ગ્રીનલેન્ડ ચોકડીએથી અમદાવાદ જવા કારમાં બેસેલા વેપારીને માલિયાસણ નજીક લૂંટી લેવાયાં - At This Time

ગ્રીનલેન્ડ ચોકડીએથી અમદાવાદ જવા કારમાં બેસેલા વેપારીને માલિયાસણ નજીક લૂંટી લેવાયાં


ગ્રીનલેન્ડ ચોકડીએથી અમદાવાદ જવા કારમાં બેસેલા વેપારીને માલિયાસણ નજીક અજાણ્યાં શખ્સોએ રોકડ, મોબાઈલ અને એરબર્ડ મળી રૂ.53500 ના મુદ્દામાલની લૂંટ ચલાવી નાસી છૂટતાં કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી ગણતરીની કલાકોમાં લૂંટના બનાવનો ભેદ ઉકેલી બે શખ્સોને સકંજામાં લઈ લૂંટના બનાવનો ભેદ ઉકેલી મુદ્દામાલ કબ્જે કરી વિશેષ તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે હાલ અમદાવાદમાં સાયન્સ સીટી રોડ પર કેનાલની બાજુમાં રહેતાં મૂળ રાજકોટના પરસાણાનગરના રોહિતભાઇ દિનેશકુમાર કરમચંદાણી (ઉ.વ.30) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સાઇન્સ સીટી રોડ ઉપર ફોચ્ર્યુન બીઝનેસ હબમાં શ્વેતપર્ણ એમ.ઈ.પી. સોલ્યુશનમાં ઇલેકટ્રીક, પ્લમ્બીંગ તથા ફાયર ફાયટરના પ્લાન બનાવવાના કોન્ટ્રાકટ રાખે છે. તેમની બહેનના લગ્ન ઉના રહેતાં મહેશભાઈ આશવાણી સાથે થયેલ હતા. તે આઠેક માસથી રીસામણ રાજકોટમાં પરસાણાનગરમાં રહેતાં કાકા ભરતભાઈ રુચીરામ કરમચંદાણીના ઘરે રહે છે.
તેઓની બહેનને તેનો પતિ હેરાન કરતો હોય જેથી તેના વિરૂધ્ધ મહીલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવાની હોય જેથી તેઓ ગઈ તા.26/02 ના રાજકોટ તેના કાકાના ઘરે આવેલ હતાં. બાદમાં મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવ્યા બાદ તેઓ ગઈ રાત્રીના અમદાવાદ જવા માટે કાકાના ઘરેથી તેના કાક હોસ્પીટલ ચોક સુધી મુકી ગયેલ અને હોસ્પીટલ ચોકથી ગ્રીનલેન્ડ ચોકડી સુધી રીક્ષામા ગયેલ હતાં.
બાદમાં ગ્રીનલેન્ડ ચોકડીથી અમદાવાદ જવા રાત્રીના સવા બારેક વાગ્યાની આસપાસ વાહન ની રાહમા ઉભેલ હતાં ત્યારે એક 20-25 વર્ષનો માણસ અમદાવાદ જવા માટે પુછતા તેને હા પાડેલ અને ભાડા ભાબતે પુછતા તેણે રૂ. 500 નું જણાવતા રૂ. 400 ભાડુ નક્કી કરી તેની ગાડીમાં બેસેલ જેમા એક માણસ પહેલેથી બેસેલ હતો. તેઓ પાછળની શીટમા બેસેલ અને એક અજાણ્યો શખ્સ ડ્રાઇવર શીટ પર બેસી ગાડી આગળ ચલાવી હતી.
ગાડી અમદાવાદ હાઇ-વે રોડ ઉપર સાત હનુમાન મંદિરથી આગળ આઈ.ઓ.સી. ગેસ પ્લાન્ટ આગળ પહોંચતા ત્યાં ઓવરબ્રીજ આવતો હોય જેથી તેણે ઓવરબ્રીજ ઉપર ગાડી ન ચલાવી અને સાઈડમાં સર્વિસ રોડ ઉપર ગાડી ચલાવતા તેને કહેલ કે, ગાડી કેમ આ બાજુ ચલાવેલ જેથી તેણે કહેલ કે, મારો એક મીત્ર આગળ રાહ જોવે છે તેને રસ્તામાંથી લેવાનો છે.
બાદમાં માલીયાસણ ગામ આવતા ગાડી ગામના પુલ નીચેથી જમણી બાજુ વાળેલ અને થોડે આગળ જતા ભારત ગેસ પ્લાન્ટ આવેલ જ્યાંથી પણ તેને આગળ ગાડી ચલાવતા કાચો રસ્તો અને અવાવરૂ જગ્યા જેવો વિસ્તાર આવેલ જેથી તેઓએ અહીં કોણ આવે છે અહી તો સુમસાન જગ્યા છે પૂછતાં તેણે કહેલ કે, ચુપચાપ બેઠો રે નહીતર અહી ઉતરી જા જેથી તેને ગાડી ઉભી રાખવાનું કહેતાં તેણે ગાડી ઉભી રાખેલ અને ફરિયાદી ગાડીમાંથી ઉતરેલ.
ત્યારે તે બંન્ને ત્યાં પડેલ પથ્થર લઇ અને આડે ઉભા રહી ગયેલ અને કહેલ કે, તારી પાસે જેટલા રૂપીયા હોય તે આપી દે નહીતર તને મારી નાખીશ જેથી તેઓને ભય લાગતાં તેમની પાસે રહેલ બેગ તેઓને આપી દીધેલ અને ડ્રાઇવર સીટની બાજુમા બેસેલ શખ્સે બેગ ઝુંટવી તેમા રહેલ રોકડા રૂ. 3500 લઇ લીધેલ તેમજ આઇફોન રૂ. 40 હજાર અને એપલના એરબર્ડ રૂ.10 હજારનો મુદ્દામાલ લૂંટી તેનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરાવેલ બાદમાં તેમને ગાડીમાં બેસાડી ભારત ગેસ પ્લાન્ટથી થોડે આગળ તેઓને નીચે ઉતારી દીધેલ અને આરોપી નાસી છૂટ્યા હતાં. ફરિયાદીએ ગાડીની નંબર જોતા જીજે-13-સીબી-1011 નંબર જોવા મળેલ હતાં.
બનાવ અંગેની ફરીયાદ પરથી કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી પીઆઈ વિ. આર.રાઠોડની રાહબરીમાં પીએસઆઇ ભગોરા અને ટીમે તપાસ હાથ ધરી કારના નંબર પરથી તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં બે શખ્સોને સકંજામાં લઈ લૂંટના બનાવનો ભેદ ઉકેલી નાંખ્યો હતો અને મુદ્દામાલ કબ્જે કરી આરોપીનો વિશેષ પૂછપરછ પોલીસે હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.