સીબીઆઈના દરોડા પછી હવે 4 દિવસમાં મારી ધરપકડ કરાશે : સિસોદિયાનો દાવો - At This Time

સીબીઆઈના દરોડા પછી હવે 4 દિવસમાં મારી ધરપકડ કરાશે : સિસોદિયાનો દાવો


- કેજરીવાલ સરકારની નવી એક્સાઈઝ પોલિસીમાં મોટાપાયે ભ્રષ્ટાચારની આશંકા- સીબીઆઈએ દિલ્હીમાં મનિષ સિસોદિયાના ઘર સહિત વિવિધ રાજ્યોમાં 31 સ્થળો પર દરોડામાં ફોન-લેપટોપ, દસ્તાવેજો જપ્ત કર્યા- 2024ની ચૂંટણી કેજરીવાલ વિ. મોદી વચ્ચે : સિસોદિયા- એફઆઈઆરમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી સિસોદિયાને આરોપી નં.-1 બનાવાયા, અન્ય 15 સામે પણ ફરિયાદનવી દિલ્હી : દિલ્હી સરકારની નવી એક્સાઈઝ પોલિસીમાં વ્યાપક ભ્રષ્ટાચારના આરોપોના પગલે સીબીઆઈએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના પરિસરો પર દરોડા પાડયા હતા અને આ કેસમાં પૂછપરછ શરૂ કરી છે. આવા સમયે સીબીઆઈ દરોડાના બીજા દિવસે શનિવારે મનિષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે દેશમાં આપના કન્વિનર અરવિંદ કેજરીવાલની વધતી લોકપ્રિયતાથી અકળાયેલી કેન્દ્ર સરકારના આદેશથી આગામી બે-ચાર દિવસમાં સીબીઆઈ, ઈડી મારી ધરપકડ કરી શકે છે.સીબીઆઈના દરોડાના બીજા દિવસે આપ નેતા મનિષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે, આગામી ત્રણથી ચાર દિવસમાં સીબીઆઈ, ઈડી તેમની ધરપકડ કરશે. સિસોદિયાએ કહ્યું કે, કાલે સીબીઆઈના અધિકારીઓ મારા ઘરે આવ્યા. સચિવાલયમાં પણ દરોડા પાડયા. બધા અધિકારીઓએ સારું વર્તન કર્યું. તેમને ઉપરથી ઓર્ડર છે. ઘરમાં તપાસ કરી. બધા સારા લોકો છે. જે એક્સાઈઝ પોલિસી અંગે વિવાદ ઊભો કરાઈ રહ્યો છે, તે ખૂબ જ પ્રમાણિક્તાથી તૈયાર કરાઈ છે. એલજીએ ૪૮ કલાક પહેલા પોલિસી બદલી ન હોત તો સરકારને ૧૦ હજાર કરોડ રૂપિયાની આવક મળી હોત.તેમણે ઉમેર્યું કે હકીકતમાં આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલને ડરાવવા માટે કેન્દ્ર સરકાર દરેક પ્રકારના ઉપાયો કરી રહી છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી અરવિંદ કેજરીવાલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થવાની છે. ભાજપ કેજરીવાલને રોકવા માગે છે. શિક્ષણ અને સ્વાસ્થ્ય પર તેમના કામની આખી દુનિયામાં ચર્ચા થઈ રહી હોવાથી ભાજપ ગભરાઈ ગયો છે. પંજાબ વિધાનસભાની ચૂંટણી પછી અરવિંદ કેજરીવાલ એક 'રાષ્ટ્રીય વિકલ્પ' તરીકે ઊભરી રહ્યા છે.દરમિયાન સીબીઆઈએ દિલ્હીની નવી એક્સાઈઝ પોલિસીના અમલમાં વ્યાપક ભ્રષ્ટાચારના કેસ સંબંધે કેટલાક આરોપીઓને શનિવારે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા અને તેમની પૂછપરછ શરૂ કરી છે. આ લોકો સિસોદિયાની નજીક હોવાનું મનાય છે. સીબીઆઈ હાલ મનિષ સિસોદિયાના ઘર સહિત ૩૧ સ્થળો પર દરોડા વખતે જપ્ત કરાયેલા દસ્તાવેજોની તપાસ કરી રહી છે. દસ્તાવેજો, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને બેન્ક ટ્રાન્ઝેક્શન્સ તપાસવાની પ્રક્રિયા પૂરી થયા પછી અન્ય આરોપીઓને પણ સમન્સ પાઠવવામાં આવશે.