પાર્કિંગની જગ્યા ભલે ન હોય અમે તો દંડ ફટકારીશું જ - At This Time

પાર્કિંગની જગ્યા ભલે ન હોય અમે તો દંડ ફટકારીશું જ


શહેરની અોળખ સમી મુખ્ય બજાર ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજ રોડ પર વાહન પાર્કિંગની વિકટ સ્થિતિ છે. આ બજારમાં ઓછામાં ઓછા 20 હજાર વાહનો પાર્ક કરવાના થાય છે જેની સામે પાર્કિંગની જગ્યા નહિવત છે, છતાં ટ્રાફિક પોલીસ વાહનો ટોઇંગ કરી વેપારીઓ અને ગ્રાહકોને હેરાન કરતા હોવાથી વેપારીઓએ ચાર દિવસ પૂર્વે બંધ પાડી રોષ ઠાલવ્યો હતો. શહેરની અન્ય જગ્યા પર પાર્કિંગની સ્થિતિ શું છે.તે જાણવા ત્રિકોણબાગ નજીક ભાવનગરના ઉતારા પાસે આવેલી એસબીઆઇની શાખા અને ઢેબર રોડ પર કાંતા સ્ત્રી વિકાસ ગૃહ પાસે આવેલી એસબીઆઇની શાખાએ રિયાલિટી ચેક કર્યું તો ત્યાં પણ આવી જ વિકટ સ્થિતિ જોવા મળી હતી અને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં તંત્ર નિષ્ફળ ગયું છે અને પોલીસ તે સ્થિતિને ધ્યાને રાખવાને બદલે વાહનચાલકોને દંડી રહી છે તેવું વરવું ચિત્ર બહાર આવ્યું હતું. ઉપરોક્ત બંને બેંકના મુખ્ય પ્રબંધક (મેનેજર)એ જણાવ્યું હતું કે, તેમની બેંકના કંપાઉન્ડમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. બેંકના ગ્રાહકો પણ આ પાર્કિંગમાં વાહન પાર્ક કરી શકે તેવી છૂટ આપવામાં આવી છે, પરંતુ પાર્કિંગ મર્યાદિત છે અને ગ્રાહકો મોટી સંખ્યામાં આવતા હોવાથી તેમણે નાછૂટકે બહાર વાહન પાર્ક કરવા પડે છે અને ટ્રાફિક શાખા ત્રાટકે ત્યારે બેંકના ગ્રાહકો તેમનો દોષ ન હોવા છતાં દંડાઇ રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.