ઓડિટ રિટર્નમાં આધારે વેપારીઓની ખરીદીની વિગતો IT વિભાગ ભેગી કરશે - At This Time

ઓડિટ રિટર્નમાં આધારે વેપારીઓની ખરીદીની વિગતો IT વિભાગ ભેગી કરશે


ઇન્‍કમટેક્‍સના ઓડિટ રિટર્ન ભરતી વખતે વેપારીઓએ વર્ષ દરમિયાન કયા કયા વેપારી પાસેથી ખરીદી કરી છે તેની વિગતો માંગવામાં આવી છે. તેના લીધે આગામી દિવસોમાં આઇટી રિટર્નના આધારે જીએસટી ચોરી કરનારાઓ પર તવાઇ આવવાની શક્‍યતા રહેલી છે. જોકે વર્ષ દરમિયાન કરેલી ખરીદીમાં વેપારી પાસે જીએસટી નંબર છે કે નહીં અને તે કમ્‍પોઝિશન એટલે કે લમસમ ટેક્‍સ ભરે છે તેની પણ વિગતો ઓડિટ રિટર્નના આધારે એકત્ર કરીને જીએસટીની આવક વધારવામાં આવે તેવા પણ પ્રયાસો કરવામાં આવનાર છે.
ઇન્‍કમટેક્‍સ ઓડિટ રિટર્નના કોઝ ૪૪માં વેપારીએ સમગ્ર વર્ષ દરમિયાન કરેલી ખરીદીની નાનામાં નાની વિગતો રજૂ કરવા માટે જણાવ્‍યું છે. જોકે આ નિયમ ત્રણ વર્ષ પહેલા જ લાગુ કરવામાં આવ્‍યો હતો. પરંતુ કોરોનાના કારણે તેનો અમલ થઇ શકયો નહોતો. જયારે હાલમાં કોરોનાની સ્‍થિતિ હળવી થતા ઓડિટ રિટર્નમાં આ વિગતો ફરજિયાત ભરવા માટે તાકીદ કરવામાં આવી છે. તેના કારણે વેપારીઓની સાથે સાથે સીએની પણ દોડધામ વધી ગઇ છે. તે માટેનું કારણ એવું પણ છે કે સમગ્ર વર્ષ દરમિયાન વેપારીએ જેટલા પણ વેપારીઓ પાસેથી ખરીદી કરી હશે તેની વિગતો રજૂ કરવાની છે. તેના લીધે એક મહિનામાં જ મોટા વેપારીઓએ ૫૦૦થી વધુ એન્‍ટ્રી કરવાની સ્‍થિતિ ઊભી થવાની છે.
ઓડિટ રિટર્નમાં જે વેપારી પાસે જીએસટી નંબર નહીં હોય તેની પાસેથી ખરીદી કરવામાં આવી હશે તેની વિગતો અલગથી કાઢવામાં આવશે. તેમાં પણ જે વેપારીએ જીએસટી નંબર નહીં ધરાવનાર વેપારી પાસે ખરીદી કરી હશે તો તેને પણ નોટિસ આપીને તેનો ખુલાસો પૂછવામાં આવશે. તેમજ જીએસટી નંબર નહીં ધરાવનાર વેપારી કેટલા છે તેનો પણ ડેટા ઇન્‍કમટેક્‍સના માધ્‍યમથી એકત્ર કરવાનો પ્રયાસો જીએસટી વિભાગે શરૂ કર્યો છે, કારણ કે જીએસટી અને ઇન્‍કમટેક્‍સ વિભાગ વચ્‍ચે કરાર કરવામાં આવ્‍યા છે કે બંને એકબીજાના ડેટા એનાલિસિસ કરી શકશે. ડેટા એનાલિસિસના આધારે જીએસટી અને ઇન્‍કમટેક્‍સ ચોરી પકડીને આવક વધારવાનો પણ પ્રયાસ કરે તેવી વિગતો જાણવા મળી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.