અગાઉ, સીબીઆઈએ દિલ્હી સરકારની નવી એક્સાઈઝ પોલિસીમાં મોટાપેયા ભ્રષ્ટાચારની આશંકાને પગલે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયાનાં ઘર તેમજ દિલ્હી તથા એનસીઆર સહિત વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૩૦  સ્થળો પર શુક્રવારે વહેલી સવારથી દરોડાની કામગીરી શરૂ કરી હતી. દિલ્હી રાજ્યના એક્સાઈઝ કમિશનર સહિતના કેટલાક અધિકારીઓ પણ સીબીઆઈના સાણસામાં આવ્યા છે. સીબીઆઈના દરોડા પછી ઉપરાજ્યપાલે ૧૨ આઈએએસ અધિકારીઓની ટ્રાન્સફર કરી હતી, જેમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વિશેષ સચિવ ઉદિત પ્રકાશ રાયનો સમાવેશ થાય છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ શુક્રવારે વહેલી સવારે જ  સીબીઆઈ તેમના ઘરે આવી છે, તેમનું સ્વાગત છે, અમે કટ્ટર ઈમાનદાર છીએ અને લાખો બાળકોનાં ભવિષ્યનું નિર્માણ કરી રહ્યાં છીએ પરંતુ દેશામાં જે સારું કામ કરે છે તેમને જ આ રીતે સતાવવામાં આવે છે, આથી જ દેશ હજુ સુધી નંબર વન નથી બન્યો  એવી ટ્વિટ કરી પોતે જ સીબીઆઈના દરોડાની માહિતી આપી હતી. સીબીઆઈની ટીમ સિસોદિયાના ઘરેથી ૧૪ કલાક પછી બહાર નીકળી હતી અને તેણે  સિસોદિયાની કારની પણ તલાશી લીધી હતી તથા તેમનાં લેપટોપ, મોબાઈલ ફોન સહિતના ગેજેટ્સ કબજે લીધાં હતાં. દરોડા તથા તપાસની કાર્યવાહી દિવસભર ચાલુ રહી હતી. દિલ્હી અને એનસીઆર ઉપરાંત ગુરુગાંવ, ચંડીગઢ, મુંબઈ, લખનઉ, હૈદરાબાદ, બેંગલુરુ ખાતે પણ સીબીઆઈએ દરોડા પાડયા હતા. દરોડામાં સંખ્યાબંધ વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યાનો દાવો કરાયો છે.સીબીઆઈએ એક્સાઈઝ કૌભાંડમાં એફઆઈઆર દાખલ કરી દીધી છે, જેમાં સિસોદિયાને આરોપી નંબર-૧ તરીકે દર્શાવાયા છે. સીબીઆઈએ એફઆઈઆરમાં આક્ષેપ કર્યો છે કે એક લિકર વિક્રેતાએ સિસોયદિયાના એક સાથીની કંપનીને એક કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. એફઆઈઆરમાં સિસોદિયા સહિત ૧૩ લોકો તથા બે કંપનીઓને આરોપી તરીકે દર્શાવાયા છે.એક્સાઈઝ કૌભાંડ મુદ્દે કેજરીવાલ પર ભાજપનો આક્ષેપસિસોદિયા આરોપી નં.-૧, પરંતુ કેજરીવાલ મુખ્ય કાવતરાંખોર- 'આપ' ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડની વિધાનસભા ચૂંટણીઓમાં ખાતું પણ ખોલાવી શકી નહોતી : ઠાકુરદિલ્હીમાં એક્સાઈઝ નીતિના અમલમાં કથિત કૌભાંડ મુદ્દે સીબીઆઈએ મનિષ સિસોદિયાને આરોપી નં.-૧ બનાવ્યા પછી આપ અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. ભાજપે શનિવારે દાવો કર્યો હતો કે, દિલ્હીની દારૂ નીતિના કેસમાં સીબીઆઈએ ભલે મનિષ સિસોદિયાને આરોપી નં.-૧ બનાવ્યો હોય પરંતુ મુખ્ય કાવતરાંખોર અરવિંદ કેજરીવાલ છે.કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આક્ષેપ કર્યો કે, આ રેવડી (ફ્રીબિઝ - મફત યોજનાઓ) સરકાર છે અને તે બેવડી (શરાબી) સરકાર પણ છે. તેમણે આક્ષેપ કર્યો કે આપ સરકારે શા માટે કેબિનેટ મંજૂરી વિના દારૂની કંપનીઓને રૂ. ૧૪૪ કરોડથી વધુની રકમ પાછી આપી દીધી. આ કેસમાં સિસોદિયા આરોપી નં.-૧ છે, પરંતુ આ કૌભાંડ પાછળ મુખ્ય કાવતરાંખોર અરવિંદ કેજરીવાલ છે. આમ આદમી પાર્ટી (આપ) સીબીઆઈની કાર્યવાહીને રાજકારણ સાથે જોડીને કથિત કૌભાંડના મુદ્દા પરથી લોકોનું ધ્યાન બીજે વાળવાનો પ્રયત્ન કરી રહી છે. કારણ કે આ કૌભાંડથી આપનો વાસ્તવિક ચહેરો ખુલ્લો પડી ગયો છે. તેમણે ઉમેર્યું કે, ભારતીય રાજકારણમાં તેમની લોકપ્રિયતા વધી રહી હોવાના કારણે ભાજપ તેની સામે તપાસ એજન્સીઓનો ઉપયોગ કરી રહી હોવાના દાવાઓ અંગે અનુરાગ ઠાકુરે કહ્યું કે, આપે અનેક ચૂંટણીઓમાં મોટા-મોટા દાવાઓ કર્યા હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે તેઓ ટકી શક્યા નથી. આપ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની વિધાનસભા ચૂંટણીઓમાં તેનું ખાતું પણ ખોલાવી શકી નથી. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં પણ ખૂબ જ સારો દેખાવ કરશે અને ૨૦૧૪ તથા ૨૦૧૯ કરતાં વધુ બેઠકોથી વિજય મેળવશે. લેફ. ગવર્નરે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા હતાસિસોદિયાએ દારૂ વિક્રેતાઓને 144 કરોડથી વધુનો લાભ કરાવ્યાનો આક્ષેપ- સિસોદિયાએ દારૂની નીતિમાં લાયસન્સ ફીને લગતા નિયમો બદલી, ફી ઘટાડી વળતર આપી લ્હાણી કરાવીદિલ્હી સરકારે એક્સાઈઝ પોલિસી જાહેર કરી તે પછી તેમાં મનસ્વી રીતે ફેરફારો કર્યા હતા અને દારૂ વિક્રેતાઓને ફાયદો થાય તેવા નિર્ણયો લીધા હતા. આ નીતિ તા રદ થઈ ચુકી છે પરંતુ તેમાં જે રીતે ગોટાળા થયા તેનાથી નારાજ થઈને ખુદ લેફ્ટનન્ટ ગવર્નરે સીબીઆઈ તપાસના આદેશો આપ્યા હતા. તપાસમાં બહાર આવ્યા મુજબ સિસોદિયાએ ઉપરાજ્યપાલને જાણ કર્યા વિના કે મંજૂરી લીધા વિના જ શરાબ વિક્રેતાઓને ૧૪૪ કરોડની લાયસન્સ ફીની માફી આપી દીધી હતી. વિદેશી દારુના વેચાણની લાયસન્સ ફીની રકમ ઘટાડી વિક્રેતાઓને કરોડોનો ફાયદો કરાવાયો હતો. બિયર માટેની ઇમ્પોર્ટ ફી નાબૂદ કરી દેવાઈ હતી.  એક રાજકીય આક્ષેપ મુજબ લિકર પોલિસીમાં મનઘંડત ફેરફારો કરી આપ સરકારે કરોડોની રકમ જમા કરી હતી અને તેનો ઉપયોગ પંજાબની વિધાનસભા ચૂંટણીમાં થયો હતો.