આન, બાન, શાન સાથે ઉના ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી
આન, બાન, શાન સાથે ઉના ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી
મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીએ ધ્વજવંદન કરાવી પરેડની સલામી ઝીલી
--------------
જિલ્લાના વિકાસ માટે મંત્રીશ્રીના હસ્તે કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાને રૂ.૨પ લાખનો ચેક અર્પણ*
--------------
ગીર સોમનાથના ઊનાના આંગણે દેશભક્તિસભર માહોલમાં જિલ્લાકક્ષાના ૭૬માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉમંગ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં કરવામાં આવી હતી.
ઊનાના શાહ.એચ.ડી. હાઈસ્કૂલના મેદાન ખાતે આયોજીત પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીએ ધ્વજવંદન કરી પરેડની સલામી ઝીલી હતી.
મંત્રીશ્રી વતી પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવતા જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમૃતકાળના આરંભના વર્ષોમાં ગુજરાત ભારતના વિકાસની લીડ લઈ રહ્યું છે. ગુજરાતે વિવિધ ક્ષેત્રોમાં સાધેલા અભૂતપૂર્વ વિકાસથી વડાપ્રધાનશ્રીનો વિકસિત ભારતનો સંકલ્પ અચૂક સાકાર થવાનો છે.
તાજેતરમાં જ સોમનાથના આંગણે તા.૨૧ થી ૨૩ નવેમ્બર સુધી રાજ્ય સરકાર દ્વારા આયોજીત કરવામાં આવેલ ત્રિ-દિવસીય ચિંતનનું સુચારૂ આયોજન કરીને ગીર સોમનાથ જિલ્લાએ પોતાની ક્ષમતા પ્રદર્શિત કરી હતી. આ ચિંતન શિબિરમાં થયેલા મનોમંથનથી ગુજરાતના ભાગ્ય નિર્ધારણની દિશા ખૂલવાની છે, ત્યારે જિલ્લાનું આ પ્રદાન આગામી લાંબા સમય સુધી ચીરસ્મરણિય રહેશે.
નવા વર્ષે લોકો નવા સંકલ્પો લેતાં હોય છે, ત્યારે વિકાસના અનેક પંથો કંડારીને ગુજરાત રાજ્ય વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો સંકલ્પ લઈને આગળ ધપી રહ્યું છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
ગુજરાતે અવિરત વીજળી, ગેસ, પાણી પુરવઠાની મજબૂત ઈકો-સિસ્ટમ વિકસિત કરી છે. રાજ્યમાં પ્રો-એક્ટિવ ગવર્મેન્ટ સાથે કેમિકલ, ફાર્મા, ટેક્સટાઈલ, સિરામિક્સ, ઓટોમોટિવ, ઈ.વી અને સેમિકન્ડક્ટર જેવા ઉભરતા ક્ષેત્રો માટે ગુજરાતે આગેવાની લીધી છે. રાજ્યમાં ૨૦થી વધુ ક્ષેત્રો માટે વિશિષ્ટ નીતિઓ અમલમાં મૂકવામાં આવી છે.
કોઈપણ દેશ માટે પ્રજાસત્તાક હોવું તે ગર્વની બાબત છે. જે દેશો હજી આઝાદ થયા નથી અથવા તો સામ્યવાદી શાસન ધરાવે છે તે દેશના નાગરિકને જઈને પૂછવામાં આવે તો સ્વતંત્રતા શું છે તેનો ખ્યાલ આવે. આપણે આઝાદીનું અમૃતપર્વ ઉજવવા સાથે મુક્ત રીતે આપણી સ્વતંત્રતા માણી શકીએ છીએ, મુક્ત વાતાવરણમાં હરીફરી શકીએ છીએ, આપણી અભિવ્યક્તિ રજૂ કરી શકીએ છીએ, તેના મૂળમાં ભારતીય બંધારણવીદોએ ભારતના નાગરિકોને આપેલા સ્વતંત્રતાના હક્કો છે.
આઝાદીના અમૃતપર્વે આપણે સૌ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ, દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકર સહિતના મહાનુભાવોએ રાષ્ટ્ર માટે આપેલાં યોગદાનને યાદ કરી તેમણે દર્શવેલા પદચિહ્નો પર અગ્રેસર થવાં અને કૃતસંકલ્પબધ્ધ થવાં તેમજ તેમના પ્રત્યે ભાવવંદના કરવાનો અવસર છે.
આપણે સૌ આજે ગીર સોમનાથ જિલ્લાના ઊના ખાતે આપણા દેશના ૭૬માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવાં માટે એકઠાં થયાં છીએ. ગૌરવ અને શાનથી મસ્તક ઉંચું રાખીને તમન્નાઓને આંખમાં આંજીને સતત આગળ વધતાં રહેવાની પ્રેરણા આપનારો તેમજ બંધારણના રસ્તે સતત ચાલવાની પ્રેરણા મેળવવાનો આ દિવસ છે. તેમ તેમણે ઉમેર્યું હતું.
ભારતને આઝાદી અપાવવાં માટે આ મહાનુભાવોએ જે સમર્પણ કર્યું છે તેને યાદ કરીને તેમાંથી પ્રેરણા લઈ મા ભારતીને પરમ વૈભવના શિખરે લઈ જવાં માટે કટિબદ્ધ થવાનો તેમજ દેશના બંધારણના રસ્તે ચાલવાની પ્રેરણા લેવાનો આ અવસર છે.
