અમરેલી જિલ્લામાં બાકી બાળકોને રસીકરણ અભિયાનમાં આવરી લેવાશે - At This Time

અમરેલી જિલ્લામાં બાકી બાળકોને રસીકરણ અભિયાનમાં આવરી લેવાશે


અમરેલી જિલ્લામાં બાકી બાળકોને રસીકરણ અભિયાનમાં આવરી લેવાશે

અમરેલી જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાની ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લા આરોગ્ય શાખાની વિવિધ સમિતિઓની બેઠક યોજાઇ હતી. તેમાં બાળકોને રસીકરણ અભિયાન હેઠળ આવરી લેવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.

અમરેલી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિ, જિલ્લા ટાસ્ક ફોર્સ ઇમ્યુનાઇઝેશન (રસીકરણ) અને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ હેઠળ જિલ્લા કક્ષાની તમાકુ નિયંત્રણ સ્ટીયરીંગ સમિતિની બેઠક યોજાઇ હતી.

એપ્રિલ-૨૦૨૩ થી માર્ચ-૨૦૨૪ દરમિયાન તેમજ એપ્રિલ-૨૦૨૪થી મે-૨૦૨૪ની આજદિન સુધી કરવામાં આવેલ રસીકરણની કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી હતી. રસી મેળવવાના બાકી હોય તેવા બાળકોના રસીકરણની કામગીરી પૂર્ણ કરવા, ફિલ્ડ પરના સર્વે વધારવા, રસીકરણને લગતી કામગીરી ઘનિષ્ઠ રીતે કરવા, જન્મ તારીખ અનુસાર રસી બાકી હોય તેવા અને રસી મેળવી લીધી હોય તેવા બાળકોની યાદી મુજબ તે વિગતોને ધ્યાને લઇ ઘટતું થઇ શકે તો જોવા અમરેલી જિલ્લા કલેકટરશ્રીએ સૂચના આપી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ, આગામી સમયમાં બાળવાટિકા, આંગણવાડી અને શાળાઓમાં હાથ ધરવામાં આવનાર સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ વિશેની વિગતો જણાવી હતી.

ભારત સરકારની સૂચનાઓ અનુસાર કાર્યવાહી હાથ ધરી તે અંગેની ડેટા એન્ટ્રીની કામગીરી કરવામાં આવશે. આરોગ્ય શાખાની આ કામગીરીને લગતા કર્મચારીઓને તાલમી આપવા આયોજન, ફિલ્ડ પર જતાં કર્મચારીઓ દ્વારા રજિસ્ટર નિભાવણી, એકપણ રસી ન મળી હોય તેવા બાળકોને આવરી લઇ રસીકરણની બાકી કામગીરી કરવામાં આવશે. રસીકરણની કામગીરી સઘન રીતે થઇ શકે તે માટે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવશે. જરુર લાગશે ત્યારે નોડલ અધિકારીશ્રીની નિમણુક કરવામાં આવશે.

જિલ્લામાં હિટવેવ રક્ષણ સામેના પગલાઓ ભરવા, પાણીનું ક્લોરિનેશન અને સુપર ક્લોરિનેશન કરવું. મુસાફરોને બસમાં સુવિધા મળી રહે તે માટે એસટી બસમાં ઓઆરએસના પેકેટસ ઉપલબ્ધ કરવા, ઓઆરએસના પેકેટસનું વધુ માત્રામાં વિતરણ કરવું. પાણીની પાઇપલાઇન લિકેજ હોય તેના રિપેરિંગની કામગીરી પૂર્ણ કરવી. મચ્છરજન્ય રોગો ન થાય તે માટે લેવાની કાળજીઓ માટે કામગીરી હાથ ધરવી. જીવજંતુઓ કરડે તેવા કિસ્સાઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર માટેની કિટ અને વાહનો-ડ્રાઇવર અને ડિઝલના પૂરતા જથ્થા સાથેની તૈયારી પૂર્ણ કરવી. પોરાનાશક કામગીરી અંતર્ગત હાથ ધરવાની કામગીરી બાબતે આયોજન અને જરુરી વ્યવસ્થાઓ કરવા અંગેની વિગતો આરોગ્ય અધિકારીશ્રી જોષીએ જણાવી હતી.

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અન્વયે કરવાની થતી કામગીરીઓને મુદ્દાવાર અને કચેરીઓને સોંપવામાં આવેલી ફરજ અંતર્ગત કરવાની થતી કામગીરી માટેની વિગતો રજૂ કરવા જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યુ હતુ. સગીર વયનાઓને તમાકુ વેચી શકાતુ નથી, શાળાઓના ૧૦૦ મીટરના આસપાસના વિસ્તારોમાં તમાકુ કે તમાકુને લગતી ચીજવસ્તુઓનું વેચાણ ન થાય તે માટે કરવાની થતી કાર્યવાહી હાથ ધરવા જણાવવામાં આવ્યું હતું.

બેઠકમાં નાયબ પોલીસ અધિકારીશ્રી રાઠોડ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ગોહિલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મિયાણી, આરોગ્ય શાખાના અધિકારી-કર્મચારીશ્રીઓ અને નગરપાલિકાઓના ચીફ ઓફિસરશ્રીઓ અને સમિતિના સભ્યશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.