રાજકોટ જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને મળે છે હીટવેવથી બચવા યોગ્ય માર્ગદર્શન. - At This Time

રાજકોટ જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને મળે છે હીટવેવથી બચવા યોગ્ય માર્ગદર્શન.


રાજકોટ શહેર તા.૨૪/૪/૨૦૨૫ ના રોજ ઉનાળામાં લૂ લાગવાનાં બનાવો બનતા હોય છે. આપણે લૂ ના પ્રભાવને ઓછું નથી કરી શકતા પણ તકેદારી રાખી તેનાથી બચી શકાય છે. રાજકોટ જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્ર દ્વારા દર્દીઓને લૂ થી બચવા માર્ગદર્શન આપવાની સાથે શાળાઓ તેમજ વિવિધ વિસ્તારો-શેરીઓમાં પોસ્ટર્સ દ્વારા લૂ થી બચવાના ઉપાયોથી લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યાં છે. RBSK મેડિકલ ઓફિસર ડૉ.રાજવી કાનાબારે હિટવેવનાં લક્ષણો, તકેદારીનાં પગલા વગેરે અંગે જાણકારી આપી છે. તેઓ કહે છે કે, બેચેની કે માથામાં દુ:ખાવો થવો, ઉબકા કે ઉલટી થવી, હાથ પગમાં ખાલી ચડવી, ચક્કર આવવા વગેરે લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈ સારવાર લેવી. બાળકો, સગર્ભા મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો તેમજ બીમાર વ્યક્તિઓએ બપોરે ૧૨ વાગ્યાથી ૫ વાગ્યા સુધી શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર નીકળવાનું ટાળવું, તેમજ હીટવેવ અંગે સરકાર દ્વારા અપાતી સુચનાઓનું પાલન કરવું. પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું, લીંબુ શરબત, છાસ, ORS કે વરિયાળી પાણીનું સેવન કરવું હિતાવહ છે. ઉપરાંત બપોરનાં સમયે તરબુચ, ટેટી, દ્રાક્ષ, અનાનસ, કાકડી જેવા ફળો આરોગી શકાય. ઘરની બહાર નીકળવાનું થાય તો આખું શરીર ઢંકાય તેવા વજનમાં હલકા વસ્ત્રો પહેરવા જોઈએ. ઘરને ઠંડુ રાખવા બારી, બારણા અને પડદા બંધ રાખવા જોઈએ. ડૉ.રાજવીબહેને વધુમાં કહ્યું કે, જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્રમાં દરરોજ ૨૦૦ થી વધુ દર્દીઓ નિદાન માટે આવે છે. આ તમામ દર્દીઓને લૂ થી બચવા શું કરવું જોઈએ તેની જાણકારી આપવામાં આવે છે. ઉપરાંત આરોગ્ય કેન્દ્રની ટીમ વિવિધ શાળાઓમાં જઈ બાળકોને પણ હેટવેવ અંગે માર્ગદર્શન આપી હીટવેવ બાબતે તકેદારી માટે શું કરવું જોઈએ તેની જાણકારી આપે છે, વિવિધ વિસ્તારો તથા શેરીઓમાં પોસ્ટર્સ દ્વારા પણ હીટવેવથી બચવા લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. આમ રાજકોટ જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે નાગરિકોને હીટવેવ સામે રક્ષણ મેળવવા માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image