મનીષ સિસોદિયા સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ, ધરપકડની શક્યતા - At This Time

મનીષ સિસોદિયા સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ, ધરપકડની શક્યતા


- સીબીઆઇ બાદ ઇડીની દિલ્હીના ઉપમુખ્યમંત્રી સામે તવાઇ- આસામના મુખ્યમંત્રી-પત્ની દ્વારા સિસોદિયા સામે 100 કરોડનો માનહાનિનો દાવો, હાજર થવા કોર્ટનો આદેશનવી દિલ્હી : દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી રહી છે. સીબીઆઇના દરોડા બાદ હવે ઇડીએ સિસોદિયા સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરી લીધો છે. જેને પગલે હવે ગમે ત્યારે આ મામલે ઇડી દ્વારા મનિષ સિસોદિયાની ધરપકડ પણ કરવામાં આવી શકે છે. જેથી દિલ્હીની કેજરીવાલ સરકાર અને કેન્દ્ર સરકાર બન્ને વચ્ચે વિવાદ વધવાની પણ શક્યતાઓ છે. ઇડીએ હાલ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે. તપાસ દરમિયાન ઇડી એ વિશ્લેષણ કરશે કે આ સમગ્ર મામલામાં આરોપીઓ દ્વારા કોઇ બેનામી સંપત્તિ એકઠી કરવામાં આવી હતી કે પૈસા મેળવવામાં આવ્યા હતા કે કેમ. ઇડી પાસે આવી સંપત્તિઓને જપ્ત કરવાની અને આરોપીઓની ધરપકડ કરવાની સત્તા હોવાથી મનિષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી શકે છે. આ પહેલા સીબીઆઇએ ૧૭મી તારીખે દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા સહિત કુલ ૧૫ લોકોની સામે ફરિયાદ દાખલ કરી હતી. હાલ ઇડી અને સીબીઆઇ બન્ને આ મામલાની તપાસ કરી રહ્યા છે. એક તરફ દિલ્હીમાં મનિષ સિસોદિયાની સામે કેસો ચાલી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે હવે આસામમાં પણ તેમની સામે માનહાનિનો કેસ ચલાવવામાં આવી શકે છે. આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્મા અને તેમના પત્ની રિંકી દ્વારા મનિષ સિસોદિયાની સામે ૧૦૦ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે હાલ કોર્ટ દ્વારા મનિષ સિસોદિયાને હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. આગામી ૨૯મી સપ્ટેમ્બરના રોજ મનિષ સિસોદિયાએ ગુવાહાટીની કોર્ટમાં હાજર થવાનું રહેશે. મનિષ સિસોદિયાએ એક કોન્ફરન્સ દરમિયાન આરોપ લગાવ્યો હતો કે કોરોના મહામારી સમયે આસામ સરકારે મુખ્યમંત્રીના પત્ની રિંકી શર્મા અને પુત્રને પીપીઇ કિટ બજારની કિંમત કરતા વધુ ભાવે પુરી પાડવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જોકે આ આરોપોને મુખ્યમંત્રી અને તેમના પત્ની દ્વારા નકારવામાં આવ્યા છે. હવે આ મામલે ગુવાહાટીની કોર્ટમાં મનિષ સિસોદિયાની સામે ૧૦૦ કરોડનો માનહાનિનો કેસ ચલાવવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.