હોઠની ખામી સાથે જન્મેલી “મુક્તિ”ને ઓપરેશન બાદ મુશ્કેલીમાંથી મળી મુક્તિ*
*હોઠની ખામી સાથે જન્મેલી “મુક્તિ”ને ઓપરેશન બાદ મુશ્કેલીમાંથી મળી મુક્તિ*
---------------
*ગીર સોમનાથના પ્રશ્નાવડાની બાળકીને તૂટેલા હોઠનું ઓપરેશન કરી નવજીવન અપાયું*
--------
*અંદાજીત રૂ.૧ લાખના ખર્ચે થતું ઓપરેશન વિના મૂલ્યે થતા પરિવારે સરકારનો આભાર માન્યો*
----------
*ગીર સોમનાથ જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના આશીર્વાદ સમાન*
---------
ગીર સોમનાથ તા.૧૭: રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના ગીર સોમનાથ જિલ્લામાં શ્રમિક પરિવારો માટે આશીર્વાદ સમાન બની છે. સૂત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામના શ્રમિક પરિવારની બાળકી “મુક્તિ” જન્મજાત તૂટેલા હોઠની બીમારીથી પીડાઈ રહી હતી. આ બાળકીને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના અંતર્ગત રાજકોટની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં નિ:શુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેથી બાળકીને નવજીવન મળ્યું હતું.
પ્રશ્નાવડામાં મજૂરીકામ કરતા પરિવારમાં તા.૬ મે, ૨૦૨૨ના રોજ એક બાળકીનો જન્મ થયો હતો. જન્મ સાથે જ પરિવારમાં બાળકીના પિતા રમેશભાઈ અને પરિવારજનોમાં હરખની હેલી છવાઈ હતી. પરિવારે ઉમંગ અને ઉત્સાહથી નામકરણ કરી આ બાળકીનું નામ “મુક્તિ” પાડયું.
જોકે, ઈશ્વર જાણે આ શ્રમિક પરિવારની કઠીન પરિક્ષા લેતો હોય એમ જન્મથી જ બાળકીના હોઠ તૂટેલાં હતાં. જેથી દીકરીના માતા-પિતા પર આભ તૂટી પડ્યું હતું. પરિવાર પારાવાર ચિંતામાં હતો ત્યારે જ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ પરિવારની મદદે આવી હતી.
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમના ડૉ. દિશા ચૌહાણે જણાવ્યું હતું કે, પ્રશ્નાવડાના રમેશભાઇની મુક્તિને ક્લેફટ લિપ/ક્લેફટ પેલેટ (હોઠ અને તાળવું તુટેલું)ની બીમારી હતી. આર.બી.એસ.કે. ટીમ દ્વારા નિયમિત રીતે મુક્તિની તપાસ કરવામાં આવતી હતી. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી તેમનું વજન અને લોહી ઓછુ હોવાને કારણે ઓપરેશન થઇ શકે તેમ નહોતું. આથી નિયમિત રીતે તપાસ કરવામાં આવતી હતી.
ડોક્ટર્સને આશાનું કિરણ ત્યારે દેખાયું જ્યારે મુક્તી ૩ વર્ષની થઇ અને વજન અને લોહીના રીપોર્ટ નોર્મલ આવ્યાં. જેથી સમગ્ર ટીમે તેમના માતા-પિતા અને પરિવારજનોને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કર્યા અને સરકારની યોજના અંતર્ગત તૂટેલા હોઠના ઓપરેશન તેમજ સારવારનો તમામ ખર્ચ મફત થાય છે એવી માહિતી આપી હતી. આ જાણી અને શ્રમિક પરિવારના હૈયે ટાઢક વળી હતી.
સમગ્ર પરિસ્થિતિથી વાકેફ થઈ અને બાળકીના પરિવારજનો ઓપરેશન માટે તૈયાર થતા રાજકોટની એક ખાનગી હોસ્પિટલ ખાતે મુક્તિને રિફર કરવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે તૂટેલા હોઠની સફળ સર્જરી કરી હતી. જોકે, બાળકીનુ ઓછું વજન, લોહીની ઓછી ટકાવારી તથા બાળકીનું વારંવાર બીમાર પડવા જેવી અનેક મુશ્કેલીઓ હોવા છતાં વજન તથા લોહીની ઉણપ દૂર થયા બાદ આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ક્લેફટ લિપ/ક્લેફટ પેલેટ(હોઠ અને તાળવું તુટેલું) બીમારીનું ઓપરેશન જો ખાનગી હોસ્પિટલમાં કરાવવામાં આવે તો અંદાજે રૂ. ૧ લાખથી વધુનો ખર્ચો થઇ શકે છે. પરંતુ સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વિના મૂલ્યે ઓપરેશન, હોસ્પિટલ ખર્ચો અને જવા-આવવાનું ભાડૂં પણ આપવામાં આવે છે. આથી કહી શકાય કે, સરકારની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના શ્રમિક અને ગરીબ પરિવાર માટે આશીર્વાદ સાબિત થઇ છે.
૦૦ ૦૦૦૦ ૦૦૦ ૦૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે
