જસદણ બોટાદ રેલ્વે લાઈનના સર્વેની ફાઈલ અભેરાઈએ ચડાવી દેવાઈ - At This Time

જસદણ બોટાદ રેલ્વે લાઈનના સર્વેની ફાઈલ અભેરાઈએ ચડાવી દેવાઈ


રેલ્વે સ્ટેશન હોરર ફિલ્મના સેટ જેવું

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ બોટાદ વચ્ચે વર્ષોથી ટ્રેન વ્યવહાર બંધ છે. લગભગ એક દસકા પહેલા જસદણ બોટાદ બ્રોડગેજ રેલ્વે લાઈનનો સરવે કરાયો હતો. પરંતુ રાજકીય ઈચ્છાના અભાવે સર્વે કરાયેલી ફાઈલને ધૂળ ખવરાવવા અભેરાઈ ઉપર ચડાવી દેવામાં આવી છે.
જસદણથી બોટાદ વચ્ચે ભૂતકાળમાં મીટરગેજ લાઈન હતી. આ રેલ્વે લાઈન ઘણાં લાંબા સમયથી બંધ પડી છે. ત્યારબાદ સમયાંતરે માગણીઓ ઉઠતા ઘણાં વર્ષો પહેલા રેલ્વે બ્રોડગેજ લાઈનની સેવાને ફરી શરૂ કરવા સરવે કરાયો હતો. પરંતુ આ ફાઈલ અભેરાઈએ ચડાવી દેવાઈ છે. ટ્રેન વ્યવહાર બંધ હોવાથી જસદણ રેલવે સ્ટેશન પણ પડવાના આરે છે. આ અંગે જસદણના વેપારી અને કાર્યકર જયેશ હિંમતલાલ કલ્યાણીએ જણાવ્યું હતું કે બન્ને શહેર વચ્ચે સીધો વ્યાપારિક સબંધ છે. હીરા ઉદ્યોગ, જીનીંગ ફેક્ટરી, ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ, પટારા, હેન્ડીક્રાફ્ટ, માટીકામ, ટેરાકોટા, વગેરેના વેપાર-ધંધા માટે બન્ને શહેરના વેપારીઓને આ ટ્રેન સુવિધા ખૂબ જ ઉપયોગી બની શકે છે. જસદણ વીંછિયાના વેપારીઓને ધંધા માટે અમદાવાદ, સુરત, મુંબઈ, વડોદરા જવું પડે છે. ત્યારે જસદણ બોટાદ રેલ્વે સેવાને બ્રોડગેજથી જોડી તેને અમદાવાદ, ભાવનગર, સુરત, મુંબઈ સુધી જોડાઈ શકે તેથી રેલ્વેને પણ આવકમાં ઘણો જ વધારો થઈ શકે તેમ છે જયેશભાઈ કલ્યાણીએ છેલ્લે જણાવ્યું હતું કે રેલ્વે બંધ થઈ ત્યારબાદ ભાજપ અને કોંગ્રેસના ઘણાં સાંસદો પણ રાજ કરી ગયાં અને હાલમાં પણ એક એક શેરીમાં બે ત્રણ નેતાઓ રહે છે પણ પરિસ્થિતિ દીવસે દીવસે બગડતી જતી હોય તેથી જસદણનું રેલ્વે સ્ટેશન કોઈ હોરર ફિલ્મના સેટ જેવું થઈ રહ્યું છે.

તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.