ટ્રકમાં ચોરખાનું બનાવી છુપાવેલ 1095 બોટલ દારૂ સાથે રાણાવાવનો શખ્સ ઝડપાયો - At This Time

ટ્રકમાં ચોરખાનું બનાવી છુપાવેલ 1095 બોટલ દારૂ સાથે રાણાવાવનો શખ્સ ઝડપાયો


બુટલેગરો પણ હવે હાઈટેક બનતાં જાય છે અને પોલીસથી બચવા નવા નવા કિમીયા અજમાવી રહ્યાં છે, જો કે, પોલીસથી બચવું ‘નામુમકીન હે’ તેમ ટ્રકમાં ચોરખાનું બનાવી છુપાવેલ 1095 બોટલ દારૂ સાથે રાણાવાવના મુરૂ ભુતીયાને પીસીબીની ટીમે જુના માર્કેટીંગ યાર્ડ પાસેથી દબોચી લઈ દારૂ અને ટ્રક મળી રૂ.8.90 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જ્યારે ગોવાથી દારૂનો જથ્થો ભરી રાજકોટના ગુલાબનગરમાં રહેતાં મહાવીરસિંહ પરમાર સહિતના બુટલેગરને સપ્લાય કરવાનો હોવાનું ખુલતાં તેની શોધખોળ આદરી છે.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા દ્વારા શહેરમાં દારૂ તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવાની આપેલ સૂચનાથી પીસીબી પીઆઈ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઇ મહિપાલસિંહ, હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ અને હરદેવસિંહને ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જતા હાઇવે પર એક આઈશર ટ્રકમાં દારૂ ભરેલ છે.
તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુના માર્કેટીંગ યાર્ડના પુલથી આજીડેમ ચોકડીના પુલની વચ્ચે આવેલ હાઇવે રોડ હાઉસીંગ બોર્ડ કવાર્ટરની સામેની સાઇડ સર્વિસ સ્ટેશનની બાજુમાં રોડ ઉપર પડેલ ટ્રકમાં તપાસ કરતાં તેમાં બનાવેલ ચોર ખાનામાંથી ઇંગ્લીશ દારૂનો અલગ અલગ બ્રાન્ડનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો.
પોલીસની ટીમે ટ્રક ચાલક મુરૂ બાઠા ભુતીયા (ઉ.વ.50, રહે. રાણાવાવ ગ્રીનસીટી-2 ખાખરીયા બાપાના મંદીર પાસે, પોરબંદર) ની ધરપકડ કરી કુલ દારૂની અલગ અલગ બ્રાન્ડની 1095 બોટલ દારૂ રૂ.2.90 લાખ મળી ટ્રક સહિત રૂ.8.90 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીની પૂછતાછ આદરી હતી.
વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, દારૂનો જથ્થો પકડાયેલ શખ્સ મુરૂ ભૂતિયા ગોવાથી ભરી લાવતો હતો અને રાજકોટમાં મહાવીરસિંહ પરમાર (રહે.ગુલાબનગર સહકાર સોસાયટી) સહિતના બુટલેગરોને સપ્લાય કરવાનો હતો. પીસીબીની ટીમે આરોપીના રિમાન્ડ મેળવી અન્ય ક્યાં ક્યાં દારૂ સપ્લાય કરવાનો હતો તે અંગે વિગત મેળવી આરોપીને પકડવા તજવીજ આદરશે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image