ઝઘડિયા તાલુકાના સારસા ગામે રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહનચાલકો અટવાયા, બે કલાક થયેલ મુશળધાર વરસાદને લઇને ગરનાળુ જળાશયમાં ફેરવાતા સ્થાનિકો હાલાકિમાં મુકાયા.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે આજે બે કલાક જેટલો સમય સુધી થયેલ ભારે વરસાદને લઇને મુખ્ય ધોરીમાર્ગથી ગામમાં જવાના માર્ગ પરના રેલવે ગરનાળામાં પુષ્કળ પાણી ભરાતા ગરનાળુ જળાશયમાં ફેરવાયું હતું. ગરનાળામાં ભરાયેલ પાણીને લઇને મુખ્ય ધોરીમાર્ગથી ગામમાં જતા આવતા વાહનચાલકો અટવાયા હતા. સારસા ગામના બસ સ્ટેન્ડ નજીક ધોરીમાર્ગ પાસે અટવાયેલા બાઇકચાલકોની લાઇન લાગી હતી ! જ્યારે ગામમાંથી બસ સ્ટેન્ડ તરફ આવતા વાહનચાલકો પણ તે બાજુ અટવાતા ભારે હાલાકિ સર્જાયેલ જોવા મળી હતી. ઉલ્લેખનીય છેકે અંકલેશ્વર રાજપીપલા વચ્ચેની નેરોગેજ રેલવે લાઇનનું બ્રોડગેજમાં રૂપાંતર થયા બાદ આ લાઇન પર આવતી મોટાભાગની રેલવે ફાટકો પર ગરનાળા બનાવાયા,હાલ રેલવે તો નથી ચાલતી પરંતું ચોમાસા દરમિયાન ગરનાળામાં ભરાતા પાણીને લઇને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સારસા ગામે આ રેલવે લાઇન પર બે ગરનાળા છે,એક બસ સ્ટેન્ડથી ગામમાં જવાના રસ્તા પર અને બીજું ઉમધરા સંજાલી જવાના માર્ગ પર. આજે કડાકા ભડાકા સાથે લગભગ બે કલાક જેટલા સમય માટે વરસાદે ધુંઆધાર બેટિંગ કરતા રેલવે ગરનાળુ પાણીથી છલકાતા બાઇક ચાલકો અટવાયા હતા અને ગરનાળામાંથી પાણી ઓછુ થાય તેની પ્રતિક્ષા કરતા બસ સ્ટેન્ડ નજીક બાઇકો સાથે ઉભા રહેલા દેખાયા હતા. સારસા ગામ ધોરીમાર્ગની બન્ને તરફ વસેલું છે,એક તરફ મુખ્ય ગામ તેમજ રોડની બીજીબાજુ ગામની નવી વસાહત,તેથી ગ્રામજનોએ અવારનવાર એક તરફથી બીજી તરફ જવાની નોબત આવતી હોય છે,પરંતુ રેલવે ગરનાળા પાણીથી છલકાતા સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. થોડા દિવસ અગાઉ અત્રેના ઉમધરા રોડ પરના ગરનાળામાં ભરાયેલ પાણીને બહાર કાઢવા મશીનનો ઉપયોગ કરવો પડ્યો હતો,ત્યારે રેલવે સત્તાવાળાઓ તાકીદે આ સમસ્યાનો હલ લાવે તે ઇચ્છનીય છે.
Malek Ysadani
At This Time Bharuch
7043265606
7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.