રાજકોટ: જીમ માટે 34.59 લાખના સાધનો ખરીદવા સહિત રૂ.1.14 કરોડના વિકાસ કામોને સ્ટેન્ડિંગની બહાલી - At This Time

રાજકોટ: જીમ માટે 34.59 લાખના સાધનો ખરીદવા સહિત રૂ.1.14 કરોડના વિકાસ કામોને સ્ટેન્ડિંગની બહાલી


કોર્પોરેશનમાં આજે બપોરે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં તમામ 13 દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણીની આચાર સંહિતા ઉઠ્યા બાદ પ્રથમવાર મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વોર્ડ નં.15માં હૈદરી ચોક સ્થિત જીમ માટે રૂ.34.59 લાખના ખર્ચે નવા સાધનો ખરીદવા સહિત રૂ.1.14 કરોડના વિકાસકામોને મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે મહાપાલિકામાં ગત 15મી નવેમ્બરના રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિધાનસભાની ચૂંટણીની આચાર સંહિતા અમલમાં હોવાના કારણે એકપણ દરખાસ્ત અંગે નિર્ણય લઇ શકાયો ન હતો. તમામ દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી હતી. આચાર સંહિતા ઉઠ્યા બાદ આજે પ્રથમવાર મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.1.14 કરોડના વિકાસકામોને બહાલી આપવામાં આવી છે. જેમાં શહેરના વોર્ડ નં.15માં હૈદરી ચોક સ્થિત નવ નિર્મિત જીમ માટે રૂ.34.59 લાખના ખર્ચે સાધનો ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જીમ ઇક્વીપમેન્ટ ખરીદી માટે ચાલુ વર્ષના બજેટમાં રૂ.30 લાખની જ જોગવાઇ કરવામાં આવી હતી. દરમિયાન વોર્ડ નં.15ના કોર્પોરેટર મકબુલભાઇ દાઉદાણીએ જીમના સાધનો માટે પાંચ લાખની પોતાની ગ્રાન્ટ ફાળવવા માટે સહમતી આપી હતી. આમ એક જીમ માટે અલગ-અલગ પ્રકારના 19 સાધનો ખરીદવા માટે ખર્ચ મંજૂર કરવામાં આવ્યું છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે વોર્ડ નં.6માં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેના માટે કોમ્પ્યૂટર અને પ્રિન્ટર સહિતની ચીજવસ્તુઓ ખરીદવા માટે રૂ.15.22 લાખ, આધાર કાર્ડની કામગીરી માટે નવી 14 કીટ વસાવવા માટે રૂ.17.36 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આજે મળેલી સ્ટેન્ડિંગમાં તમામ 13 દરખાસ્તોને બહાલી આપવામાં આવી છે.
હૈદરી ચોક સ્થિત જીમમાં અલગ-અલગ સાધનો ખરીદવા માટે આજે રૂ.34.59 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. દરમિયાન સ્ટેન્ડિંગ પૂર્વે મળેલી ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠકમાં વોર્ડ નં.7ના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય નેહલભાઇ શુક્લએ એવો સવાલ કર્યો હતો કે મહાપાલિકા દ્વારા અલગ-અલગ જીમનું સંચાલન અલગ-અલગ સંસ્થાઓને સોંપી દેવામાં આવ્યું છે. આ સંસ્થાઓ દ્વારા જીમમાં આવતા સભ્યોની ફી વસૂલવામાં આવે છે. ત્યારે જીમના સાધનો ખરીદવાનો ખર્ચો કોર્પોરેશન કેમ ઉઠાવી રહ્યું છે. ખરેખર આ ખર્ચ સંસ્થાએ ભોગવવો જોઇએ. તેઓએ તેવી માંગણી કરી હતી. સાથોસાથ અન્ય એક દરખાસ્તનો પણ વિરોધ કરતા તેઓએ સંકલનમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે જ્યારે એક એજન્સી કે કં5નીને ટેન્ડર આપી દેવામાં આવ્યું હોય ત્યારે તેમાં નવા ટેકનિકલ સભ્યોનો ઉમેરો કરી શકાતો નથી. જો કે આ અંગે ચેરમેને એવો ખૂલાસો કર્યો હતો કે ભૂતકાળનામાં પણ આવા ઠરાવ કરવામાં આવ્યા છે.
આજે સ્ટેન્ડિંગ કમિટી તા.01/07/2022 થી તા.30/09/2022 સુધીના સમયગાળાનો ત્રિ-માસિક ઓડિટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં આરોગ્ય શાખા, બાંધકામ શાખા, સોલીડ મેનેજમેન્ટ શાખા, ડ્રેનેજ શાખા, સાંસ્કૃતિક વિકાસ વિભાગ, વોટર વર્ક્સ શાખા, આવાસ વિભાગ અને દબાણ હટાવ શાખામાં રૂ.7.47 લાખનું ઓવર પેમેન્ટ થયું હોવાનું બહાર આવ્યું છે. જ્યારે 1.77 લાખનું અન્ડર પેમેન્ટ અટકાવવામાં આવ્યું છે. સામાન્ય રીતે 25 વર્ષ કે તેથી વધુની ઉંમરના આશ્રિત બાળકોને એલ.ટી.સી.નો લાભ મળી શકે નહીં છતાં એક કર્મચારીએ આશ્રિત પુત્રીની ટિકિટ ખર્ચ મંજૂરી માટે રજૂ કરી હતી જેનો ખર્ચ અટકાવી દેવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.