નળ, ગટર, લાઇટ સહિતની સુવિધાઓ સામે 28 હજારથી વધુ ફરિયાદનો ઢગલો - At This Time

નળ, ગટર, લાઇટ સહિતની સુવિધાઓ સામે 28 હજારથી વધુ ફરિયાદનો ઢગલો


રાજકોટ મહાપાલિકા દ્વારા લોકોને પૂરી પાડવામાં આવતી પ્રાથમિક સુવિધાઓ સામે અસંતોષની ફરિયાદ ઘટવાનું નામ લેતી નથી અને છેલ્લા એક મહિનામાં ફરી 28 હજારથી વધુ ફરિયાદો શહેરના નાગરિકોએ નોંધાવી છે. જેમાં દર મહિનાની જેમ આ મહિને પણ ચોમાસુ પુરૂ થઇ જવા છતાં ભૂગર્ભ ગટરને લગતી 16 હજારથી વધુ ફરિયાદ આવી છે. તો સફાઇને લગતી સાડા ત્રણ હજાર, રોશની વિભાગની ત્રણ હજારથી વધુ અને પાણી પુરવઠાને લગતી 2100થી વધુ રાવ કોલ સેન્ટરમાં નોંધાઇ છે.
મહાપાલિકાના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ શહેરના જુના વિસ્તારો, ન્યુ રાજકોટ અને છેલ્લા સમયમાં ભળેલા નવા ગામો સહિતના વિસ્તારોમાંથી પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદો આવતી રહી છે. ચાલુ મહિનામાં તા.7-10થી 7-11 દરમ્યાન ભૂગર્ભ ગટર ઓવરફલો થવાની અને જામ થવાની 15488 ફરિયાદ આવી છે. તેમાંથી લગભગ બધી ફરિયાદનો નિકાલ પણ થઇ ગયો છે. ડ્રેનેજ મેન્ટેનન્સ એટલે કે રીપેરીંગને લગતી 1006 ફરિયાદ લોકોએ નોંધાવી હતી. બીજા ક્રમે રાબેતા મુજબ સફાઇ તંત્રને લગતી ફરિયાદોનો જ ઢગલો થયો છે. સફાઇના ધાંધીયાની 3673 ફરિયાદ નાગરિકોએ કરી હતી. જેમાં કચરો નહીં ભરી જવાની 653, સફાઇ નહીં થયાની 1255, કામદારો કામ નહીં કરતા હોવાની 3પ6, ટીપરવાન ન આવવાની 648, ખુલ્લા પ્લોટમાં ગંદકીની 116 ફરિયાદો નોંધાઇ છે.
પર્યાવરણને નુકસાનથી માંડી ડીમોલીશન વેસ્ટના કલેકશન, ડસ્ટબીન ન ઉપડવા, જાહેર શૌચાલયો અને લંચ વેસ્ટ ફેંકવાની ફરિયાદો સામેલ છે. રોશની વિભાગ હેઠળની સ્ટ્રીટ લાઇટની સુવિધામાં ધાંધીયાની પણ 3103 ફરિયાદ આ સમયગાળા દરમ્યાન નોંધાઇ છે. તેમાં પૂરા વિસ્તારની એલઇડી બંધ રહેવાની 1101, લાઇટ ચાલુ ન થવાની 1918, નુકસાનની 34, દિવસે પણ લાઇટ ચાલુ રહેવાની 34, શોટસર્કિટની 16 ફરિયાદ આવી હતી. પાણી પુરવઠા વિભાગની નોંધાયેલી 2177 ફરિયાદમાં પાઇપલાઇન લીકેજમાં 621, પાણી ન મળવાની 596, ધીમા દબાણની 433, દુષિત પાણીની 302, લાંબો સમય વાલ્વ ખુલ્લો રહેવાની 72, વાલ્વ ચેમ્બરને નુકસાનની 55, ઓછું પાણી મળવાની 50 ફરિયાદો નોંધાઇ હતી. ડાયરેકટ પમ્પીંગની 37 અને ભૂતિયા કનેકશનની 11 ફરિયાદો આવી હતી.
આ ઉપરાંત બાંધકામ શાખાની 806, સીટી બસની 278, મૃત પશુ ઉપાડવાની 427, દબાણ હટાવની 333, ગાર્ડન શાખાની 225, ઓનલાઇન પેમેન્ટની 34, વોંકળાની 70, ટાઉન પ્લાનીંગ શાખાની 143, અર્બન મેલેરીયાની 98 ફરિયાદ આવી હતી.ટીપી શાખામાં જે મુખ્ય ફરિયાદ નોંધાઇ તેમાં સૂચિત બાંધકામની આઠ, શેરીમાં બાંધકામની 15, કોર્પો.ના પ્લોટમાં દબાણની 6, ગેરકાયદે કનેકશનની 78, પાર્કિંગમાં ઉપયોગની પાંચ, હેતુફેરની આઠ ફરિયાદો સામેલ છે. એકંદરે નોંધાયેલી કુલ 28163 ફરિયાદમાંથી 25704 ફરિયાદ ઉકેલાઇ ગયાનું તંત્રએ નોંધ્યું છે. 1698 ફરિયાદ પેન્ડીંગ દેખાડે છે. એકંદરે જુદા જુદા વિસ્તારમાંથી ફરિયાદોનો આંકડો યથાવત રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.