નેપાળી દંપતિની બે મહિનાની દિકરી એન્જલનું ભેદી મોત - At This Time

નેપાળી દંપતિની બે મહિનાની દિકરી એન્જલનું ભેદી મોત


રાજકોટ તા. ૧૧: શહેરના જીવરાજ પાર્ક પાસે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે અંબી રેસિડેન્સીના પાર્કિંગમાં ચોકીદારના રૂમમાં રહેતાં નેપાળી દંપતિની બે મહિનાની બાળકીનું સાંજે શંકાસ્પદ મોત નિપજતાં પોલીસે બાળકીના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવી સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે. પિતા હોટલમાં કામે ગયો હતો અને માતા આ બાળકીને રૂમમાં એકલી સુવડાવી રાખડી લેવા ગઇ હતી. દોઢેક કલાક રેઢી હાલતમાં આ બાળકી રહી હતી. એ પછી માતા ઘરે આવી ત્યારે બાળકી બેશુધ્ધ મળતાં હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મૃત જાહેર કરવામાં આવતાં કલ્પાંત સર્જાયો હતો.
ઘટનાની જાણવા મળેલી માહિતી મુજબ જીવરાજ પાર્ક અંબી રેસિડેન્સી ઇ-ડી વિંગમાં ચોકીદારના રૂમમાં રહેતાં નેપાળી યુવાન અનુજ ખેમબહાદુર પરિહાર અને કલ્પના અનુજ પરિહારની દિકરી એન્જલ (ઉ.૨ મહિના) નામની બાળાને રાતે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહિ તબિબે તેણીને મૃત જાહેર કરી હતી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ તાલુકા પોલીસમાં જાણ કરતાં પીએસઆઇ ડી. વી. ખાંભલા સહિતના સ્ટાફે હોસ્પિટલે પહોંચી તપાસ શરૂ કરી હતી. બાળકીના શરીર પર સ્હેજ ઇજા જેવા નિશાન દેખાયા હોઇ મોત શંકાસ્પદ જણાતાં પોલીસે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવા તજવીજ કરી હતી.
મૃત્યુ પામનાર એન્જલના પિતા અનુજ પરિહારે જણાવ્યું હતું કે તે અંબી બિલ્ડીંગમાં સાતેક મહિનાથી પત્નિ કલ્પના સાથે રહે છે અને અહિ ચોકીદારી કરવા ઉપરાંત હોટલમાં કામ કરવા પણ જાય છે. બે મહિના પહેલા જ દિકરી એન્જલનો જન્મ થયો હતો. આજે ૧૧મીએ જ એન્જલના બે મહિના પુરા થયા હતાં.
અનુજની પત્નિ કલ્પનાએ કહ્યું હતું કે પતિ અનુજ સાંજે હોટલમાં કામે ગયો હતો અને હું સાંજે સાડા છએક વાગ્યા પછી દિકરી એન્જલને રૂમમાં એકલી સુવડાવી નજીકની માર્કેટમાં રાખડી સહિતની ચીજવસ્તુ લેવા માટે ગઇ હતી. અમારી સાથે બીજુ કોઇ રહેતું ન હોઇ હું દિકરીને એકલી જ રૂમમાં સુવડાવીને ગઇ હતી. અગાઉ પણ આ રીતે તેને મુકીને ગઇ હતી. સાંજે આઠેક વાગ્યે પરત ઘરે આવી ત્યારે રૂમમાં દિકરી એન્જલ બેભાન જોવા મળી હતી. આથી મેં પતિને અને સગાને જાણ કરી હતી અને અમે દિકરીને પહેલા મવડી ચોકડીની ખાનગી હોસ્પિટલે લઇ ગયા હતાં અને ત્યાંથી સિવિલમાં લાવ્યા હતાં. પણ ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. કલ્પનાએ આક્ષેપ કર્યો હતો કે દિકરીના શરીર પર ઇજા જેવા નિશાન છે. તેની સાથે કોઇએ મારકુટ કરી કે અન્ય કંઇ બન્યું? તેની ખબર નથી. પોલીસે સીસીટીવી કેમેરા ચેક કર્યા છે. નેપાળી છોકરા અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. તેમ તેણીએ વધુમાં કહ્યું હતું.
ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે. બે મહિનાની બાળકી એન્જલનું ભેદી મોત થતાં માતા સતત વિલાપ કરતી હતી. જે દ્રશ્યો કરૂણતા ઉપજાવે તેવા હતાં. દંપતિની આ એકની એક દિકરી હતી. તાલુકા પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ ડી. વી. ખાંભલા અને ટીમ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આજે બપોર સુધીમાં જાહેર થયા બાદ આગળ કાર્યવાહી કરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.