ગીર સોમનાથમાં આંકોલવાડી ખાતે મિલેટ મહોત્સવની ભવ્ય ઉજવણી - મિલેટ પાકોમાં નેનો યુરિયાના ઉપયોગ વિષે તેમજ દૈનિક ખોરાકમાં - At This Time

ગીર સોમનાથમાં આંકોલવાડી ખાતે મિલેટ મહોત્સવની ભવ્ય ઉજવણી ———– મિલેટ પાકોમાં નેનો યુરિયાના ઉપયોગ વિષે તેમજ દૈનિક ખોરાકમાં


ગીર સોમનાથમાં આંકોલવાડી ખાતે મિલેટ મહોત્સવની ભવ્ય ઉજવણી
-----------
મિલેટ પાકોમાં નેનો યુરિયાના ઉપયોગ વિષે તેમજ દૈનિક ખોરાકમાં
મિલેટના ઉપયોગ વિશે અપાયું માર્ગદર્શન
-----------
પ્રગતિશીલ ખેડૂતોનું પ્રશસ્તિપત્ર અને આંગણવાડી બહેનોને
ઇનામ તથા પ્રશસ્તિ પત્ર આપી કરાયું સન્માન
-----------
ગીર સોમનાથ, તા.૦૪: પૌષ્ટિક ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) તેમજ પ્રાકૃતિક ખેતીથી પકવેલા મિલેટ્સનો મહત્તમ ઉપયોગ કરવા લોકોને પ્રેરણા મળી રહે એવા હેતુસર વર્ષ ૨૦૨૩માં ‘ઇન્ટરનેશનલ મિલેટ યર’ની ઉજવણી થઈ રહી છે. જેના ઉપક્રમે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ મિલેટ્સ એટલે કે જાડા ધાન્યોમાં રહેલા પોષકતત્વો અને સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા શુભહેતુથી સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આ જ ઉપક્રમે ગીર સોમનાથના આંકોલવાડી ખાતે મિલેટ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી
આ કાર્યક્રમમાં મહેમાન તરીકે પધારેલ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબહેન મૂછાર દ્વારા પોતાના પ્રાસંગિક વ્યકતવ્યમાં સરકારશ્રીના મિલેટ ધાન્યોના પ્રચાર પ્રસાર માટે હાથ ધરેલ પ્રયત્નોને બિરદાવ્યા હતા. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા આધુનિક જીવનશૈલીમાં મિલેટનો ઉપયોગ કરવા આગ્રહ કરેલ હતો. નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ) ગીર સોમનાથ દ્વારા મિલેટ પાકો અંતર્ગત પ્રાકૃતિક ખેતી તથા મિલેટ પાકોમાં નેનો યુરિયાના ઉપયોગ વિષે માર્ગદર્શન આપેલ હતું. કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનારથી આવેલા કૃષિ નિષ્ણાતો દ્વારા તૃણ ધાન્ય પાકોમાં વધુ ઉત્પાદન મેળવવા આધુનિક ખેતી પધ્ધતિ પર માર્ગદર્શન આપેલ તથા વિવિધ રીતે તેમાં મુલ્યવર્ધન કરી તેઓ દૈનિક ખોરાકમાં મહત્તમ ઉપયોગ થાય તે માટે માર્ગદર્શન આપેલ હતું.
આ તકે પ્રગતિશીલ ખેડૂત દ્વારા સફળ ખેતી પધ્ધતિ પરના પોતાના અનુભવો વર્ણવ્યા હતા તથા આંગણવાડી બહેનો દ્વારા વિવિધ મિલેટ આધારિત વાનગીઓનું પ્રદર્શન કરેલ હતું. જે માટે ખેડૂતોનું પ્રશસ્તિ પત્ર તથા શાલ દ્વારા અને આંગણવાડી બહેનોને ઇનામ તથા પ્રશસ્તિ પત્ર આપી મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં ખેતીવાડી શાખા, બાગાયત શાખા, આઈ.સી.ડી.એસ., આરોગ્ય વિભાગ, આત્માપ્રોજેક્ટ, ઇન્ડિયન પોસ્ટલ પેમેન્ટ બેંક, ખેડૂત ઉત્પાદન સંગઠન, બિયારણ કંપની તથા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના સ્ટોલના સ્ટોલની ગોઠવણી કરેલ હતી. કાર્યક્રમમાં તાલાલા તાલુકાના આશરે ૪૦૦ થી વધુ ખેડૂત ભાઈ-બહેનો, કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ, આંગણવાડી કાર્યકર બહેનોએ પોતાની હાજરી આપેલ હતી.
કાર્યક્રમમાં આવેલ મહાનુભાવો, ખેડૂતભાઈ-બહેનો, વગેરે માટે મિલેટ પાકો આધારિત પારંપારિક વાનગીઓના ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. આમ, આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ – ૨૦૨૩ ને એક જન આંદોલનના સ્વરૂપે લઈ સામાન્ય રીતે ગૌણ તરીકે જાણીતા ધાન્યને પોષક ધાન્ય તરીકે મુલવી જમીન, ખેતી, પર્યાવરણ, માનવ આરોગ્ય, વગેરેમાં એક સકારાત્મક પરિવર્તન આવે તેવા સહિયારા પ્રયત્નો થકી સફળ બનાવવા કાર્યક્રમનું આયોજન કરેલ હતું.
00 000 00 000


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.