ડાયમંડકટરથી સાંઢિયા પુલને તોડવાનું શરૂ કરાશે; સાંજે 7થી 10 સુધીનો બ્લોક મળ્યો, સપ્તાહ સુધી કામ ચાલશે
રાજકોટ મનપાએ જામનગર રોડ પર સાંઢિયા પુલ તોડીને ઓવરબ્રિજ બનાવવાનું કામ હાથ ધર્યું છે. તે પહેલાં જૂના માળખાને તોડવા છેલ્લા 3 મહિનાથી રેલવેની મંજૂરીની રાહ જોવાતી હતી. આખરે રેલવેએ લીલીઝંડી આપતા રેલવે લાઈન ઉપરનો બ્રિજ તોડવાનું કામ શરૂ કરાશે.
મનપાએ સાંઢિયા પુલને તોડવાની કામગીરી શરૂ કરી છે પણ રેલવે લાઈન ઉપર જે પુલનો ભાગ છે તે તોડતા પહેલાં રેલ વ્યવહાર બંધ કરવો પડે જેની મંજૂરી અને ક્યા સમયે યાતાયાત બંધ રહેશે એટલે કે એન્જિનિયરિંગ બ્લોક અપાશે તે માટે મંજૂરી માગવામાં આવી હતી. રેલવેએ સાંજે 7થી 10 વાગ્યાનો સમય આપ્યો છે તેથી હવે તેનું કામ શરૂ કરાશે.
ગુરુવારથી બ્રિજ તોડવા માટે મશીનરી પહોંચી જશે. આ બ્રિજ હટાવવા માટે ડાયમંડ કટરનો ઉપયોગ કરવામાં આવશે. ભારે અવાજ અને તોડફોડને બદલે બ્રિજના હિસ્સાઓને કેબલ વડે બાંધીને તે કેબલ કે જેમા ડાયમંડની રજ હશે તે ઘસવામાં આવશે. આ રીતે ધીમે ધીમે પુલ કપાશે અને બરફીના ચોસલા પડે તે રીતે બ્રિજનો ભાગ કપાતો જશે અને ક્રેનની મારફત તે ભાગ ઉતારી લેવાશે. આ રીતે ધીમે ધીમે પુલ કાપીને દૂર કરાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.