સાંઢીયા પુલ પર નવા બ્રીજના આયોજનને ફરી બ્રેક : રેલવેએ દોઢ કરોડ માંગ્યા - At This Time

સાંઢીયા પુલ પર નવા બ્રીજના આયોજનને ફરી બ્રેક : રેલવેએ દોઢ કરોડ માંગ્યા


રાજકોટના સૌથી મોટા કેકેવી ચોકના બ્રીજનું ઉદઘાટન થઇ ગયું છે અને રૈયા એકસચેંજ ચોક તથા કટારીયા ચોકે નવા બ્રીજની શકયતા ચકાસવા મનપાએ તૈયારી શરૂ કરી દીધી છે ત્યારે કાગળ પર રેલવેએ અસલામત જાહેર કરેલા સાંઢીયા પુલ પર નવા બ્રીજની ફાઇલ ફરી રેલવેએ અટકાવી દીધાનું બહાર આવ્યું છે. મનપા પાસે રૂા. દોઢ કરોડની માંગણી કર્યા બાદ તંત્રએ કોઇ જવાબ ન આપતા હવે આ બ્રીજ માટે ટેન્ડર કયારે પ્રસિધ્ધ થશે તે કહી શકાય તેમ નથી.
આ અંગે મનપા સુત્રમાંથી જાણવા મળતી વિગત મુજબ ગત વર્ષે સાંઢીયા પુલ પર નવો ફોરલેન ફલાયઓવર બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી પુલ દુર્ઘટના બાદ રાજય સરકારે તમામ શહેરોમાં તપાસના આપેલા આદેશ વચ્ચે રાજયમાં જે જોખમી પુલ હતા તેની યાદીમાં રાજકોટના સાંઢીયા પુલનું નામ રીપોર્ટમાં જાહેર થયું હતું.
રેલવેએ આ બ્રીજને વાહન વ્યવહાર માટે અસલામત જાહેર કરતા વર્ષો સુધી મનપાના બજેટમાં જ રહેલી યોજના બહાર આવી હતી. 60 કરોડના ખર્ચે નવા બ્રીજનું આયોજન કરાયું હતું. તે દરમ્યાન મનપાએ આ પુલ પરથી ટ્રક, બસ જેવા ભારે વાહનોની અવરજવર અટકાવી દીધી છે.
આ પુલમાં રેલવેના ભાગમાં આવતા કામનો ખર્ચ મનપાએ માંગ્યો હતો. પરંતુ રેલવેએ ખર્ચ ન આપીને ડિઝાઇનમાં કાપકૂપ કરાવી હતી. મનપાએ બ્રીજની બીજી તરફ સર્વિસ રોડ સહિતની કામગીરી શરૂ કરાવી હતી. હવે તાજેતરમાં ફરી આ બ્રીજની ફાઇનલ ડિઝાઇન માટે મનપાએ ઉઘરાણી કરી હતી. પરંતુ રેલવે એ એકાએક મહાપાલિકા પાસે રૂા. 1.58 કરોડનો ચાર્જ માંગ્યો છે. પરંતુ આ રૂપિયા દોઢ કરોડ કયા ચાર્જના છે તેની કોઇ સ્પષ્ટતા નથી. જેથી મ્યુનિ. કોર્પોરેશને પત્ર લખીને પણ રેલવે પાસે સ્પષ્ટતા માંગી છે.
દરમ્યાન હવે ચાલુ સપ્તાહમાં જવાબ ન આવે તો મનપા અને રેલવે તંત્ર વચ્ચે મીટીંગ યોજવા ફરી પ્રયાસો કરવામાં આવશે. જો આ પ્રશ્ર્ન લાંબો ખેંચાય તો એકાદ બે મહિનામાં ટેન્ડર બહાર પડે તેવી શકયતા ઓછી છે. દિવાળી સુધીમાં ટેન્ડર બહાર ન પડે તો સાંઢીયા પુલની જગ્યાએ નવા બ્રીજનું કામ કયારે શરૂ થશે તે કોઇ કહી શકે તેમ નથી.
છેલ્લા છ મહિનાથી આ બ્રીજનું કામ ડિઝાઇન લેવલે જ અટકીને પડયું છે. છ દાયકા જુનો સાંઢીયા પુલ ભયગ્રસ્ત જાહેર કરાયો હોય, ટ્રાફિક ડાયવર્ટ કરીને હાલ વાહન વ્યવહાર ચલાવવામાં આવે છે. લોકો હેરાન પણ થઇ રહ્યા છે, પરંતુ આ પ્રશ્ર્ન કયારે ઉકેલાશે તેની કોઇ સમય મર્યાદા લોકોને જાણવા મળતી નથી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.