વિશ્વ મહિલા દિવસ ———— મિક્સ માર્શલ આર્ટ વૂશુ સ્પર્ધામાં ઝળક્યું ગીરનું હીર
વિશ્વ મહિલા દિવસ
------------
મિક્સ માર્શલ આર્ટ વૂશુ સ્પર્ધામાં ઝળક્યું ગીરનું હીર
------------
આત્મરક્ષાના પાઠ થકી પીપળવા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓએ આપ્યો ‘સશક્ત ગુજરાત’નો સંદેશ
------------
ખેલ મહાકુંભ અને વિવિધ રમતોના આયોજન થકી ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે પ્લેટફોર્મ ઉપલબ્ધ થાય અને રાષ્ટ્રીય કક્ષાએ આગવી ઓળખ પ્રાપ્ત થાય એવો રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય રહ્યો છે. રમતગમતની આવી અનેક સ્પર્ધાઓ થકી છેવાડાના ગામડાઓની શાળાઓના વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભા બહાર આવે છે અને ભવિષ્યના ખેલાડીઓના વિકાસ માટે માર્ગ મોકળો બને છે.
સરકારના રમતગમતના પ્રયત્નોની ફળશ્રુતિ રૂપે વૂશુ સ્પર્ધામાં ગીરનું હીર ઝળક્યું છે. ગીર સોમનાથના નાના એવા પીપળવા ગામની વિદ્યાર્થિનીઓએ વેરાવળ ખાતે યોજાયેલી વૂશુ ચેમ્પિયનશીપમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી આત્મરક્ષાના પાઠ થકી ‘સશક્ત ગુજરાત’નો સંદેશો આપી વિશ્વ મહિલા દિવસની ઉજવણીને સાર્થક કરી છે.
તાજેતરમાં વેરાવળ ખાતે વૂશુ એસોસિએશન ગીર સોમનાથ દ્વારા ઓપન વૂશુ સૌરાષ્ટ્ર ઝોન ચેમ્પિયનશીપ-૨૦૨૫ યોજાઈ હતી. જેમાં પીપળવા પ્રાથમિક શાળાની ૮ વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો.
વૂશુની સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થિનીઓમાંથી ચાવડા મયૂરીએ સિલ્વર મેડલ અને સીયાબહેને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લા કરાટે એસોસિએશન તરફથી તમામ વિદ્યાર્થિનીઓને સર્ટિફિકેટ અને ટ્રોફી આપીને પ્રોત્સાહિત કરાયાં હતાં.
પીપળવા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓને વૂશુની તાલિમ આપનાર નાથ અંજલિબહેને જણાવ્યું હતું કે, ‘રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ પ્રોજેક્ટ’ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થિનીઓને આત્મરક્ષા અને સ્વબચાવના પાઠ શીખવવામાં આવે છે. આત્મરક્ષાના પાઠ શીખવાના કારણે જ વિદ્યાર્થિનીઓએ વૂશુની રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.
આ તાલિમ અંતર્ગત સ્વરક્ષણની તાલિમ કઈ રીતે મેળવવી? આત્મવિશ્વાસ કઈ રીતે વધારવો? કટોકટીની મુશ્કેલી સામે કઈ રીતે લડવું? એ તમામ પાસાઓ સાથે ‘રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ પ્રોજેક્ટ’ હેઠળ વધુમાં વધુ દીકરીઓ પ્રશિક્ષણ મેળવી સ્વબચાવ માટે સજ્જ થાય એવી અપીલ અંજલિબહેને કરી હતી.
આ સન્માનજનક સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ વૂશુની સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થિનીઓને આચાર્ય શ્રી ગોવિંદભાઈ રામ અને શિક્ષણ સ્ટાફે શુભેચ્છાઓ પાઠવી હતી.
વૂશુ એટલે શું ?
જૂડો અને કરાટેની જેમ વૂશુ એ મિક્સ માર્શલ આર્ટનો એક પ્રકાર છે. ‘વૂ’નો મતલબ માર્શલ અને ‘શૂ’નો મતલબ કલા થાય છે. આ રમતમાં કિક દ્વારા તેમજ મુક્કાથી આક્રમણ કરી શકાય છે, તેમજ પ્રતિદ્વંદ્વિને ઊંચકીને ફેંકી પણ શકાય છે. આ રમતમાં કમરની ચારેબાજુ રક્ષાકવચ અને ઈજા ન પહોંચે તે માટે હેલ્મેટ પહેરવામાં આવે છે. આ રમતમાં આત્મરક્ષણના તમામ દાવ અજમાવવાની છૂટ હોય છે.
વૂશુની રમતમાં કરાટે-જૂડોની વિવિધ શૈલીની કલાત્મકતા સાથે જ ખેલાડીઓના કૌશલ્યનું પ્રદર્શન જોવા મળે છે. આ રમતમાં આક્રમક શૈલી સાથે જ શાંત અને સંયમની શૈલીનું પણ મિશ્રણ જોવા મળે છે.
કોમ્બેટ સ્પોર્ટ્સમાં વૂશુ એ તમામ શૈલીના સમન્વય સાથે સંપૂર્ણ ફાઈટિંગ રમત બને છે. આ રમતમાં બે ખેલાડીઓ એકબીજાને શારીરિક નુકસાન પહોંચાડીને પોઈન્ટ મેળવવાનો પ્રયાસ કરે છે. રમતના અંતે જે ખેલાડી વધુ પોઈન્ટ મેળવવામાં સફળ નીવડે છે, એ ખેલાડીને વિજેતા ઘોષિત કરવામાં આવે છે.
00 000 00 000
આ પ્રકારના તમામ સમાચાર માટેે
