Lost phone? A billion people will find!
તમારો ફોન ક્યારેક ને ક્યારેક ખોવાયો જ હશે. ઘરમાં જ ઓશિકા નીચે, બેકપેકમાં બીજી ચીજવસ્તુની નીચે, ઘર/ઓફિસના પાર્કિંગમાં મૂકેલા સ્કૂટર/કારમાં... ફોન પોતાની જ કોઈ જગ્યાએ આડે હાથે મૂકાઈ ગયો હોય તોય આપણે હાંફળાફાંફળા થઈ જઈએ છીએ. એમાં જો રીક્ષામાં, બસમાં, આઇપીએલની મેચમાં કે કોઈ રેસ્ટોરાંમાં ફોન રહી ગયો હોવાનું ધ્યાનમાં આવે તો? આજકાલ ફોન કરતાંય તેમાંનો ડેટા વધુ કિંમતી હોય છે.
હવે વિચાર કરો કે આપણો ખોવાયેલો ફોન શોધવાના કામમાં એકાદ અબજ જેટલા લોકો મદદ કરે તો? ગૂગલે ગયા અઠવાડિયે આવું નેટવર્ક લોન્ચ કર્યું. એપલે પાંચેક વર્ષ પહેલાં જે કર્યું હતું (https://support.apple.com/en-in/find-my) તે ગૂગલે હવે કર્યું છે. ગૂગલ, આપણી ફોન મેન્યુફેક્ચરિંગ કંપની કે અન્ય થર્ડ પાર્ટી એપ્સ આ રીતે ખોવાયેલું ડિવાઇસ શોધવાની સગવડ આપતી હતી, પણ ગૂગલના નવા નેટવર્કમાં ઘણી નવી વાત છે. આવો જાણીએ!
તમે કદાચ જાણતા જ હશો કે આપણો એન્ડ્રોઇડ સ્માર્ટફોન ખોવાય તો અન્ય કોઈ પીસી/ફોનમાં બ્રાઉઝરમાં ‘Find my device’ સર્ચ કરીએ કે સીધા https://support.apple.com/en-in/find-my પેજ પહોંચીને તેમાં, ખોવાયેલા સ્માર્ટફોનમાંના ગૂગલ એકાઉન્ટથી લોગ-ઇન થઈએ તો એ ક્ષણે આપણો ફોન ક્યાં છે તે શોધી શકાય છે. શરત એટલી કે ફોન હજી ઓન હોવો જોઈએ, પૂરતી બેટરી હોવી જોઈએ, તેમાં ઇન્ટરનેટ કનેક્શન પણ ઓન હોવું જોઈએ, ફોન કોઈના હાથમાં આવ્યો હોય તો તેણે તેમાંથી સિમ કાર્ડ કાઢી નાખ્યું ન હોવું જોઈએ... શરતોનું લિસ્ટ લાંબું હતું.
હવે ગૂગલે આ જ સર્વિસ નવેસરથી લોન્ચ કરી છે. તેમાં ત્રણ શબ્દો સૌથી વધુ મહત્ત્વના છે - નેટવર્ક, ઓફલાઇન અને મલ્ટિપલ થિંગ્સ!
અત્યાર સુધી આપણો ખોવાયેલો કે ચોરાયેલો ફોન ઓનલાઇન હોય તો જ, દૂરબેઠાં તેમાં કંઈક કરી શકાતું હતું. ઉપરાંત, જે કંઈ થતું તેમાં ફક્ત આપણા ફોનની જ ભૂમિકા રહેતી હતી. હવે આખી દુનિયામાં જેટલાં એન્ડ્રોઇડ ડિવાઇસ છે એ બધાં ફોનની શોધખોળમાં કામે લાગી શકે છે! ક્રાઉડસોર્સ્ડ ડેટા આધારિત આ નેટવર્કનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણું ખોવાયેલું ડિવાઇસ શોધવા માટે તેમાં ઇન્ટરનેટ કનેક્શન ઓન હોવું જરૂરી નથી. પિક્સેલ ૮ અને ૮ પ્રો ફોનના કિસ્સામાં બેટરી પૂરી થઈ ગઈ હોય, ફોન ઓફ હોય તો પણ તેને શોધી શકાશે!
અત્યારે ફક્ત અમેરિકા અને કેનેડામાં આ નેટવર્ક લોન્ચ થયું છે (જ્યાં મોટા ભાગના લોકો એપલ ડિવાઇસિસ વાપરે છે!). ભારત સહિત દુનિયાના બાકીના ભાગોમાં આગામી મહિનાઓમાં આ નેટવર્ક લોન્ચ થઈ જવાની શક્યતા છે.
આપણે ફોન ખોવાય તે પહેલાં આ નેટવર્કમાં જોડાવાની નીચે મુજબ સંમતિ આપવી પડશે (એ માટે ગૂગલ એકાઉન્ટમાં ઇમેઇલ અને ફોન પર સૂચનાનો પ્રોમ્પટ આવશે). આપણે ઇચ્છીએ તો પોતાના ફોનને નેટવર્કથી અલગ રાખી શકીએ છીએ. એટલું જ નહીં, નેટવર્કમાં જોડાયા વિના, જૂની પદ્ધતિથી પણ ફોન શોધી શકીએ છીએ, એ ઓફલાઇન થયો હોય તો, જ્યારે તે ઓનલાઇન હતો ત્યારનું છેલ્લું લોકેશન જોઈ શકાશે.