બદનક્ષીના કેસમાં કેજરીવાલ, સિસોદિયા નિર્દોષ છૂટયાદિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે શનિવારે માનહાનીના એક કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા તથા આપના ભૂતપૂર્વ નેતા યોગેન્દ્ર યાદવને છોડી મૂક્યા છે. ન્યાયાધીશ વિધિ ગુપ્તા આનંદે ગુનાઈત બદનક્ષીના કેસમાં ચૂકાદો આપ્યો હતો. કેજરીવાલ, સિસોદિયા, યાદવ સામે માનહાનીનો કેસ દાખલ કરનારા વકીલ સુરેન્દ્ર શર્માએ દાવો કર્યો હતો કે વર્ષ ૨૦૧૩ની વિધાનસભા ચૂંટણીમાં આપના ઉમેદવાર તરીકે અંતિમ સમયે તેમનું નામ રદ કરવામાં આવ્યું હતું. ૨૦૧૩માં દિલ્હી વિધાનસભા ચૂંટણી સમયે ટિકિટ આપવા માટે આપે તેમનો સંપર્ક કર્યો હતો, પરંતુ અંતિમ સમયે ખોટા આક્ષેપો કરીને તેમની ઉમેદવારી રદ કરાઈ હતી.CBIની પાંખો ભગવી થઈ ગઈ માલિક કહે તેમ જ કરે છે :  સિબલરાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે શનિવારે CBI ઉપર હુમલો કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, 'પિંજરાનો પોપટ' હવે આઝાદ તો થઈ ગયો છે પરંતુ તેની પાંખો ભગવી રહી છે. આ સાથે કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર જ તેને જે કહે છે તેમ કરે છે. સિસોદિયાના આવાસ ઉપર  CBI દ્વારા પાડવામાં આવેલા દરોડાઓના સંદર્ભમાં સિબલે પોતાના પ્રતિભાવો આપ્યા હતા. તેઓએ તેમના ટ્વિટ ઉપર લખ્યું, 'સીબીઆઇ એક સમયે પાંજરાના પોપટ જેવી હતી. હવે આઝાદ થઈ ગઈ છે પરંતુ તેની પાંખો ભગવી થઈ ગઈ છે. આ સાથે તેઓએ ઈઘ ને (પ્રવર્તન નિર્દેશાલય)ને CBI ની પાંખો હોવાનું પણ જણાવ્યું હતું અને લખ્યું હતું કે તેનો માલિક જે કહે છે તે જ તે પોપટ કરે છે.'આ પૂર્વે શુક્રવારે પણ આ ખ્યાતનામ વકીલે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર કરાયેલી કાર્યવાહી અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.શુક્રવારે સિસોદિયાના ઘરે થઈ રહેલી CBI તપાસ સાંજ સુધી ચાલી હતી તેમણે જણાવ્યું હતું કે, તપાસ સંસ્થાએ તેમનું કોમ્પ્યુટર અને મોબાઇલ પણ જપ્ત કર્યા હતા.આ તરફ 'આપ'ના અગ્રીમ નેતાઓ સંજયસિંહ અને રાઘવ ચઢ્ઢા સહિત અન્ય નેતાઓના સરકાર ઉપરના પ્રહારો ચાલુ રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં પણ ખુલ્લેઆમ આક્ષેપો કરવામાં આવે છે કે, સરકાર દિલ્હીના વિકાસ મોડેલને નિશાન બનાવી રહી છે.પિંજરાનો પોપટ તે શબ્દો ક્યાંથી આવ્યા તે જાણવું રસપ્રદ બનશે. ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટમાં કોલસા ગોટાળા અંગે સુનાવણી ચાલી રહી હતી તે સમયે જસ્ટીસ આર. એમ. લોઢાએ સીબીઆઇને પિંજરાના પોપટની ઉપમા આપતા CBI ને કહ્યું હતું કે, પિંજરાના પોપટની જેમ પઢાવેલી વાતો ન કરો. સાથે તેઓએ પ્રશ્ન કર્યો કે પિંજરામાં બંધ તેવા પોપટને મુક્ત કરવામાં કેટલો સમય લાગશે ?


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.