ચુડા તાલુકાના ચોકડી ગામના ખેડૂતોએ જંતુનાશક દવાઓને મારી "ચોકડી"× - At This Time

ચુડા તાલુકાના ચોકડી ગામના ખેડૂતોએ જંતુનાશક દવાઓને મારી “ચોકડી”×


માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર:
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચોકડી ગામ ખાતે આત્મા પ્રોજેક્ટ, સુરેન્દ્રનગર અને ગ્રીન કમાન્ડો ગ્રુપ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે જિલ્લા અંદર પ્રેરણા પ્રવાસ કાર્યક્રમનું આયોજન આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર, શ્રી બી. એ. પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જે ખેડૂત ભાઈઓ શાકભાજીનું વાવેતર કરે છે તેવા અંદાજે ૧૦૦ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની ઘનિષ્ઠ જાણકારી આપવામાં આવી હતી.
આ તકે ગ્રીન કમાન્ડો ગ્રુપના ફાઉન્ડર વિષ્ણુભાઈ(USA) એ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિમાં રોગ જીવાતના નિયંત્રણ માટે રાસાયણિક દવાઓનો ઉપયોગ કરવાનો નથી થતો અને જે પ્રાકૃતિક ઘટકોનો ઉપયોગ કરવાના થાય છે એ સહજ રીતે ખેડૂતો નહિવત ખર્ચે બનાવી શકે છે. ખેડૂતો ભેગા થઈ ગ્રીન કમાન્ડો ટીમની જેમ સામૂહિક રીતે પ્રાકૃતિક ખેતી કરે તો, પ્રાકૃતિક ખેતીમાં વાપરવામાં આવતા અગ્નિસ્ત્ર, દશપર્ણી અર્ક વગેરે ઓછી મહેનતે સારી ગુણવત્તાવાળા અને ખૂબ ઓછા ખર્ચે ઇનપુટ તૈયાર કરી શકાય છે. વધુમાં તેઓએ ખેડૂતોને માર્ગદશિત કરતાં કહ્યું હતું કે, જે ખેડૂતો દશપર્ણી અર્ક જેવી સાધન સામગ્રીનો ઉપયોગ કરે છે, તે દરેક વિવિધ વનસ્પતિઓના પાન(રો મટીરિયલ) સ્વૈચ્છિક રીતે ભેગા કરે તો ખેડૂતો મોટા જથ્થામાં અને ઓછી મહેનતે બીજા ખેડૂતોને પણ મદદરૂપ થઈ શકે છે.
આ કાર્યક્રમમાં અમદાવાદની ગ્રીન કમાન્ડો ટીમ દ્વારા બનાવવામાં આવેલ દશપર્ણી અર્ક શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોને આપવામાં આવ્યો હતો.
અનુબંધ સંસ્થાના નિરૂપાબેન દ્વારા આગામી સમયમાં આયોજનબદ્ધ રીતે ગામમાં વિવિધ પ્રાકૃતિક સંસાધનો ઉપલબ્ધ થાય તે માટે ૧૫ જેટલા સ્વયંસેવક નિમ્યા હતા. તેમજ ઉપસ્થિત સર્વે ખેડૂત મિત્રોએ હવેથી ચુડાનાં ચોકડી ગામમાં કોઈપણ શાકભાજીમાં જંતુનાશકોનો પ્રયોગ કરીશું નહીં અને આ અંગે સામુહિક રીતે કામગીરી કરીને ગામને અને તાલુકાને નવી દિશા આપવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં ચુડા અને લીંબડી તાલુકાના આત્મા વિભાગના સ્ટાફ દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image