લોન પર લીધેલ કિયા સોનેટ કારની બોગસ એનઓસી તૈયાર કરી બારોબાર વેંચી નાંખી
કાલાવડ રોડ પર રહેતા શખ્સે લોન પર કિયા કાર ખરીદ્યા બાદ કારની લોનના હપ્તા ન ભરી લોન કંપનીનું બોગસ એનઓસી તૈયાર કરી આ કાર અન્ય વ્યક્તિને વેચી દીધી હતી. જે અંગેની જાણ લોન કંપનીને થતા આ મામલે કંપનીના લીગલ ઓફિસર દ્વારા આરોપી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપી સામે છેતરપિંડી, વિશ્વાસઘાત બોગસ દસ્તાવેજ તૈયાર કરવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે અમદાવાદમાં નવા નરોડા વિસ્તારમાં રહેતા ચિરાગકુમાર અશ્વિનભાઈ બારોટ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ચેતન કનકભાઈ પરમાર (રહે. પ્લોટ નંબર 87, ગ્લોરીયસ ગોલ્ડ, કાલાવડ રોડ, રાજકોટ) નું નામ આપ્યું છે. ચિરાગભાઈ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ટાટા કેપિટલ લિ. ની કંપનીમાં લીગલ મેનેજર છે. કંપનીની બ્રાન્ચ ઓફિસ રાજકોટમાં ભક્તિનગર સ્ટેશન પ્લોટ પિનાકોલ બિલ્ડીંગમાં 302 નંબરની ઓફિસમાં આવેલી છે. કંપની જુદા જુદા પ્રકારની લોન આપવાનું કામ કરે છે.
આરોપી ચેતન પરમારે કંપની પાસેથી કિયા મોટર્સ કંપનીની સોનેટ ગાડી નં. જીજે 3 એમઈ 9490 પર રૂ.13,45,035 ની તા. 20/12/2022 ના લોન લીધી હતી. જે લોનની રકમ 60 હપ્તામાં ચૂકવવાની હતી. આરોપીએ 16 હપ્તાની ભરપાઈ કરી હતી. તા. 3/4/2024 સુધી હપ્તા ભર્યા હતા. ત્યારબાદ તેને હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. બાદમાં કંપની તરફથી તેને નોટિસ મોકલવામાં આવી હતી. છતાં તેણે કોઈ જવાબ આપ્યો ન હતો. આરોપી ચેતનને કંપનીને રૂ. 11.57 લાખ ચૂકવવાના બાકી હતા.
દરમિયાન આરોપીએ કાર ઉપર લોન ચાલતી હોવાનું જાણતો હોવા છતાં તેણે લોનની રકમ ભરપાઈ કર્યા વગર લોન કંપનીનું બોગસ એનઓસી તેમજ ફોર્મ નંબર 35 બોગસ તૈયાર કરી આરટીઓમાં રજૂ કરી આરટીઓમાં કાર પરનું કંપનીનું હાઈપોથીકેશન કઢાવી છગનભાઈ નાથાભાઈ મુંધવાને આ કાર બારોબાર વેચી નાખી હતી.
જે અંગેની જાણ કંપનીને થયા બાદ આ મામલે કંપનીના લીગલ ઓફિસર દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ 420, 465, 467, 468, 471 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ બી.આર.સાવલિયા ચલાવી રહ્યા છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