આપણે ફક્ત હાઇ-ટ્રાફિકવાળા એરિયામાં હોઈએ જેમ કે એરપોર્ટ, મોલ વગેરે જગ્યાઓમાં ફક્ત ત્યારે જ આ નેટવર્કમાં જોડાઈએ એવું પણ થઈ શકે છે.
આખી દુનિયાના જેટલા લોકો આ નેટવર્કમાં જોડાશે એ બધા બ્લુટૂથથી આસપાસના અન્ય એન્ડ્રોઇડ ડિવાઇસનું લોકેશન જાણતા રહેશે - છતાં આપણું લોકેશન ખાનગી જ રહેશે. આવી પ્રાઇવસી અને સિક્યોરિટી જાળવવી એ જ ગૂગલ માટે સૌથી મોટી ચેલેન્જ હતી. ફોન ખોવાય ત્યારે આપણે અન્ય ડિવાઇસમાં એપમાં કે બ્રાઉઝરમાં ફાઇન્ડ માય ડિવાઇસ નેટવર્ક પર જશું એટલે આપણો ફોન જ્યાં પડ્યો હશે, તેની આસપાસના અન્ય એન્ડ્રોઇડ ડિવાઇસની મદદથી આપણે મેપ પર ફોનનું લોકેશન જાણી શકીશું.
ઉપરાંત, એપલની જેમ અન્ય કંપનીઓએ ગૂગલના ફાઇન્ડ માય ડિવાઇસ નેટવર્ક સાથે કનેક્ટ થઈ શકે તેવા બ્લુટૂથ-ઇનેબલ્ડ ટેગ્સ ડેવલપ કર્યા છે. ફોન કે ટેબલેટ ઉપરાંત ઘર-કારની ચાવી, પર્સ, હેડફોન, ઇયરબડ્સનું કેસ, ટ્રાવેલ લગેજ વગેરે ચીજવસ્તુઓ સાથે માંડ બટન જેવડું ટ્રેકર ટેગ લગાવીને તેને નેટવર્કની મદદથી શોધી શકાશે.
સલામતી માટે એ પણ કાળજી લેવામાં આવી છે કે કોઈ અજાણી વ્યક્તિ આપણી જાણ બહાર આ રીતે ટ્રેકરની મદદથી આપણી ચીજવસ્તુઓનું ટ્રેકિંગ કરે તો સિસ્ટમ તેને પારખી લેશે અને આપણને તેના એલર્ટ પણ મળશે. ગૂગલે એપલ કંપનીના સાથમાં આ માટેના સ્ટાન્ડર્ડ વિકસાવ્યા છે.
આ સિસ્ટમને ગૂગલની હોમ આસિસ્ટન્ટ સર્વિસ સાથે પણ સાંકળી લેવામાં આવી છે. એટલે કે કોઈ વસ્તુ ઘરમાં જ ક્યાં પડી હોય, પણ આપણને શોધી જડતી ન હોય તો તેને વોઇસ કમાન્ડથી શોધી શકાશે.
મતલબ કે હવે ફોન કે ટેબલેટ ઉપરાંત ઘરની ચાવી, પાલતુ કૂતરાનો બેલ્ટ, પોતાનું પર્સ, મહત્ત્વની ફાઇલ, ટ્રાવેલ બેગ વગેરે કોઈ પણ ચીજવસ્તુ પર આવો ટેગ ચીપકાવ્યો હશે તો તેનું લોકેશન પણ આપણે મેપ પર ટ્રેક કરી શકીશું - એકાદ અબજ લોકોની મદદથી, પૂરતી સલામતી સાથે!
તમારો ફોન ખોવાય તે પહેલાં, ફોનનાં સેટિંગ્સમાં ‘Find my device’ સર્ચ કરો. ગૂગલ તથા કદાચ ફોનની કંપની તરફથી પણ આવી સર્વિસ મળતી હોવાથી થોડી ગૂંચવણ થશે, પણ ઇચ્છો તો બંનેમાં તેને ઓન કરી શકાય.
એ પછી, કુદરત ન કરે, પણ ફોન ચોરાય કે ખોવાય તો તમે વેબમાં, કે પછી અન્ય ડિવાઇસમાં ડાઉનલોડ કરેલી (Google Find My Device Google LLC) ઓપન કરો, તેમાં ફોનમાં જે ગૂગલ એકાઉન્ટથી લોગ્ડ ઇન હો તેનાથી લોગ-ઇન થાઓ.
જો ફોન હજી ઓન હશે, તેમાં સિમ કાર્ડ હશે, લોકેશન શેરિંગ ઓન હશે, ઇન્ટરનેટ કનેક્શન પણ ઓન હશે... તો મેપ પણ જોઈ શકાશે કે ફોન ક્યાં પડ્યો છે! એ ઉપરાંત, ફોન સાયલન્ટ મોડ પર હોય તો પણ ફુલ વોલ્યુમમાં રિંગ વગાડી શકાશે અને તમે ઇચ્છો તો દૂર બેઠાં ફોન લોક કરી શકશો કે ફોનમાંનો તમામ ડેટા ભૂંસી પણ શકશો.
અલબત્ત, આમાં શરતો ઘણી છે, જેનો ઉપાય નવું નેટવર્ક આપે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.