પૂજ્ય સંત શ્રી હરિરામ બાપાની જન્મ શતાબ્દી મહોત્સવ અવસરે દેશભરના જલારામ મંદિરે નવ કલાકની સળંગ ૧૦ વર્ષ સુધી અખંડ રામધુન
શનિવારે જસદણ જલારામ મંદિરથી પ્રારંભ
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
ભૂખ્યાને ભોજન અને રામનામની આહલેક જગાડનારા દિવગંત સંત શ્રી હરિરામ બાપાની જન્મ શતાબ્દી મહોત્સવ અવસરે આગામી તા.૧૨ એપ્રિલ ૨૦૨૫થી તા.૧૦ સપ્ટેમ્બર ૨૦૩૪ સુધી દેશમાં આવેલ તમામ જલારામ મંદિરોમા સમયાંતરે ૧૦૦ અખંડ રામધુન સવારે ૭ થી સાંજના ૭ વાગ્યા સુધી કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. જે ગામો શહેરોમાં રામધુન કરવામાં આવશે ત્યાં સંત શ્રી હરિરામ બાપાનો પરિવાર ખાસ હાજરી આપશે. ૧૦૦ અખંડ રામધુનનો પ્રારંભ હરિરામ બાપાની જન્મભૂમિ જસદણ ખાતેથી આગામી તા.૧૨ ને શનિવારના દિવસથી જસદણમાં આવેલ વિખ્યાત જલારામ મંદિરેથી થશે ત્યારબાદ તા.૧૩ના રોજ આટકોટ વીરબાઈ માતાના મંદિરે, તા.૧૪ના રોજ જશુમાં ના મંદિરે કોટડાપીઠા, તા.૧૫ના રોજ જલારામ મંદિર બાબરા ખાતે ૧૨ કલાકની સળંગ રામધુનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. અન્ય ગામો શહેરોની રામધુનનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. આ ચારેય ગામોની રામધુન માટે ભાવિકજનોને પ્રસાદ સહિતના અનન્ય કાર્યક્રમોનું જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે થોડાં વર્ષો પહેલાં દેહવિલય પામેલા પૂજ્ય સંત શ્રી હરિરામ બાપાએ જીવનના અંત સુધી ભોજન સાથે રામનામની આહલેક જગાડી હતી. આજે પણ જસદણ નાગપુર, આટકોટ, અમદાવાદ સહિતના ભારત દેશમાં અનેક સ્થળોએ ગરીબો માટે વિનામૂલ્યે નાતજાતના ભેદભાવ વિના ભોજનાલયો આખો દિવસ ધમધમી રહ્યાં છે. જેમાં હજજારો ગરીબ લોકોના પેટ ભરાય રહ્યાં છે. આનાથી કોઈ મોટો ચમત્કાર નથી. ઉલ્લેખનીય છે કે દિવગંત સંત શ્રી હરિરામ બાપાએ પોતાની હયાતી દરમિયાન એક પણ વ્યક્તિને પોતાના ધર્મ અને સેવક તરીકે કંઠી નથી બાંધી તેમને તો ફ્કત માનવધર્મમાં ભૂખ્યાને ભોજન અને રામનામ બાકી તેમને કોઈ નિસ્બત નહોતી તે કારણોસર આજે દરેક સમાજના લોકો જે આદરભાવથી હરિરામ બાપાને માને છે. તેનો જોટો જડવો મુશ્કેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
