સ્વાસ્થ્ય ક્ષેત્રે 70 વર્ષમાં જેટલુ કામ નથી થયું તેટલુ અમે સાત વર્ષમાં કર્યું : મોદી - At This Time

સ્વાસ્થ્ય ક્ષેત્રે 70 વર્ષમાં જેટલુ કામ નથી થયું તેટલુ અમે સાત વર્ષમાં કર્યું : મોદી


- મોદીના હસ્તે ભારતની સૌથી મોટી ખાનગી હોસ્પિટલનું ઉદઘાટન થયું- ભારતમાં સારવાર એક સેવા, આરોગ્ય એક દાન છે, આરોગ્ય અને આધ્યાત્મ બન્ને એકબીજા સાથે જોડાયેલા : પીએમ નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની સૌથી મોટી ખાનગી હોસ્પિટલનું હરિયાણાના ફરિદાબાદમાં ઉદઘાટન કર્યું હતું. આ દરમિયાન તેઓએ સ્વાસ્થ્ય ક્ષેત્રે ભારતની કામગીરીના વખાણ કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે આજે હોમી ભાભા કેંસર એન્ડ રિસર્ચ સેંટર તરીકે દેશને એક અત્યંત આધુનિક હોસ્પિટલ મળી રહી છે. જેમાં ટાટા મેમોરિયલ સેંટરે મહત્વની ભૂમિકા નિભાવી છે. મોદીએ દાવો કર્યો હતો કે ભારતમાં છેલ્લા ૭૦ વર્ષમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે કામ નથી થયું તેના કરતા વધારે કામ છેલ્લા સાત વર્ષમાં કરવામાં આવ્યું છે. હરિયાણાના ફરિદાબાદમાં ૨૬૦૦ બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું મોદીએ ઉદઘાટન કર્યું હતું. ૧૩૩ એકડમાં ફેલાયેલી આ હોસ્પિટલમાં કેંસર સહિતની બીમારીઓની સારવાર આપવામાં આવશે. જેનો લાભ દિલ્હી, પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યોના લોકો લઇ શકશે. હોસ્પિટલમાં ઓન્કોલોજી, કાર્ડિયો સાયન્સ, ગેસ્ટ્રો સાયન્સ, રીનલ સાયન્સ, ન્યૂરો સાયંસ, સ્ટ્રોક, ટ્રાન્સપ્લાન્ટ, બાળકો મહિલાઓની બિમારીઓ માટેના વિભાગ તૈયાર કરવામાં આવ્યા છે. આ હોસ્પિટલમાં આઇસીયુની સુવિધા વાળા ૫૦૦ બેડ પણ તૈયાર કરવામાં આવ્યા છે.  મોદીએ આ દરમિયાન કહ્યું હતું કે ભારત એક એવો દેશ છે કે જ્યાં સારવાર એક સેવા છે તો આરોગ્ય એક દાન છે. ભારતમાં આરોગ્ય અને આધ્યાત્મ બન્ને એકબીજાની સાથે જોડાયેલા છે. ભારતમાં આયુર્વિજ્ઞાાન એક વેદ છે. અમે આપણા મેડિકલ સાયન્સને પણ આયુર્વેદનું નામ આપ્યું છે. આ ઉદઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત, મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, કેન્દ્રીય મંત્રી તેમજ ફરીદાબાદના સાંસદ કૃષ્ણપાલ, અમ્માના નામે પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુમાતા અમૃતાનંદયમી સહિતના ધર્મગુરુઓ પણ હાજર રહ્યા હતા.  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.