ગુજરાત આજે દેશના વિકાસનું ગ્રોથ એન્જીન બની ચૂક્યું છે. વાઈબ્રન્ટ સમિટ દ્વારા ગુજરાતે વિકસિત ભારત બનાવવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પમાં આગેવાની લીધી છે. વાઈબ્રન્ટ જેવી ઈવેન્ટના કારણે આજે ગુજરાત રોકાણકારો માટે મનપસંદ રાજ્ય બની ચૂક્યું છે.
રાજ્ય સરકાર દ્વારા જે રીતે શિવરાજપુર બીચને વિકસિત કર્યો છે, એ રીતે આપણે અહમદપુર માંડવી બીચને પણ વિકસિત કરવા જઈ રહ્યાં છીએ. બીચ ખાતે બીચ સ્પોર્ટ્સ, એડવેન્ચર એક્ટિવિટી, મનોરંજન અને ખાણીપીણી સહિતની વ્યવસ્થાઓ દ્વારા જિલ્લામાં એક નવું નજરાણું ઉભું થવાનું છે. તેમ તેમણે જણાવ્યું હતું.
પર્યટન, મત્સ્યોદ્યોગ, કૃષિ, લઘુ ઉદ્યોગને કારણે ગીર સોમનાથ જિલ્લામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની અનેક તકો ઉભી થઈ છે. રાજ્ય સરકાર દ્વારા વિશેષ રૂપે આપવામાં આવતા લાભો અને સહાય જિલ્લાના જન-જન સુધી પહોંચ્યા છે જેથી લોકોનું જીવનધોરણ ઊંચું આવ્યું છે.
ગીર સોમનાથ જિલ્લો બહુઆયામી વિકાસ સાધી રહ્યો છે. તે સાથે જ પોતાની સાંસ્કૃતિક વિરાસત અને ધરોહરને સાચવીને આગળ વધી રહ્યો છે. દ્વાદશ જ્યોતિર્લિંગમાં સર્વપ્રથમ એવા ભગવાન શ્રી સોમનાથનું ધામ એવો આપણો જિલ્લો સમગ્ર વિશ્વના નાગરિકોને પોતાના આંગણે આકર્ષિત કરી સંમોહિત કરે છે. આ વિરાસતના રક્ષણ કાજે હમીરજી ગોહિલ જેવા અનેક નામી-અનામી સપૂતોએ શહીદી વહોરી દેશની એકતાની મિસાલ કાયમ કરી હતી. તેમને યાદ કરવાનો અવસર છે. તેમ જણાવી સૌને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
પ્રજાસતાક પર્વની પરેડનું નેતૃત્વ કમાન્ડર શ્રી જે.જે.પરમારે લીધું હતું. મંત્રીશ્રીએ પુરુષ પ્લાટૂન, મહિલા પ્લાટૂન, હોમગાર્ડ પ્લાટૂન, એન.સી.સી પ્લાટૂન તેમજ એસ.આર.પી. ગૃપ બેન્ડ પ્લાટૂનની સલામી ઝીલી હતી.
ગીર સોમનાથ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રધાનમંત્રી આવાસ (ગ્રા), સ્વચ્છ ભારત મિશન(ગ્રા), અને સખીમંડળની બહેનો દ્વારા આર્થિક પ્રવૃત્તિઓ જેવી પંચસ્તંભ યોજનાઓ, જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી દ્વારા મેલેરિયા, ડેંગ્યૂ, જેવા મચ્છરજન્ય રોગોના અટકાયત અને નિયંત્રણ, વનવિભાગ દ્વારા એગ્રો ફોરેસ્ટ્રી, વન મહોત્સવ તેમજ વન્યજીવ સંરક્ષણ, આઈ.સી.ડી.એસ. દ્વારા આંગણવાડી વર્કર, હેલ્પર દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ, પી.જી.વી.સી.એલ. દ્વારા પી.એમ.સૂર્યઘર યોજના જેવી થીમ આધારિત આકર્ષિત ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતાં.
વિવિધ સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભક્તિ ગીતો પર દેશભક્તિ સભર સાંસ્કૃતિક કૃતિઓ, રાસ-ગરબા સહિતની કૃતિઓ રજૂ કરી હતી. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલી બેન્ડ ડિસ્પ્લે, દેશભક્તિ ગીત, તલવાર રાસ, લોકનૃત્ય, મણિયારો રાસ અનેકવિધ રંગારંગ પ્રસ્તુતિઓ નાગરિકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
મંત્રીશ્રીના હસ્તે જિલ્લાના વિકાસ કાર્યો માટે રૂ.રપ લાખનો ચેક કલેક્ટરશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. મહાનુભાવોના હસ્તે સ્વાતંત્ર્ય સેનાની પ્રતાપરાય છોટાલાલ પાઠક સહિત જુદાં-જુદા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારા નાગરિકો, અધિકારીઓ, કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય સર્વ શ્રી કાળુભાઈ રાઠોડ, જિલ્લા પોલીસવડા શ્રી મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ, ઉના પ્રાંત અધિકારી શ્રી કે.આર.પરમાર, અગ્રણી શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા, તાલુકાના ગણમાન્ય નાગરિકો, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ તથા ઊનાના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
