"લોમેવધામ ધજાળાના પાવન પરિસરમાં આંતરિક વૈમનસ્ય નિવારણ ચિંતન સભા યોજાઈ" - At This Time

“લોમેવધામ ધજાળાના પાવન પરિસરમાં આંતરિક વૈમનસ્ય નિવારણ ચિંતન સભા યોજાઈ”


લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર એવાં લોમેવધામ ધજાળાના પાવન પરિસરમાં કાઠી દરબાર સમાજનાં આંતરિક વૈમનસ્ય નિવારણ અંગેની ચિંતનસભા ખૂબ ઉત્તમ રીતે સાર્થક થઈ......
લોમેવધામ ધજાળાના શિક્ષિત અને દિક્ષિત મહંત મહારાજ પૂજ્યશ્રી ભરતબાપુ અને બાહોશ,કર્મઠ અને સુધારાવાદી દ્રષ્ટિકોણ ધરાવતાં સુરેન્દ્રનગર પોલિસ અધિક્ષક (s.p) શ્રી ગિરીશ પંડ્યા સાહેબનાં પ્રેરક સંવાદમાથી મોટી સંખ્યામાં કાઠી દરબાર સમાજનાં અગ્રગણ્ય વડિલો અને યુવા પ્રતિભાઓની વિશાળ હાજરીમાં આવો સુંદર ઉપક્રમ લોમેવધામ ધજાળામા ચરિતાર્થ થયો....
આ ચિંતનસભામા પાંચાળની દેહાણ જગ્યાનું આદરકેન્દ્ર એવાં શ્રી રતાબાપુની જગ્યા મોલડીના મહંત મહારાજ પૂજ્ય શ્રી દાદબાપુ,શ્રી લાખાબાપુની જગ્યાનાં મહંત મહારાજ પૂજ્ય શ્રી કિશોરબાપુ,શ્રી જુના સૂરજદેવળ મંદિર સોનગઢના મહંત મહારાજ પૂજ્ય શ્રી દિલીપબાપુ, પોલીસ અધિક્ષક શ્રી પંડ્યા સર,કાઠી સમાજનું ઘરેણું પ્રખ્યાત લોક સાહિત્યકાર અને કોર્પોરેટર શ્રી અમદાવાદ ડૉ.શ્રી રણજીતભાઈ વાંક તથા પી.એસ.આઈ.ધજાળાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી....
ચિંતનસભાની પ્રેરક શરુઆત દીપ પ્રાગટ્ય દ્રારા કરવામાં આવી હતી...તથા પૂજ્ય ભરતબાપુ દ્રારા સૌ આદરણીય સંતો, એસ.પી.સાહેબ તથા ડૉ.રણજીતભાઈ વાંકનુ શાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું...ભાઈશ્રી રણજીતભાઈ વાંક દ્રારા ચિંતનસભા અંગેની પ્રારંભિક વિગત કાઠી દરબાર સમાજનાં ઉજળા વારસાના ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય સાથે સુંદર રીતે કરવામાં આવી સાથે વર્તમાન સમયની માંગ અને આવા શ્રધ્ધાના ધામમાં આવા કર્મઠ અધિકારીશ્રીની આગવી પહેલને સૌ કાઠી દરબાર સમાજે આવકારી અંદરો અંદરના નાના મોટા વૈમનસ્ય દૂર કરી સૌ આગળ વધે એવી પ્રેરક વાત રજુ કરી હતી તો સમગ્ર ઉપક્રમ જેની સરળતા, સહજતા અને દૂરદર્શિતાથી રચાયો હતો એવાં પોલીસ અધિક્ષક શ્રી પંડ્યા સર દ્રારા સમાજનાં આગેવાનોને સંબોધી આપસી વૈમનસ્ય,એના દુષપરિણામ અને એનાથી દૂર સમાધાનકારી વલણ વિશે પ્રેરક,ધારદાર અને ઉત્તમ વાત સાથે શિક્ષણ,સંપ,કલેશમુકત જીવન તેમજ આવનારી પેઢીના ઉજ્વળ ભવિષ્ય અંગેની શ્રેષ્ઠ ભાવના ઉજાગર કરતું મનનીય ચિંતન રજુ કર્યું હતું.... ઉપસ્થિત સૌ કાઠી દરબાર સમાજના અગ્રગણ્ય વડીલો તથા સંતોએ આ વિચારને હ્દયથી આવકાર્યો હતો અને સાહેબની વાતમાં હકારાત્મક સૂર પુરાવ્યો હતો તેમજ આ બાબતમાં સતત સંપુર્ણ સાથ સહકાર આપી આ દિશામાં આગળ વધવાની હાંકલ કરી હતી...
આવી અસરકારક ચિંતન સભા અને હકારાત્મક પહેલ વિશે પરમ આદરણીય શ્રી દિલીપબાપુ તથા આદરણીય શ્રી કિશોરબાપુએ પોતાનો રાજીપો વ્યક્ત કરી એસ.પી.સાહેબની પહેલને આવકારી દેહાણ જગ્યાનાં સંતોનો આશીર્વાદ અને સાથ આપ સાથે છે એવી વંદનીય વાત મુકી હતી તો પરમ વંદનીય શ્રી ભરતબાપુએ આ સમગ્ર ચિંતન સભાને સાર્થક કરતું ઉત્તમ દ્રષ્ટાંતો સાથેનું ઉત્તમ મનનિય આશીર્વચન રજુ કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે હરહંમેશ કાઠી દરબાર સમાજના હિતમાં અને સુધારાવાદી દ્રષ્ટિકોણમાં ધજાળા લોમેવધામના દ્રાર સદા આપ સૌ માટે ખુલ્લાં છે એમ કહી પોલીસ પરિવારનાં વડાની ભાવનાને આવકારી આભાર દર્શન કર્યું હતું.... સમગ્ર ચિંતનસભાનુ સુચારું સંચાલન શ્રેષ્ઠ શિક્ષક અને શ્રેષ્ઠ એન્કર શ્રી પ્રવીણભાઈ ખાચર દ્વારા કરવામાં આવ્યું હતું.‌.આમ રોકડિયા ઠાકરના ધામમાં આવાં ઉત્તમ ચિંતન બાદ સૌ પ્રસાદ લઈ શુભ સંકલ્પો સાથે સૌ છુટા પડ્યાં હતાં.
અહેવાલ : પ્રવીણભાઈ ખાચર
રિપોર્ટર : જેસીંગભાઇ સારોલા
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.