને નિ:શુલ્ક સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે. જે અંતર્ગત ગીર સોમનાથના તાલાલા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ આરોગ્ય કેમ્પ યોજાયો હતો. જેનો બહોળા પ્રમાણમાં લોકોએ લાભ લીધો હતો.
ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રહેલા દર્દીઓની મુલાકાત લીધી હતી અને તેમના ખબરઅંતર પૂછ્યા હતા તેમજ આ કેમ્પમાં ડોક્ટર્સે આરોગ્ય સંબંધિત યોજનાકીય માહિતીથી લોકોને પરિચિત કરાવ્યા હતાં તેમજ સર્વરોગ નિદાન મહાકેમ્પમાં જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ જૂનાગઢથી તજજ્ઞ ડોક્ટર્સની ટીમ તાલાલામાં સેવા આપવા માટે આવી હતી.
જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી એ.એસ.રોયે જણાવ્યું હતું કે, દરેક ગામ અને શહેરમાં સભાઓ અને આરોગ્ય મેળાઓ દ્વારા સામુહિક આરોગ્ય તપાસ સહિત દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્ર CHC સેન્ટર ખાતે નિશુલ્ક દવા વિતરણ કરીને આપવામાં આવશે સાથો સાથ નાગરિકોને અંગદાન અને સ્વાસ્થ્ય સંબંધિત લોકજાગૃતિ માટે સૌને પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ કેમ્પમાં આયુષ્માન આપકે દ્વાર ૩.૦ PMJAY યોજના અંતર્ગત ૩૧ લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ, ૪૦ લાભાર્થીઓના આભા કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા તેમજ ૫૦૫ ઓપીડી કરવામાં આવી હતી. આ આરોગ્ય મેળા અંતર્ગત બિનચેપી રોગ, ટીબી, રક્તપિત્ત અને અન્ય ચેપી રોગો ઉપરાંત માતા-બાળ આરોગ્ય અને પોષણ સહિત વિવિધ મુદ્દે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી તપાસ કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.