મૃદુહદય નો મેળવડો શિશુવિહાર ની બુધસભા ની ૨૨૮૧ મી બેઠક યોજાઇ
મૃદુહદય નો મેળવડો શિશુવિહાર ની બુધસભા ની ૨૨૮૧ મી બેઠક યોજાઇ
ભાવનગર શિશુવિહાર ની બુધસભાની ૨૨૮૧ મી બેઠક ડૉ. છાયા પારેખના સંચાલનમાં યોજાઈ. પ્રારંભે કાવ્ય પાઠ થયાં બાદ કવિતા આસ્વાદ શ્રેણી અંતર્ગત ગાંધી મહિલા કોલેજના નિવૃત્ત અધ્યાપિકા આદરણીય ડૉ. ઉષાબહેન પાઠકે મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીના બે સોનેટ "ગયાં વર્ષો" અને "રહ્યાં વર્ષો" નો આસ્વાદ કરાવ્યો. છાયા બહેન પારેખે ડૉ. ઉષા બહેન પાઠકનો અધ્યાપક, સાહિત્યકાર, ચિત્રકાર તરીકેનો વિગતે પરિચય આપ્યો હતો. ડૉ. ઉષાબહેન પાઠકે કાવ્ય આસ્વાદ કરાવતા કવિશ્રી ઉમાશંકર જોશીની કવિ તરીકેની વિશેષતાઓ, તેમના સાહિત્ય પર મહાકવિ કાલિદાસ, કવિવર રવીન્દ્રનાથ ટાગોર અને અખાની અસર વિશે પૂર્વભૂમિકા સ્વરૂપે વાત કર્યા બાદ કવિના બંને સોનેટમાં વ્યક્ત થતા જીવન વિશેના ચિંતનની વિષદ છણાવટ કરી હતી. પોતાની 40 વર્ષની વયે જન્મદિને લખેલા આ બંને સોનેટ કવિની જીવન પ્રત્યેની શ્રદ્ધા, આશાવાદી અભિગમ, મનુષ્યત્વની ઉપાસના અને પ્રકૃત્તિ તથા સૃષ્ટિ પ્રત્યેનો સૌંદર્યલક્ષી દૃષ્ટિકોણ રજૂ કરે છે એ બાબતને ઉષા બહેને અનેક સંદર્ભો સાથે રજૂ કરી એક અધ્યાપકના અધ્યયન સાથે આસ્વાદ કરાવ્યો હતો. ઉપસ્થિત સૌ માટે બુધસભા આનંદપૂર્ણ બની રહી.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.